News of Saturday, 19th October 2024
રેસકોર્ષ આર્ટ ગેલેરીનું કામ ઝડપી પૂર્ણ કરોઃ તાકિદ
મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા કામગીરી અન્વયે સ્થળ મુલાકાત

રાજકોટ,તા.૧૯: મહાનગરપાલિકા દ્વારા આજ શનિવારના રેસકોર્ષ સંકુલ ખાતે શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના નિર્માણાધિન બિલ્ડીંગની કામગીરી અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવેલ.
‘શ્રી શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી'ના નવા બિલ્ડીંગના બાંધકામનું ક્ષેત્રફળ ૯૭૬.૦૦ ચો.મી. રહેશે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ ગેલેરી/ એક્ઝીબીશન હોલ, સ્ટોરરૂમ, ટોઇલેટ બ્લોક, વોટરરૂમ, ઇલેકટ્રીકરૂમ, લીફટ તથા અન્ય બે ગેલેરી તેમજ ફસ્ટ ફલોર પર બે ગેલેરીનો સમાવેશ થાય છે. રેસકોર્ષ સંકુલમાં ‘શ્રી શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી'નાં નવનિર્મિત બિલ્ડીંગનું કામ થવાથી રાજકોટનાં તથા આસપાસનાં શહેરનાં આર્ટીસ્ટને તેમની કલાનાં પ્રદર્શન માટે એક સુંદર પ્લેટફોર્મ મળી રહેશે., આ ઉપરાંત હસ્તકલા, પેઇન્ટીંગ તથા અન્ય પ્રદર્શનો થઇ શકશે., દર વર્ષે આર્ટ ગેલેરીનો અંદાજીત ૧.૦૦ લાખથી વધુ લોકો લાભ મળી રહેશે.
આ સ્થળ મુલાકાતમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સિટી એન્જીનિયર અતુલ રાવલ, ડેપ્યુટી એન્જીનિયર હેમેન્દ્ર કોટક, એડી.આસી.એન્જીનિયર મહેશ પ્રજાપતિ, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા તેમજ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ.
આ સ્થળ મુલાકાત દરમ્યાન પદાધિકારીઓએ લગત અધિકારીઓને તથા એજન્સીઓને નિર્માણાધિન કામગીરી સત્વરે પૂર્ણ કરવા, આર્ટ ગેલેરીના બિલ્ડીંગ ફરતે દિવાલ કરવા સુચના આપવામાં આવી તેમજ ચાલુ કામગીરીની સ્થળ મુલાકાત કરવામાં આવી.
(3:36 PM IST)










