તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 21st October 2024
ઘરફોડ ચોરી, હનીટ્રેપના ગુનામાં સામેલ અજય અને અનિલ પાસામાં ધકેલાયા
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વોરન્ટ ઇશ્યુ કરતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, જે. જી. રાણા, લક્ષમણભાઇ મકવાણા, મેરૂભા ઝાલા, હારૂનભાઇ ચાનીયા અને ટીમે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૨૧: શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુ બે શખ્સને પાસા તળે જેલમાં ધકેલી દીધા છે. ઘરફોડ ચોરી અને હનીટ્રેપ સહિતના ગુનાઓમાં સામેલ બે શખ્સને પાસામાં ધકેલાતાં આજીડેમ પોલીસ અને પીસીબીની ટીમે વોરન્ટ બજવણી કરી હતી.
શહેરમાં ઘરફોડ ચોરીઓ તથા અન્ય ગેરપ્રવૃતિઓમાં સામેલ હોય તેવા શખ્સોનો ગુનાહિત ઇતિહાસ ચેક કરી પાસાની દરખાસ્ત કરવાની કાર્યવાહી જે તે પોલીસ સ્ટેશન દ્વારા થતી હોય છે. જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી વી. જી. પટેલની સુચના અનુસાર આજીડેમ પોલીસે આવી બે દરખાસ્ત મુકી હતી. જેમાં ગોંડલ રોડ ચોકડીએ રાજ કલર લેબ સામે ખુલ્લા પ્લોટમાં રહેતાં મુળ વલસાડના અજય જગદીશભાઇ નાયકા (ઉ.વ.૩૨)ને વડોદરા જેલમાં અને પારેવડી ચોક ભગવતીપરા-૧૦માં ભાડેથી રહેતાં મુળ વડીયા લાખાપાદરના અરવિંદ ઉર્ફ અનિલ ઉર્ફ ટીકુ આંબાભાઇ ગજેરા (ઉ.વ.૩૯)ને સુરત જેલમાં પાસા તળે ધકેલવા હુકમ થયો છે.
અજય ચોરીઓના ગુનામાં અને અરવિંદ હનીટ્રેપ સહિતના ગુનામાં સંડોવાયો હતો. આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, લક્ષમણભાઇ મકવાણા, મેરૂભા ઝાલા, હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક અને પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએઅસાઇ એમ. જે. હુણ, રાજેશભાઇ દહેકવાલ, ઇન્દ્રસિંહ સિસોદીયા સહિતે વોરન્ટ બજવણી કરી હતી.
(2:54 PM IST)










