તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th October 2024
દિવાળી ટાણે ઘરની સફાઈ બહારના લોકો પાસે કરાવવાના ચલણ વચ્ચે ત્રણ ચોંકાવનારી ઘટના: બે ઘરમાંથી કામદાર પ્રભુ સાગરીતો સાથે મળી ૨૬.૬૩ લાખ ઉસેડી ગયો: ત્રીજા બનાવમાં ૬૦ હજાર ગયા: તાલુકા પોલીસે શકમંદને સકંજામાં લેવા તજવીજ કરી

રાજકોટઃ શહેરના સાધુ વાસવાણી રોડ અને સ્પીડવેલ પાર્ટીપ્લોટ વિસ્તારમાં ઘરની સફાઈ માટે આવેલા પ્રભુ અને સાગરીતોએ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે એક ઘરમાંથી ૧૪ લાખની રોકડ ચોરવા ઉપરાંત સાધુ વાસવાણી રોડ પર પણ એક ઘરમાંથી ૧૨.૬૩ લાખની ચોરી કર્યાનું ખૂલતાં અલગથી ગુનો દાખલ થયો છે. આમ બે ઘરમાંથી સાફસફાઈની સાથે કુલ રૂા. ૨૬.૬૩ લાખ ઉસેડી લીધા હતાં. ત્રીજા બનાવમાં બાલાજી હોલ પાસે એક ઘરમાંથી સાફ સફાઈ માટે આવેલો શખ્સ ૬૦ હજાર ચોરી ગયો હતો.
દિવાળી તહેવાર નજીક છે ત્યારે ઘરે સાફ સફાઈ પરંપરાગત રીતે થતી હોય છે. જો કે હવે લોકો બહારથી માણસો બોલાવી પૈસા ચૂકવી સફાઈ કરાવતા હોવાનું ચલણ વધ્યું છે. પણ બે સ્થળે સફાઈ માટે આવેલો પ્રભુ નામનો શખ્સ અને તેના સાગરીતો લાખોની રોકડ ચોરી ગયા છે. આ અંગે ગાંધીગ્રામ-૨ પોલીસ
મથકમાં હર્ષભાઈ પ્રધુમ્નભાઈ ભીલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મૂજબ તેમના સાધુ વાસવાણી રોડ પર કોપર સ્ટોન એપાર્ટમેન્ટ-૩૦૧માં આવલ મકાનમાં સફાઈ કરવા માટે ચાર શખ્સોને જેમાં એકનું નામ પ્રભુભાઈ છે તેને ગઈ તા. ૧૭ના સવારે ૯થી સાંજે ૫ દરમિયાન રોક્યા હતા. આ કુટુંબમાં ફરિયાદી યુવાન, તેમના પિતા, માતા, પત્ની, બહેન વગેરે રહે છે અને ઘરમાં વેપારના પૈસા રાખે છે. આ સ્થળે ત્રણ વર્ષથી દિવાળી સફાઈ કરવા આવતા શખ્સને આ વખતે ઘરની સફાઈનું કામ સોંપાયું હતું અને આ શખ્સો જતા રહ્યા પછી કબાટમાં બેગમાં રાખેલ રૂ।. ૧૬ લાખ પૈકી રૂ|.૧૨.૬૩ લાખ લઈને રફુચક્કર થઈ ગયા હતા. જ્યારે ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસમાં હરસુખભાઈ બચુભાઈ ઠુમ્મરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.બી૧૦૦માં દિવાળીના તહેવાર અનુસંધાને સફાઈ કરાવવાની હતી જેને ઘરમાં વાત કરતા પડોશીએ બહારથી માણસો બોલાવીને સફાઈ કરાવી તો આપણે પણ કરાવીએ તેમ નક્કી કરીને ઉપરોક્ત પ્રભુભાઈ અને અન્ય શખ્સોને કામ સોંપ્યું હતું. ફરિયાદી રિયલ એસ્ટેટનું કામ તથા બે કારખાના ચલાવે છે. ઘરમાં વૃધ્ધ પિતા, માતા, પત્ની સાથે રહે છે અને બે યુવાન સંતાનો ગાંધીનગર ભણે છે.
તેમજ આરોપીએ ઘરમાં કામ શરુ કરીને બાદમાં અમારે ઈમરજન્સી કામ આવી ગયું છે હમણાં બીજા માણસો મોકલું છું તેમ કહીને રૂા.પાંચ હજાર સફાઈ કરાવવાના ખર્ચ પેટે લઈને જતા રહ્યા બાદ ફરિયાદીને જાણ થઈ કે આ શખ્સો કબાટમાંથી રોકડા રૂ।.૧૪ લાખ લઈને રફુચક્કર થયા છે. બન્ને કેસમાં ફરિયાદીઓને કામે રાખેલા માણસોની પૂરી વિગત, નામ સરનામાં પણ નથી અને માત્ર એક જ શખ્સનું નામ પ્રભુભાઈ ફરિયાદમાં અપાયું છે. પોલીસે બન્ને કેસની તપાસ હાથ ધરી છે. શહેરમાં ઘરનું જ કામ પણ શ્રમનું હોય તે બહાર કરાવી લેવાની સીસ્ટમ વધતી જાય છે ત્યારે આવી પ્રથા અપનાવતા લોકોએ વિશ્વાસમાં રહી જવાને બદલે વધુ સાવચેત રહેવાનો મેસેજ આ બે બનાવો આપે છે.
ત્રીજા બનાવમાં બાલાજી હોલ પાસે બેકબોન પાર્ક શેરી નં.રમાં રહેતા દેવ મુકેશભાઈ બુટાણી (ઉ.વ. ૨૧)ના મકાનમાંથી પણ બંશી અને બે અજાણ્યા શખ્સો રૂા.૬૦ હજારની ચોરી કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓને માસિક પગારથી ઘરની સાફ-સફાઈ કરવા રાખેલા હોય આરોપીએ સાફ સફાઇ દરમિયાન કબાટમાંથી રૂા.૬૦ હજારની રોકડ ચોરી લીધી હતી. ત્રણેય બનાવમાં તપાસ શરૂ થઈ છે.
(10:54 AM IST)










