News of Tuesday, 22nd October 2024
હીરાસર એરપોર્ટને ઉછરંગરાય ઢેબર નામકરણ કરવા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના અધિવેશનમાં સૂર
લાંબા અંતરની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવા અને સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં આર.ઓ. વોટરના જંગી પ્લાન્ટ સૌરઉર્જાથી કાર્યાન્વીત કરવા સુચનો કરાયા :

સૌરાષ્ટ્ર વિકાસ પરિષદનાં શનિવારે બાલભવન ખાતે યોજાયેલ પ્રાદેશિક અધિવેશનમાં પ્રવચન આપી રહેલા સંસદસભ્યશ્રી રામભાઇ મોકરિયા મંચ ઉપર કાર્યકારી પ્રમુખ જયંતીભાઇ કાલરીયા, ઉપપ્રમુખ જીમીભાઇ અડવાણી, ઉદઘાટકશ્રી ચંદાબેન દિનેશભાઇ વિઠલાણી, પૂર્વ કેબીનેટ મંત્રી પ્રવીણસિંહજી જાડેજા સલાહકાર અગ્રણી અને આયોજક યશવંતભાઇ જનાણી સંવાહક જે.એમ. પનારા, પૂર્વ કુલનાયક ડો.અનામિકભાઇ શાહ, રાજેશભાઇ ગોંડલિયા, એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, દિલસાદભાઇ શેખ, ગુણવંતભાઇ ધોરડા વગેરે બેઠેલા જણાય છે
રાજકોટ,તા. ૨૨: સૌરાષ્ટ્ર વિકાસ પરિષદનાં બાલભવન રાજકોટ ખાતે યોજાયેલ પ્રાદેશિક અધિવેશન દ્વારા સૌરાષ્ટ્રના વિકાસનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે તથા સર્વાંગી વિકાસનો રોડ મેપ તૈયાર કરી તે દિશામાં કાર્યરત બનવા ‘સૌરાષ્ટ્ર વિકાસ બોર્ડ યાને સૌરાષ્ટ્ર ડેવલોપમેન્ટ કાઉન્સિલ' જેવી બંધારણીય સ્વાયત સંસ્થાની રચના કરવા ગુજરાત સરકારને અનુરોધ કરવામાં આવેલ.
એક કરોડની વસ્તી ધરાવતા સમગ્ર સૌરાષ્ટ્ર ને મુંબઈ મહાનગરની જેમ રેલ્વે નેટવર્કથી જોડવા અને સૌરાષ્ટ્રનાં મહત્વના શહેરો તાલુકાઓ માટે સમગ્ર સમુદ્ર કાંઠા વિસ્તારમાં R.O વોટરનો જંગી પ્લાન્ટ સૌર ઉર્જા સંચાલિત ઉભો કરીને ભવિષ્યમાં પાણી માટે સૌરાષ્ટ્રની પ્રજાને સુરક્ષિત કરવા તથા સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેંચ આપવા મક્કમતા પૂર્વક માંગ ઉઠાવવામાં આવેલ.
સલાહકાર અગ્રણી યશવંત જનાણીનાંᅠ સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ મળેલ આ અધિવેશનનાં અધ્યક્ષ સ્થાને પરિષદના કાર્યકારી પ્રમુખ જયંતીભાઈ કાલરીયા અને ઉદ્ઘાટક તરીકે પરિષદનાં પ્રથમ પ્રમુખ સ્વ.દિનેશભાઈ વિઠલાણીનાં ધર્મપત્ની ચંદાબેન ડી. વિઠલાણી ઉપસ્થિત રહેલ.
આ અધિવેશનમાં કાર્યવાહક મંડળ દ્વારા અન્ય ઠરાવો પસાર કરવામાં આવેલ જેમાં જળ સંચય માટે ગામડે ગામડે ઉભા કરાતા નાના તળાવોનાં પ્રોજેકટમાં ૮૦્રુ સરકાર કાઢે અને ૨૦% જનતાની ભાગીદારી રહે તેમ કરવા, લાંબા અંતરની ટ્રેનોને અમદાવાદને બદલે રાજકોટ સુધી લંબાવવા,હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ને સાચા અર્થમાં ઇન્ટરનેશનલ બનાવવા અને તેનું નામ સૌરાષ્ટ્રનાં પ્રથમ મુખ્યમંત્રી એવા ઉછંગરાય નવલશંકર ઢેબર સાથે જોડવા તથા સૌરાષ્ટ્રનાં દરેક તાલુકામાં જી.આઈ.ડી.સી. ઉભી કરવા માંગણીઓ ઉઠાવવામાં આવેલ.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલ રાજસભાનાં સંસદસભ્ય રામભાઈ મોકરિયાએ આ પરિષદમાં ઉઠાવેલ સૌરાષ્ટ્રનાં પ્રશ્નોને ગુજરાત સરકાર ભારત સરકાર પાસે રજુ કરશે. જેના હકારાત્મક ઉકેલ માટે ખાતરી આપતા જણાવેલ કે કોઈપણ નાગરિકોનાં કોઈપણ પ્રશ્નો માટે મારા દરવાજા ખુલ્લા છે.
જયારે પૂર્વ કેબીનેટ મંત્રી પ્રવીણસિંહજી જાડેજાએ જણાવેલ કે ગુજરાત રાજયને સૌરાષ્ટ્ર પ્રદેશ દ્વારા ડો. જીવરાજભાઈ મહેતા, બલવંતભાઈ મહેતા, છબીલભાઈ મહેતા અને કેશુભાઈ પટેલ જેવા ચાર ચાર ધુરંધર મુખ્ય મંત્રીઓ આપ્યા હોવા છતાં સૌરાષ્ટ્રના પાયાનાં પ્રશ્નો ઉકેલાતા નથી એનો મને ખેદ છે.
ગુજરાત વિદ્યાપીઠનાં પૂર્વ કૂલનાયક પોતાના મુકેલા બે ઠરાવો ઉપર વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લા અને તાલુકાઓ તથા મહત્વના શહેરોને મુંબઈ મહાનગરની જેમ રેલ્વે નેટવર્કથી જોડવા જોઈએ. જે સૌરાષ્ટ્રનાં વિકાસ માટે ઉપયોગી થઇ પડશે. આ સાથે જણાવેલ કે સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે.ᅠ પરંતુ ભવિષ્યમાં વધતી વસ્તી અને ઉદ્યોગોની જરૂરીયાતોને લક્ષમાં રાખી નવા વિકલ્પો વિચારવા જોઈએ.
નવા વરાયેલા પ્રમુખ નલીનભાઈ ઝવેરીએ પ્રતિભાવ આપતા જણાવેલ કે હું વિશ્વાસ સાથે કહું છું કે સૌરાષ્ટ્રનાં પાયાના પ્રશ્નોને વાચા મળશે અને તેમનાં નિરાકરણ માટે ચોક્કસ કામ થશે.
શરૂઆતમાં નવા વરાયેલ મહામંત્રી દિલસાદ શેખે ઉપસ્થિત મહેમાનો અને આમંત્રિતોનું સ્વાગત કરેલ અને સીનીયર પ્રદેશ પ્રમુખ જીમ્મીભાઈ અડવાણીએ પરિષદનાં સંમેલનનાં એજન્ડાની આલોચના કરી જણાવેલ કે સંમેલનનાં દરેક ઠરાવો, સૌરાષ્ટ્રનાં તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યોને જરૂરી રજૂઆત માટે મોકલી અપાશે. ઠરાવોનું વાંચન મંત્રી ગુણવંતભાઈ ઘોરડાએ કરેલ જયારે આભારવિધિ રાજકોટ શહેર શાખાના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા એ કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા.જે.એમ.પનારાએ કરેલ. જયારે કાર્યક્રમની વ્યવસ્થા શહેર શાખાનાં અગ્રણીઓ ભાવેશભાઈ આચાર્ય, ધર્મેન્દ્રભાઈ ગઢવી અને પ્રકાશભાઈ મોરીએ સંભાળેલ.
આ પ્રાદેશિક અધીવેશનમાં પરિષદનાં સલાહકાર અગ્રણીઓ દિલીપભાઈ સંઘાણી અને સુધીરભાઈ જોશીએ શુભેચ્છા સંદેશો મોકલેલ. જયારે સર્વશ્રી જીતુભાઈ ભટ્ટ, જનાર્દનભાઈ પંડ્યા, ડો.રમેશભાઈ ભાયાણી, એલ.એસ. સૈયદ, સુનીલભાઈ મહેતા, મધુરીકાબેન જાડેજા, વાસવીબેન સોલંકી, પ્રિ.રવજીભાઈ રોકડ, રાજેશભાઈ ગોંડલિયા, મહેશભાઈ મહેતા, યોગેશભાઈ દવે,જે.ડી. બાલધા ,અશોકભાઈ બાણુગરિયા, જયવંતભાઈ ચોવટિયા, આર.વી.સોલંકી, વગેરે ઉપસ્થિત રહેલ.
(3:46 PM IST)










