<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

નાણા પંચ સમક્ષ કોર્પોરેશન દ્વારા ઇન્ફ્રાસ્ટ્રકચર, પાણી, ડ્રેનેજ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રસ્તા શહેરી પરિવહન સંબંધી મુદાઓ અંગે પરામર્શ

મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર મ્યુનિ, કમિશ્નર ડી.પી. દેસાઇએ નાણા પંચ સાથેની બેઠકમાં કરી ચર્ચા

રાજકોટ તા. ૨૨: ૧૬માં નાણાં પંચના સભ્યો ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીઓ અને અધિકારીઓ તેમજ રાજકીય પક્ષો સાથે મુલાકાત કરી રહ્યા છે અને ગુજરાતની આગામી ૫ વર્ષ માટેની નાણાંકીય જરૂરિયાતની દરખાસ્ત મેળવી રહ્યા છે. નાણાં પંચ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર અને મ્યુનિ. કમિશનર શ્રી ડી. પી. દેસાઈએ ઈન્ફ્રાસ્ટ્રકચર,  પાણી,  ડ્રેનેજ,  વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ,  રસ્તા અને શહેરી પરિવહન સંબંધી સુવિધાઓની ભાવિ જરૂરિયાત અંગે પરામર્શ કર્યો હતો. નાણાં પંચ દ્વારા જે તે શહેરોની ભવિષ્યની જરૂરિયાતો કેવી રહેશે તેના સોચનો મેળવી તેનો અભ્યાસ કરીને સરકારશ્રીને ગ્રાન્ટ અંગે ભલામણ કરવામાં આવતી હોય છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાં પંચ સમક્ષ શહેરની આશરે વીસ લાખની જનતાને પીવાના પાણીની સુવિધા મળતી રહે તે અંગેની રજૂઆતમાં શહેરના હયાત જળ સ્રોત અને સૌની યોજના મારફત પ્રાપ્ત થતા નર્મદા નીર અંગેના મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા.

રાજકોટ શહેર પાસે પીવાના પાણી માટે  આજી-૧ ડેમ અને ન્યારી-૧ ડેમ  ઉપલબ્ધ છે. જેની ટોટલ  જલસંગ્રહ ક્ષમતા ૨૧૬૫ એમ.સી.એફટી. છે. આ ઉપરાંત રાજકોટથી ૬૦ કિલોમીટર દૂર સ્થિત ભાદર ડેમમાંથી  પાઈપલાઈન દ્વારા પ્રતિ દિન ૧૨૫ સે ૧૩૦ એમ.એલ.ડી. પાણી મેળવવામાં આવે  છે.  સાથોસાથ  સૌની યોજના  મારફત વર્ષમાં બે વખત મળીને કુલ ૨૪૦૦ એમ.સી.એફટી. નર્મદા નીરની આવશ્યકતા પડે છે એ મુદ્દો પણ નાણાં પંચ સમક્ષ રજુ કરવામાં આવેલ.

રાજકોટને નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ ડિસ્ટ્રીકટ લેવલ ઈનિશિએટિવ માટે મળેલ છે એ હકિકતથી પણ નાણાં પંચને વાકેફ કરવામાં આવેલ. 

સ્માર્ટ સિટી યોજના કે અંતર્ગત રાજકોટ સિટીએ ગુજરાતનો સર્વપ્રથમ ૭૩૦ એકરનો  ગીન ફિલ્ડ પ્રોજેકટ કાર્યરત્ત કરેલ છે. જે અંતર્ગત  રિસાઈકલ વોટરનો ઉપયોગ, વોટર રિર્ચાજિંગ, અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીની વ્યવસ્થાની જોગવાઈ, વગેરે જેવા મુખ્ય આકર્ષણ છે. આ પ્રોજેકટને આઈ.જી.બી. સી.પ્લેટિનમ ગ્રીન રેટિંગ પ્રાપ્ત થયેલ છે.

શહેરી પરિવહન માટે રાજકોટ પાસે અત્યારે ૧૪૯ સિટી બસ છે, જેમાં ૭૭ સી.એન.જી. બસ અને  ૭૨ ઇલેકિટ્રક બસ ઉપરાંત બી.આર.ટી.એસ. માટે  ૨૮ ઈલેકટ્રીક બસ પણ  જનતાની  સેવામાં  ઉપલબ્ધ છે. આ  વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે વધુ ૨૦૦ બસ, અને એ માટે બસ ડીપો સહિતની સુવિધાઓની પણ આવશ્યકતા રહેશે.

લોકોને હરવાફરવા માટે વધુ એક નવું આકર્ષણ મળે તે માટે રાજકોટની આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ સાકાર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

(3:48 PM IST)