<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

દિવાળી સુધીમાં અનેક ઘરોમાં હાથફેરો કરવો'તોઃ ૪ ઘરોમાં સફાઇની સાથે ૩૪ લાખની રોકડ ચોરનાર ટોળકી ઝબ્‍બે

મુળ રાજસ્‍થાનનો પ્રભુલાલ મીણા ૧૭ વર્ષથી લક્ષ્મીનગરમાં રહે છેઃ ત્રણ સાગ્રીતોમાં એક બીએ સુધી ભણેલોઃ વર્ષો સુધી ઇમાનદારીથી સફાઇ કામ, કલરકામ કર્યુ, હવે દાનત બગડીઃ વતન ભાગે એ પહેલા પકડાયા : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ બી.આર. ભરવાડની ટીમે બે જણાને ગોંડલ રોડ ચોકડીથી પકડયા બાદ અન્‍ય બે પણ પકડાઇ ગયાઃ ૩૧.૬૦ લાખ રોકડા કબ્‍જે : હેડકોન્‍સ. હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. મયુરસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયાની બાતમી

તસ્‍વીરમાં ડિટેક્‍શનની વિગતો જણાવતાં ડીસપી જગદીશ બાંગરવા, સાથે એસીપી  બી. જે. ચોૈધરી, પીઆઇ ડી. એમ. હરીપરા તથા પીએસઆઇ બી. આર. ભરવાડ, પીએસઆઇ કારેણા, હરપાલસિંહ, કોૈશેન્‍દ્રસિંહ, અજયભાઇ સહિતની ટીમ તથા ઝડપાયેલા આરોપીઓ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧: શહેરમાં દિવાળી નિમીતે ઘરોની સાફસફાઇ કરવા માટે આવતાં કામદારોએ અલગ અલગ ચાર પોશ વિસ્‍તારોમાં ઘરની સફાઇની સાથે સાથે કબાટ તિજોરીમાંથી રોકડ રકમની ચોરીઓ પણ કરી હતી. એક મકાનમાંથી ૧૪ લાખ, બીજામાંથી ૬૦ હજાર અને ત્રીજામાંથી ૭ લાખની અને ચોથામાંથી ૧૨.૬૩ લાખની ચોરી કરી હતી. આ ચારેય ચોરીઓના ભેદ તાલુકા પોલીસની ટીમે કલાકોમાં ઉકેલી મુળ રાજસ્‍થાનના ડગાર  તથા અગાટીયા જી. સલુમ્‍બરના વતની અને હાલ વર્ષોથી રાજકોટ નાના મવા રોડ લક્ષ્મીનગરમાં ભાડેથી રહેતાં ૪ શખસોને દબોચી લઇ ૩૧,૬૦,૦૦૦ની રોકડ કબ્‍જે કરી છે.

વિગત એવી છે કે સાધુ વાસવાણી રોડ પર કોપર સ્‍ટોન એપાર્ટમેન્‍ટમાં સફાઈના બહાને આવેલા શખ્‍સોએ  રૂા.૧ર.૬૩ લાખ ચોરી લીધા હતા. જયારે સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્‍ટનાં ફલેટમાં જઈ ત્‍યાંથી પણ સફાઈના બહાને રૂા.૧૪ લાખ ચોરી લીધા હતા. આ ઉપરાંત બાલાજી હોલ પાસે બેકબોન પાર્ક શેરી નં.રમાં આવેલા મકાનમાંથી રૂા. ૬૦ હજાર તથા શાલીગ્રામ એપાર્ટમેન્‍ટમાં જ આવેલા કેતનભાઈ રમેશભાઈ કથીરીયાના ફલેટમાંથી રૂા. ૭ લાખ ચોરી લીધા હતા. આ ચારેય ચોરી અંગે રાજકોટ તાલુકા પોલીસ અનેયુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ચારેય ગુનાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી ૪ શખ્‍સો પ્રભુલાલ સવજીભાઇ મીણા (ઉ.૩૭), બંસીલાલ દેવીલાલ મીણા (ઉ.૨૯), કાનુરામ ઉર્ફ કાંતિ રામજીભાઇ મીણા (ઉ.૨૫) અને ગોપાલ ઉર્ફ ભુપેશ શંકરભાઇ મીણા (ઉ.૨૫) (રહે. હાલ લક્ષ્મીનગર, મુળ રાજસ્‍થાન)ને દબોચી લીધા છે.

એક જ પ્રકારની અમેઓથી ચાર ચોરીઓ થતાં તાલુકા પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને સફાઇ કામદારો જ ચોરી કરી ગયાનું સ્‍પષ્‍ટ થઇ જતાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન હેડકોન્‍સ. હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. મયુરસિંહ જાડેજા, નિકુલભાઇ મારવીયાને મળેલી બાતમી પરથી ગોંડલ ચોકડી તરફ જતાં હાઇવે પર પાવર હાઉસ નજીકથી પ્રભુલાલ અને બંસીલાલ મીણાને પકડી લીધા હતાં. આ બંનેની આકરી પુછતાછમાં અન્‍ય બે સાગ્રીતો કાનુરામ ઉર્ફ કાંતી અને ગોપાલ ઉર્ફ ભુપેશ મીણાના નામ ખુલતાં તેને પણ ઉઠાવી લેવાયા હતાં. ચારેય ચોરીમાં કુલ ૩૪,૨૩,૦૦૦ની રોકડ ગઇ હતી. તેમાંથી ૩૧,૬૦,૦૦૦ કબ્‍જે કરાયા છે. બાકીની રકમ ચારેયએ વાપરી નાખ્‍યાનું રટણ કર્યુ હતું.

પોલીસ પુછતાછમાં બહાર આવેલી વિગતો મુજબ સુત્રધાર પ્રભુલાલ મીણા ૧૭ વર્ષથી રાજકોટમાં રહે છે અને સફાઇ કામ, કલર કમાની મજૂરી કરે છે. તે ઘરોમાં સારી રીતે સફાઇ કામ કરીને લોકોનો વિશ્વાસ કેળવી લે છે. દિવાળીના તહેવાર વખતે લોકો તેને સફાઇ કામ માટે બોલાવે ત્‍યારે તે વતનના માણસોને સાથે લઇ સફાઇ કામે જઇ ઘરધણની નજર ચુકવી રોકડ ચોરી લેતો હતો.

ઝડપાયેલાઓમાં ગોપાલ ઉર્ફ શંકર બીએ સુધી ભણેલો છે. પૈસાની ખેંચ હોવાથી તે પ્રભુલાલ સાથે ચોરીઓમાં સામેલ થયો હતો. આ ચારેય જે તે ઘરમાં કબાટ, તિજોરીમાં જેટલી રોકડ હોય એ તમામ ચોરવાને બદલે થોડીઘણી રોકડ ચોરતાં હતાં. જેથી કરીને ઘરધણીને તુરંત તેના પર શંકા ન ઉપજે. જે ઘરમાંથી ચોૈદ લાખ ચોર્યા તેમાં ખુબ મોટી રોકડ હતી. પણ આ ચારેયએ અમુક રકમ જ ચોરી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અનુસાર પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ બી. આર. ભરવાડ, કે. એચ. કારેણા, હેડકોનસ. કોૈશેન્‍દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કોન્‍સ. મયુરસિંહ જાડેજા, સંજયભાઇ માંડાણી, નિકુંજભાઇ મારવીયા, મહાવીરસિંહ જાડેજા, જુગલભાઇ કથીરીયા, ઉગાભાઇ બાળા, બલભદ્રસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી

ડીસીપી જગદીશ બાંગરવાએ પ્રજાજનો જોગ આપ્‍યા મહત્‍વના સુચનો

ઞ્જડીસીપી જગદીશ બાંગરવાએ જનતાને અનુરોધ કરતાં કહ્યું હતું કે તમે જ્‍યારે પણ તમારા મકાન મિલ્‍કતની સાફસફાઇ માટે બહારથી સફાઇ કામદારને બોલાવો ત્‍યારે તેમના પર સતત નજર રાખો અને જેટલા પણ લોકો સાફસફાઇ કામ માટે આવ્‍યા હોઇ તેમના આઇડી કાર્ડ ફરજીયાત મેળવી લો. બહારના પ્રાંતના લોકોને નોકરીમાં રાખો, કામે રાખો કે પછી મકાન ભાડે આપો તો ફરજીયાત તેની નોંધ પોલીસમાં કરાવો. દિવાળીના સમયે બહાર જવાના હોવ તો દાગીના રોકડ સગાને ત્‍યાં મુકીને કે પછી લોકરમાં મુકીને જાવ. આપના રહેણાંક વિસ્‍તારમાં સીસીટીવી કેમેરા ન હોય તો સુરક્ષા સેતુ સોસાયટી યોજના હેઠળ મળવાપાત્ર લાભ મેળવી સીસીટીવી કેમેરા અવશ્‍ય લગાવવા, રાત્રી દરમીયાન વોચમેનની વ્‍યવસ્‍થા કરવી, અજાણ્‍યા ફેરીયાઓની અવર-જવર પર નજર રાખવી.

(3:50 PM IST)