<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

વાછકપર બેડી પાસે બે કારખાનાની ઓરડીમાંથી મજૂરોની રોકડ તથા ૧૦ મોબાઇલની ચોરી

ત્રણ દિવસ પહેલા બનાવઃ મજૂરોને ઉંઘતા રાખી તસ્‍કરો રોકડ અને મોબાઇલ મળી રૂા. ૧.૬૯ લાખની માલમતા ચોરી ગયા

રાજકોટ તા. ૧૯: શહેરના વાછકપર બેડી ગામ પાસે આવેલા બે કારખાનાને નિશાન બનાવી કારખાનાની ઓરડીઓમાં મજૂરોને ઉંઘતા રાખી રોકડ તથા ૧૦ મોબાઇલ મળી રૂા. ૧.૬૯ લાખની માલમતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મવડી પ્‍લોટ જસરાજનગર શેરી નં. પ/૬માં રહેતા કારખાનેદાર ધવલભાઇ વિનોદભાઇ ખૂંટ (ઉ.વ. ૩ર) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ધવલભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે વાછકપર બેડી ગામ રોડ પર માધવ હોટલની પાછળ સોલટેક્ષ પેપર એલ.એલ.પી. નામનું પેપર બનાવવાનું કારખાનું ચલાવે છે. પોતાના કારખાનામાં કુલ પર મજૂરો કામ કરે છે અને તમામને રહેવા માટે કારખાનામાં જ ઓરડીઓ આપી છે. ગત તા. ૧૬ના રોજ રાત્રે પોતે ઘરે સૂતા હતા ત્‍યારે મોડી રાત્રે કારખાનાના મેનેજર જયદીપભાઇનો ફોન આવતા તેણે જણાવેલ કે ‘આપણા મજૂરોના રૂમમાં ચોરી થઇ છે' તેમ વાત કરતા પોતે જયદીપભાઇને પોલીસ કંટ્રોલ ૧૦૦ નંબરમાં જાણ કરી પોલીસ બોલાવવાનું કહ્યું હતું. સવારે પોતે કારખાને જતા તપાસ કરતા કારખાનાની ઓરડીમાં રહેતા મજૂરોના રૂમમાંથી રૂા. ૧પ૦૦૦ રોકડ તથા સાત મોબાઇલ ફોનની ચોરી થઇ હોવાનું જાણવા મળ્‍યું હતું. બાદ પોતે આજુબાજુ તપાસ કરતા પોતાના કારખાનાની આગળ હિતેન્‍દ્રભાઇ જીવણભાઇ મેરા (રહે. કરણપાર્ક શેરી નં. ર/૪નો ખૂણો એસ્‍ટ્રોન ચોક) ના જે.એસ.ડી. ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાં મજૂરોના રૂમમાંથી ચાર મજૂરોના રૂા. ૪૦૦૦ રોકડા અને ત્રણ મોબાઇલ ફોનની ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આથી કોઇ અજાણ્‍યા શખ્‍સો બંને કારખાનામાં પ્રવેશ કરી મજૂરોની ઓરડીમાં મજૂરોને ઉંઘમાં ખલેલ પહોંચાડયા વગર રૂા. ૧.૬૯ લાખની રોકડ તથા ૧૦ મોબાઇલ ફોન ચોરી ગયા હોઇ પોતે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે.

(3:14 PM IST)