તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st October 2024
એમ.એ. સોશ્યોલોજીમાં બે વિદ્યાર્થીનીઓને ‘ડો.રમાબેન દિનુભાઇ દેવાણી'ગોલ્ડ મેડલ અર્પણ
ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના પદવીદાન સમારંભમાં - યુનિવર્સિટી ફર્સ્ટ આવેલ ધારા ચંદ્રવાડીયા તથા શિલ્પા ચૂડાસમાની ગોલ્ડ મેડલ માટે પસંદગીઃ મેડલના દાતા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. રમાબેન ૩૩ વર્ષો પહેલા જૂનાગઢ જીલ્લામાં પીએચ.ડી. ધારક બન્યા હતાઃ હાલમાં પણ કેશોદ ખાતે સામાજીક-સેવાકીય ક્ષેત્રે સતત કાર્યરત

રાજકોટ તા. ર૧ :.. ગુજરાત વિધાનસભાના કાયદા મુજબ ઇ.સ. ર૦૧પ માં સ્થાપવામાં આવેલ અને ઇ.સ. ર૦૧૬-૧૭ થી પૂર્ણરૂપે કાર્યરત થયેલ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢનો તૃતીય પદવીદાન સમારંભ શ્રી રામ મંદિર ઓડીટોરીયમ, શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ પરિસર, સોમનાથ ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ વિદ્યાશાખાઓના ટોપર વિદ્યાર્થીઓને કુલ ૭ર ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં.
આ પદવીદાન સમારંભમાં અધ્યક્ષ સ્થાને ગુજરાતના મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતાં. સમારંભના મુખ્ય અતિથિઓ તરીકે ગુજરાતના રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયા તથા ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ મંદિરના વર્તમાન ટ્રસ્ટી શ્રી પી. કે. લહેરી હાજર રહ્યા હતા. ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદી તથા કુલસચિવ ડો. ડી. એચ. સુખડીયા મહાનુભાવો સાથે ડાયસ ઉપર ઉપસ્થિત રહ્યા હતાં.
પદવીદાન સમારંભમાં વિનયન વિદ્યાશાખામાં એમ.એ. (અનુસ્નાતક કક્ષા) સોશ્યોલોજી (સમાજ શાસ્ત્ર) માં બે વિદ્યાર્થીનીઓએ ‘ડો. રમાબેન દિનુભાઇ દેવાણી-કેશોદ' નામનો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. યુનિવર્સિટી ફર્સ્ટ આવેલ બંને વિદ્યાર્થીનીઓ ધારાબેન માલદેભાઇ ચંદ્રવાડીયા (વર્ષ ર૦રર-ર૩) તથા શિલ્પાબેન રામાભાઇ ચુડાસમા (વર્ષ ર૦ર૩-ર૪) ની ગોલ્ડ મેડલ માટે પસંદગી કરવામાં આવી હતી. આગામી વર્ષોમાં પણ સોશ્યલોજી (એમ. એ.) માં યુનિવર્સિટી ફર્સ્ટ આવનાર વિદ્યાર્થી ‘ડો. રમાબેન દિનુભાઇ દેવાણી-કેશોદ' ગોલ્ડ મેડલ મેળવવાને પાત્ર બનશે.
મેડલના દાતા અને ઇ. સ. ર૦૦૦ ના વર્ષનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર ડો. રમાબેન દેવાણી આજથી ૩૩ વર્ષો પહેલા સમાજશાષા વિષયમાં પી. એચ. ડી. થયા હતાં. તે સમયે સમગ્ર જૂનાગઢ જીલ્લામાં લોહાણા જ્ઞાતિમાં એક મહિલા તરીકે ડોકટરેટની ડીગ્રી મેળવનાર રમાબેન દેવાણી કદાચ સૌપ્રથમ હતાં.
ઉપરાંત ઇ.સ. ર૦૦પ માં હેલ્થ એન્ડ એજયુકેશન ફાઉન્ડેશન, ન્યુ દિલ્હી દ્વારા રાષ્ટ્રીયકક્ષાના લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ માટે પણ ડો. રમાબેનની પસંદગી કરવામાં આવી હતી. હાલમાં પણ જૂનાગઢ જીલ્લાના કેશોદ ખાતે મહિલા મંડળ, નારી નિકેતન, લેડીઝ કલબ જેવી સામાજીક - સેવાકીય સંસ્થાઓમાં સ્થાપક પ્રમુખ, હોદ્્ેદાર કે પછી સભ્ય તરીકે ડો. રમાબેન દેવાણી સતત કાર્યરત છે.
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના તૃતીય કોન્વોકેશનમાં આમંત્રીત મહાનુભાવો, વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ ઉપરાંત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદી, કુલસચિવ ડો. ડી. એચ. સુખડીયા, એકેડેમિક ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી પ્રો. (ડો.) ફીરોઝભાઇ શેખ, પ્રો. (ડો.) અતુલભાઇ બાપોદરા, પ્રો. (ડો.) સુહાસભાઇ વ્યાસ, પ્રો. (ડો.) જયસિંહ ઝાલા, પ્રો. (ડો.) ભાવસિંહ ડોડીયા, પ્રો.(ડો.) વિશાલભાઇ જોષી, ડો. નિશિથભાઇ ધારૈયા, આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર ડો. મયંકભાઇ સોની, સિસ્ટમ મેનેજર ડો. જીતેન્દ્રભાઇ ભાલોડીયા, આચાર્યશ્રીઓ ડો. બલરામભાઇ ચાવડા, ડો. મગનભાઇ ત્રાડા, ડો. મહેશભાઇ મેત્રા, ડો. આર. પી. ભટ્ટ, ડો. અનુપમભાઇ નાગર, ડો. મેરામણભાઇ બંધીયા, ડો. જીગરભાઇ રાવલ, ડો. લલીતભાઇ બારીયા, ડો. કેતનભાઇ શાહ, ડો. સ્મિતાબેન છગ, પ્રિન્સીપાલશ્રી ડો. ડઢાણીયા, પ્રિન્સીપાલશ્રી ડો. વાઢેર, ડો. નવઘણભાઇ ઓડેદરા, ડો. રાજેશભાઇ ડોડીયા, પ્રો. સુનીલકુમાર, ડો. જમકુબેન સોજીત્રા, ડો. વિજયસિંહ સોઢા, યુનિવર્સિટી અનુસ્નાતક ભવનોના અધ્યાપકો ડો. નવલ કપુરીયા, ડો. રાજેશ રવિયા, ડો. રૂપલબેન ડાંગર, ડો. ઓમ જોષી, ડો. પરાગ દેવાણી, ડો. ઋષિરાજ ઉપાધ્યાય, ડો. રમેશ ચૌહાણ, ડો. જતીન રાવલ, ડો. દુષ્યંત દૂધાગરા, ડો. સંદિપ ગામીત, ડો. દિનેશ ચાવડા, ડો. વિનિત વર્મા, ડો. અનિતાબા ગોહિલ, ડો. મૃણાલ અંબાસણા, ડો. જસ્મીન ભાલોડીયા, ડો. રશ્મિબેન પટેલ, વેરાવળ કોલેજના ડો. જીવાભાઇ વાળા, વિગેરે હાજર રહ્યા હતાં. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ગોલ્ડ મેડાલીસ્ટ તથા પદવી ધારણ કરનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કુલપતિશ્રી પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદીના નેજા હેઠળ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા વિદ્યાર્થીલક્ષી, શિક્ષણલક્ષી, સેવાકીય, સાંસ્કૃતિક, સામાજીક, કારકીર્દી લક્ષી, સ્પોર્ટસ રીલેટેડ, રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) સહિતની વિવિધ પ્રવૃત્તિઓ સતત સફળતાપૂર્વક ચાલી રહી છે. જેની રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઇ રહી છે. ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને માત્ર છ વર્ષ જેટલા ટૂંકા સમયમાં યુ. જી. સી. દિલ્હી દ્વારા પ્રતિષ્ઠાભર્યુ ૧ર-બી સ્ટેટસ પણ પ્રાપ્ત થયું છે.
(3:04 PM IST)










