<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

રાજકોટમાં ૧૭ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી કારમાં અપહરણ: વચ્ચે પડનારને ઠોકરે લીધો: ચોટીલા લઈ જઈ બળાત્કાર

રાજકોટઃ શહેરમાં દુષ્કર્મનો વધુ એક બનાવ નોંધાયો છે જેમાં સગીરાનું કારમાં અપહરણ કરી ચોટીલા લઈ જઈ બળાત્કાર ગુજારાયો છે. સગીરાને બચાવવા વચ્ચે પડનાર તેણીના સગાને અપહરણકારે કારની ઠોકરે ચડાવી ઇજા પહોંચાડી હતી.

મળતી વિગતો મુજબ શહેરમાં રહેતી ૧૭ વર્ષની તરૂણીનું કારમાં અપહરણ કરી લઇ જઇ રહેલા શખ્સને અટકાવતા કારચાલક શખ્સે તરૂણીના પરિચિતને હડફેટે લઇ ઇજા કર્યા બાદ  તરૂણીને ચોટીલા પંથકમાં લઈ જઈ હોટલમાં દુષ્કર્મ આચર્યાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. થોરાળા પોલીસે આ અંગે ભોગ બનનાર તરૂણીના દાદીની ફરિયાદ પરથી કૃણાલ (રહે. રાજકોટ) નામના શખ્સ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ૧૭ વર્ષની તરૂણીને કૃણાલે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી કાળા કલરની ગાડીમાં અપહરણ કરી ગયો હતો. જે ગાડીને તરૂણીના પરિચિતે અટકાવવાનો પ્રયાસ કરતાં કાર ચાલક કૃણાલે તેને હડફેટે લેતાં હાથ અને પગમાં ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આરોપી કૃણાલ તરૂણીનું અપહરણ કરી ચોટીલા લઇ ગયો હતો. જ્યાં હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. પીઆઇ એન.જી. વાઘેલાની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરાઈ છે.

(10:53 AM IST)