તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
પ્રહલાદ પ્લોટના ભુપેનભાઇ આડેસરા પર આઇટીઆઇ નજીક રાતે ભેદી હુમલોઃ રાતભર લોહીલુહાણ પડી રહ્યા
સવારે કોઇ રાહદારી જોઇ જતાં ૧૦૮ બોલાવી હોસ્પિટલમાં ખસેડયાઃ પ્રૌઢે કહ્યું-રિક્ષામાં બેસી આજીડેમ ચોકડી તરફ લટાર મારવા ગયા હતોઃ સિગારેટ પીતી વખતે બે અજાણ્યા સાથે બોલાચાલી થઇ પછી આઇટીઆઇની દિવાલ નજીક લઇ જઇ છરીના ઘા ઝીંક્યાઃ બંને હાથના કાંડા, ગળા, પેટમાં છએક ઘાઃ હુમલાનું સાચુ કારણ શું? હુમલાખોરો કોણ? તે જાણવા થોરાળા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો : ભૂપેનભાઇના ભાઇ-ભાભીએ કહ્યું-રાતથી અમે શોધતા હતાં, ફોન બંધ હતોઃ સવારે ૧૦૮માંથી ફોન આવતાં જાણ થઇ દોઢેક વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા બાદ હાલ એકલા રહે છે અને સોની બજારમાં કામ કરે છેઃ ગંભીર ઇજાઃ ભાનમાં આવ્યા બાદ વિશેષ તપાસ

રાજકોટ તા. ૨૨: શહેરના પ્રહલાદ પ્લોટમાં રહેતાં અને સોની કામ કરતાં પ્રોૈઢ સાંજે આજીડેમ ચોકડી નજીક આઇટીઆઇ હોસ્ટેલ નજીક આટો મારવા ગયા ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી આડેધડ છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થઇ હતી. રાતભર તે લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે પડી રહ્યા હતાં. સવારે થોડા ભાનમાં આવ્યા એ દરમિયાન કોઇ રાહદારી જોઇ જતાં ૧૦૮ બોલાવી તેમને હોસ્પિટલમાં ખસેડયા હતાં. હુમલો કોણે અને કયા કારણોસર કર્યો? તેની વિગતો જાણવા થોરાળા પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક આધેડને આજીડેમ ચોકડી નજીક આઇટીઆઇ હોસ્ટેલની દિવાલ નજીકથી ૧૦૮ દ્વારા સવારે લોહીલુહાણ હાલતમાં અને ગંભીર ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોતાના પર હુમલો થયાનું તેમણે કહેતાં તબિબે પોલીસ ચોકીમાં જાણ કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં આધેડે પોતાનું નામ ભુપેનભાઇ મણીલાલ આડેસરા (ઉ.વ.૫૨) જણાવ્યું હતું. તેમજ પોતે પ્રહલાદ પ્લોટ-૧૦માં રહેતાં હોવાનું તથા રાતે દસેક વાગ્યે આઇટીઆઇ હોસ્ટેલ નજીક બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાનું કહેતાં તે મુજબની નોંધ થોરાળા પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ ચોકીના રામશીમાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડે કરાવી હતી.
ભુપેનભાઇએ હોસ્પિટલના બીછાનેથી ત્રુટક ત્રુટક અવાજે કહ્યું હતું કે પોતે પાંચ ભાઇ અને ચાર બહેનમાં ચોથા છે. મુળ ધ્રોલના વતની છે. દોઢેક વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા બાદ હાલ પ્રહલાદ પ્લોટમાં એકલા રૂમ રાખીને રહે છે. ભાઇ ભાભી પણ નજીકમાં રહે છે. ભુપેનભાઇએ આગળ કહ્યું હતું કે પોતે રાતે દસેક વાગ્યે રિક્ષામાં બેસીને આજીડેમ ચોકડી નજીક આટો મારવા ગયા હતાં. એ પછી સિગારેટ પીતી વખતે અજાણ્યા શખ્સ સાથે માથાકુટ થઇ હતી. બોલાચાલી થયા બાદ પોતે ત્યાંથી નીકળી આગળ જતાં આઇટીઆઇ હોસ્ટેલની દિવાલ નજીક જેની સાથે ડખ્ખો થયો હતો એ તથા અજાણ્યાએ આવી છરી જેવા હથીયારથી હુમલો કર્યો હતો. જેમાં પોતાને પેટ, ગળા, બંને હાથની કલાઇ પર ઇજા થઇ હતી. પોતાની પાસેથી હુમલાખોરો કઇં રોકડ કે બીજી ચીજવસ્તુ પડાવી ગયાનો ભુપેનભાઇએ ઇન્કાર કર્યો હતો.
હુમલો થયા બાદ પોતાને નજીકમાં દિવાલ પાસે ઝાડીમાં ફેંકી દેવાતાં પોતે બેભાન જેવા થઇ ગયા હતાં. સવારે ભાનમાં આવતાં કોઇ રાહદારી નીકળતાં મદદ લઇ ૧૦૮ બોલાવી હતી. બનાવની જાણ થતાં ભુપેનભાઇના ભાઇ, ભાભી સહિતના લોકો હોસ્પિટલે પહોંચ્યા હતાં. તેમણેકહ્યું હતું કે ભુપેનભાઇ રાતે નીકળ્યા બદા ગૂમ હતાં અને ફોન પણ બંધ આવતો હતો. અમને ૧૦૮માંથી ફોન આવતાં ઘટનાની ખબર પડી હતી. તુરંત ઓપરેશન માટે લઇ જવાયા હતાં. તેઓ ભાનમાં આવ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. થોરાળા પીઆઇ જી. એન. વાઘેલા, પીએસઆઇ સી. વી. ચુડાસમા, દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર, ભરતસિંહ પરમાર અને ડી. સ્ટાફની ટીમે વિશેષ તપાસ શરૂ કરી છે.
ભુપેનભાઇનું ટુવ્હીલર અને સોનાની વીંટી ગૂમઃ લૂંટના ઇરાદે હુમલો થયો કે કેમ?
ઞ્જ દરમિયાન હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભુપેનભાઇના ભાભીએ જણાવ્યું હતું કે ભૂપેનભાઇ ગત સાંજે નીકળ્યા બાદ સંપર્કમાં નહોતાં. રાતે તેમનો ફોન પણ બંધ હતો. તેમનું એક્ટીવા અને સોનાની વીંટી ગાયબ છે. આ જોતાં બનાવ લૂંટના ઇરાદે હુમલાનો તો નથી ને? તે અંગે તપાસ શરૂ થઇ છે. ભુપેનભાઇએ હોસ્પિટલે લાવવામાં આવ્યા ત્યારે પોતે રિક્ષામાં આજીડેમ ચોકડીએ ગયાનું રટણ કર્યુ હતું. તો પછી તેનું વાહન ક્યાં ગયું? તે રહસ્ય સર્જાયુ છે.
(2:58 PM IST)










