તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st October 2024
વિશ્વના ૬ દેશોમાં સ્થાયી ઉર્જાની સુલભતા વધારનાર કાર્યક્રમમાં રાજકોટની પસંદગી
ઇકલી સાઉથ એશિયા તથા યુનાઇટેડ સ્ટેટસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના સંયુકત ઉપક્રમે ‘સાઉથ એશિયા મેયરલ પ્લેટફોર્મ ઓન ક્લિન એનર્જી એન્ડ સસ્ટેનેબલ સિટિઝ'ના વિષય અન્વયે મેયર નયનાબેન પેઢડીયા અને શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ ઉપસ્થિત રહેશે : ભારત, બાંગ્લાદેશ, ભુતાન, માલદિવ્સ, નેપાળ અને શ્રીલંકાને થશે ફાયદો

રાજકોટ,તા. ૨૧: મહાનગરપાલિકા સાથે ભાગીદારી ધરાવતી એજન્સી ઇકલી સાઉથ એશિયા તથા United States Agency for International Development (USAID)ના સંયુક્ત ઉપક્રમે ‘સાઉથ એશિયા મેયરલ પ્લેટફોર્મ ઓન ક્લિન એનર્જી એન્ડ સસ્ટેનેબલ સિટિઝ' વિષય અન્વયે રાજસ્થાનના જયપુર શહેર ખાતે તા.૨૨ અને તા.૨૩ના રોજ આયોજિત કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા અને શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ ભાગ લેવા જયપુર રવાના થયેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ વિશેષ વિગતો રજુ કરતા જણાવે છે કે, સાતત્યપૂર્ણ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ ઈકલી સાઉથ એશિયા (ICLEI South Asia) તથા United States Agency for International Development (USAID) સાથે ભાગીદારી (MOU) કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પાર્ટનરો; જેમ કે, ઈકલી અને SDC(Swiss Agency for Development and Cooperation), ની મદદથી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર અનેક પ્રોજેક્ટમાં સાતત્યપૂર્ણ પહેલ કરવામાં રાષ્ટ્રીય નેતૃત્વ કરતું રહ્યું છે.
મહાનગરપાલિકા અને ઈકલી સાઉથ એશિયા દ્વારા સતત ક્રિટીકલ અર્બન સેક્ટર્સ જેવા કે, પર્યાવરણ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર ક્વોલિટી, વોટર સપ્લાય તથા ડ્રેનેજ મેનેજમેન્ટ માટે નેટ ઝીરો ટાર્ગેટ પર કામ કરવામાં આવી રહેલ છે. CapaCITIES પ્રોજેકટ થકી રાજકોટ શહેર માટે ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં જુદા જુદા પગલા લેવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેર માટે ‘ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન' બનાવેલ છે.
છેલ્લા ૨૦ વર્ષમાં દક્ષિણ એશિયાના ઊર્જા વપરાશમાં ૫૦ ટકાથી વધુનો વધારો થયો છે. આ વિસ્તારમાં શહેરીકરણથી પ્રેરિત, ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોમાં વીજળીની માંગમાં છેલ્લા બે દાયકામાં વાર્ષિક ધોરણે ૫ ટકાનો વધારો થઈ રહ્યો છે, જે વર્ષ ૨૦૫૦ સુધીમાં બમણો થવાની સંભાવના છે. જેમ જેમ શહેરોનો વિકાસ થતો જાય છે તેમ તેમ ઇમારતો, પરિવહન અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં ઊર્જાનો વપરાશ વધી રહ્યો છે, જે ગ્રીનહાઉસ ગેસ(જી.એચ.જી.)નાં ઉત્સર્જનમાં વધારો કરવામાં પ્રદાન કરે છે. આ ક્ષેત્રના શહેરો માટે તેમની મહત્વાકાંક્ષાઓ વધારવા અને sustainable energy transition (એસઇટી) માટે વ્યૂહરચનાઓ અને કાર્યોનો અમલ કરવા માટે નોંધ પાત્ર તક અને આવશ્યકતા છે. શહેરી ઊર્જાની માંગને સસ્ટેનબલ રીતે સંચાલિત કરવા, શહેરોની નેટ ઝીરો લક્ષ્યો તરફની પ્રગતિને વેગ આપવા અને છેવટે રાષ્ટ્રીય આબોહવા અને ઊર્જા લક્ષ્યોની સિદ્ધિમાં ફાળો આપવા માટે શહેરી સરકારો આવા પરિવર્તનમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
આ મંચની શરૂઆત કરવા અને વાર્ષિક મિટીંગ માટેની યોજનાની રૂપરેખા તૈયાર કરવા માટે USAID(SAREP), ICLEI દક્ષિણ એશિયાના સહયોગથી સાઉથ એશિયા ક્લીન એનર્જી ફોરમ(SACEF) બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં, અમેરિકા, ભારત અને દક્ષિણ એશિયાના શહેરોમાં સ્થાયી ઊર્જા સંક્રમણો માટેની તકો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
એજન્સી USAID અને ICLEI દક્ષિણ એશિયાના મદદથી આયોજિત આ કાર્યક્રમમાં દક્ષિણ એશિયામાં સ્વચ્છ ઊર્જાના સંક્રમણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં, કાર્યલક્ષી વાર્તાલાપ પર ભાર મૂકવામાં આવે છે. આ કાર્યક્રમ થકી અધિકારીઓ અને વિશ્વભરના વરિષ્ઠ ઉર્જા નિષ્ણાંતો એક સાથે મંચ પર આવશે અને ક્લિન એનર્જી જુદા જુદા દેશોની અધ્યતન સગવડની ની આપ-લે કરશે.
(3:14 PM IST)










