News of Saturday, 19th October 2024
ધોરાજી-ઉપલેટામાં નવા આધાર કાર્ડ કેન્દ્રો શરૂ કરો કેનાલોની સફાઇ ઝડપી કરાવોઃ દવાખાનાના અનેક પ્રશ્નો પેન્ડીંગ
ફરિયાદ-સંકલનમાં સાંસદો-ધારાસભ્યો ઉકળી ઉઠયાઃ કલેકટર સમક્ષ પ્રશ્નોનો મારો... : સાંસદની ગ્રાંટમાંથી એમ્બ્યુલન્સ ફાળવાઇ છતાં તે અપાઇ નથીઃ બોરવેલ-આંગણવાડી-લાયન્સ સેન્ટર-આજી રીવફ્રન્ટ-પાટણવાવમાં દબાણ અંગે રજૂઆતો...

રાજકોટ તા. ૧૯: રાજકોટ જિલ્લાની ઓકટોબર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી, બેઠકમાં સાંસદ-ધારાસભ્યો ઉકળી ઉઠયા હતા, કલેકટર સમક્ષ અનેક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.
મેયર શ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા અને ડો. મહેન્દ્ર પાડલીયા અને સંસદસભ્યશ્રી રામભાઇ મોકરીયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીએ રજુ કરેલા વિવિધ પ્રશ્નો અંગે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા.
ધોરાજી-ઉપલેટા તાલુકામાં નવા આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવા, તમામ કેનાલોની સફાઈ સમયસર અને ઝડપી કરવા, સરકારી દવાખાનાના વિવિધ પ્રશ્નોનો તાત્કાલિક નિર્ણય કરવા, સાંસદની ગ્રાન્ટમાથી એમ્બ્યુલન્સ ફાળવેલ તે તાત્કાલિક આપવા આ બેઠકમાં રજુઆત કરી હતી, જે અંગે સત્વરે કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બોરવેલની ડેટા એન્ટ્રી, જિલ્લાની આંગણવાડીઓમાં સુવિધા, સાયન્સ સેન્ટરમાં શૈક્ષણિક વર્ચ્યુઅલ વિભાગની મંજૂરી, આજી રિવરફ્રન્ટની કામગીરી, પી.ડી.યુ.મેડિકલ કોલેજ નવીનીકરણ બજેટ, વિવિધ રસ્તાઓના રિસર્ફેસિંગ, પાટણવાવ ખાતે ગામતળની જમીનમાં દબાણ, નેશનલ હાઇવે પર જરૂરી સાઈન બોર્ડ લગાવવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝ ખાતે આર.એસ.ઇ.ટી.ના માધ્યમથી તાલીમ આપવા, માધાપર ગામથી સાયન્સ સેન્ટર સુધીના રસ્તાના સમારકામ, ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના હાઈવેના સમારકામ વગેરેના પ્રશ્નો અંગે આ બેઠકમાં રજુઆત કરાઇ હતી, જે અંગે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ જવાબદાર અધિકારીઓને સ્થળ પર જ સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ભાનુબેન બાબરીયા, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે, પ્રાદેશિક નગરપાલિકાઓના અધિક કલેકટર ઈલાબેન ચૌહાણ, પ્રાંત અધિકારીઓ ચાંદની પરમાર, ગ્રીષ્મા રાઠવા, વિમલ ચક્રવર્તી, જયસુખ લીખીયા, રાહુલ ગમારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી કે.વી.મોરી, આયોજન અધિકારીશ્રી નીતિન ટોપરાણી, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રી નાથજી, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ, વિકસતી જાતિ વિભાગના નાયબ નિયામકશ્રી જે.એ.બારોટ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી કેતન ખપેડ, એ.સી.પી.શ્રી વી.જી.પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(3:37 PM IST)










