તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th October 2024
અનુસુચિત જાતિના લોકોના અનેક પ્રશ્નો કલેકટરે ઉકેલ્યા નથીઃ કલેકટરને વિસ્તૃત રજુઆતઃ ૨૧મીએ રેલી-ધરણા કરાશે
મ્યુ.કોર્પોરેશન- કોઠારીયા ગામ- નાનામવા વિગેરે પ્રશ્નો અંગે ધ્યાન દોરાયું.. પૂર્વ ધારાસભ્યનો કલેકટર- પોલીસ કમિશ્નરને પત્ર-આવેદનઃ અટકાયત કરશો તો જેલમાં જવા તૈયાર

રાજકોટ તા.૧૯: અનુસુચિત જાતિ અધિકાર આંદોલન સમિતિના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય સીધ્ધાર્થ પરમાર તથા અન્યોએ કલેકટરને પત્ર પાઠવી અનુસુચિત જાતિના અનેકો રજુઆતમાંથી એકપણ રજુઆતને ન્યાય આપવામાં આવેલ નથી. તેથી ૨૧મીએ ત્રીકોણબાગથી રેલી કાઢી કલેકટર કચેરી ખાતે ધરણા ઉપર બસેવાની ચેતવણી આપી છે.
પત્ર-આવેદનમાં જણાવેલ કે, તા.૨૭/૦૯/૨૦૨૩ના રોજ વિશાળ રેલી સ્વરૂપે અનુસુચિત જાતિના લોકોએ આપને લેખીત આવેદનપત્ર આપેલ હતું. જેમાં આપે અલગ-અલગ વિભાગોમાં માત્ર પત્ર લખી જવાબદારી પુરી કરી નાખેલ જેમાં આપે એકપણ વિભાગને ન્યાયિક કાર્યવાહી કરવા કડક આદેશ ન કરતા આજદિન સુધી આમાના એકપણ મુદામાં અનુસુચિત જાતિના લોકોને ન્યાય મળેલ નથી જે બાબતે અમોએ તમને વારંવાર રજુઆતો પણ કરેલ છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ-૪માં સફાઇ કામદારોની ભરતી માટે તા.૭/૩/૨૦૨૪નો જનરલ બોર્ડ ઠરાવ નં.૧૬૪ ગેરબંધારણીય છે. જેને રદ કરવા માટે આપને અને રા.મ્યુ.કોર્પોરેશનના કમિશ્નરશ્રીને રાજકોટ કામદાર યુનિયન દ્વારા વારંવાર રજુઆત કરવા છતા કોઇ કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવેલ નથી.
કોઠારીયા ગામમાં લેન્ડ કમિટી દ્વારા ફાળવવામાં આવતા પ્લોટમાં મોટાભાગના અનુસુચિત જાતિ, ઓબીસી અને અલ્પ સંખ્યક સમાજના લોકોને અન્યાય કરવામાં આવેલ છે. જેમાં ફાળવવામાં આવેલ પ્લોટમાં તપાસ કરવામાં આવે અને ગેરલાયક ફાળવેલ પ્લોટો પરત લઇ, જરૂરીયાતમંદ લાયક લોકોને ફાળવવામાં આવે અને કોૈભાંડમાં શામીલ લોકો ઉપર કાનુની કાર્યવાહી કરવામાં આવે.નાનામવા વિસ્તાર રા.મ્યુ.કોર્પોરેશનની હદમાં ભળ્યા પહેલાથી જયભીમનગર નામના વિસ્તારમાં લગભગ ૭૦૦ મકાનો ઉભા છે. જે જેમીન કીંમતી થતા રાજકોટ મ્યુનિસિપલના સતાધીશો અને ભુમાફિયાઓ આ જમીન હડપ કરવા માટે અનુસુચિત જાતિના લોકોના મકાનોનું ડીમોલેશન કરવા માંગે છે. જેમાં વિસ્તારમાં રહેવાસીઓનો સખ્ત વિરોધ છે. તેમજ જીવરાજપાર્ક પાસે સુવર્ણભુમિ એપાર્ટમેન્ટ પાસે વોર્ડ નં.૧૧માં દસ્તાવેજ ધરાવતા અનુસુચિત જાતિના લોકોના મકાનો ટી.પી. રોડનું ખોટુ બહાનુ બતાવી તોડી પાડયા અને આ લોકોને બેઘર કરી નાખેલ છે. જેમાં જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે.
આપ કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ તરીકે કાનુની સતા છે કે, આપ લગત વિભાગને કડક સુચના આપી શકો છો. આ લગત વિભાગને કલેકટર કચેરીમાં બોલાવી તાત્કાલીક યોગ્ય કરવા માટે કડક સુચના આપી શકો છો. પરંતુ આપે આપના ચીટનીશ દ્વારા હળવા પત્રો લગત વિભાગને લખાવ્યા જેના કારણે અનુસુચિત જાતિના લોકો અન્યાયનો ભોગ બનેલ છે. આપના તરફથી આ બાબતે કોઇ ન્યાયીક કાર્યવાહી કરવામાં ન આવી માટે ન્યાય મેળવવા હેતુ તા.૨૧ના રોજ ત્રિકોણબાગથી રેલી દ્વારા કલેકટર કચેરી રાજકોટ ખાતે ધરણા ઉપર અમે લોકો બેશીસુ. જેમાં સતાઓ અને પોલીસનો દુરઉપયોગ કરી અમારી ન્યાયીક માંગને દબાવા માટે આપ અમારી અટકાયત કરાવશો તો અમે જેલહવાલે થવા પણ તૈયાર છીએ. પરંતુ ન્યાય નહી મળશે ત્યાં સુધી કાયદાની મર્યાદામાં અમારૂ આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે.
પત્ર-આવેદન દેવામાં અન્ય આગેવાનો વશરામભાઇ સાગઠીયા, પારસ બેડીયા, જીતુભાઇ મહીડા, મોહન રાખૈયા, દિનેશ પડાયા, રઘુરામ યાદવ વિગેરે જોડાયા છે.
(3:52 PM IST)










