News of Monday, 21st October 2024
પ્રેમીએ જાકારો દેતાં સગીરા આપઘાત કરવા નીકળીઃ ૧૮૧ની ટીમે બચાવી લીધી
સગીરાને ઘરે પહોંચાડી તેના પ્રેમીને બોલાવ્યોઃ બંનેએ સહમતીથી છુટા પડવાનો નિર્ણય કર્યો

રાજકોટ તા. ૨૧: શહેરમાં એક સગીરા પ્રેમી તરફથી મળેલા જાકારાને કારણે નિરાશ થઇ આત્મહત્યા કરવા ઘરેથી નીકળી ગઇ હોવાની જાણ થતાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ત્યાં પહોંચી સગીરાનું કાઉન્સેલીંગ કરી ઘરે પહોંચાડી હતી. જાણવા મળ્યા મુજબ ૧૮૧ અભયમ્ જાગળત નાગરિકનો કોલ આવતાની સાથે તાત્કાલિક રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સેલર રૂચિતા મકવાણા, કોન્સ્ટેબલ વિલાસબેન તથા પાયલોટ ભાનુબેન ઘટના સ્થળ પર દોડી ગયા હતા ઘટના સ્થળ પર પહોંચી કોલ કરનાર જાગળત રીક્ષા ચાલકની પૂછપરછ કરતા તેની રિક્ષામાં બેઠેલી સગીરા આપઘાત કરવા જઈ રહી હોવાની શંકા દર્શાવાઇ હતી. ટીમે સગીરા સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે તેણી બિહારના વતની છે અને અહીંયા એક વર્ષથી મમ્મી પપ્પા સાથે કામ કરવા માટે આવેલ છે. રાજકોટમાં રહેતા તેના જ ગામના એક યુવાન સાથે છેલ્લા ત્રણ મહિનાથી પ્રેમ સંબંધ હોઇ અને હવે તે યુવક તેને રાખવાની ના પાડી ઝઘડો કરતો હોય તેથી તેણીને આઘાત લાગતાં ઘરેથી નીકળી જઇ આપઘાત કરવા જઇ રહ્યાનું કહ્યું હતું. ૧૮૧ની ટીમ દ્વારા સગીરાનુ કાઉન્સેલિંગ કરી આપઘાતના વિચારમાંથી વિમુક્ત કરી તેના ઘરે પહોંચાડી હતી અને પરિવારને સગીરાનું ધ્યાન રાખવા સમજણ આપી હતી. તેમજ સગીરાના પ્રેમીને સગીરાના ઘરે બોલાવી સમજણ આપતા બંનેએ પ્રેમથી સબંધ ટૂંકાવી લેવા સહમતિ દર્શાવી હતી. આ કામગીરી કરનાર ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
(4:27 PM IST)










