તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 22nd October 2024
કોર્પોરેશનમાં સફાઇ કામદારોના સ્વૈચ્છિક રાજીનામામાં બોગસ મેડીકલ સર્ટિફિકેટ અંગે ફોજદારી કરો
દલાલો ઉપર ફરિયાદ કરવા માંગણીઃ રાજકોટ કામદાર યુનિયનની કલેકટરને રજૂઆત

રાજકોટ તા. રરઃ રાજકોટ કામદાર યુનિયનને કલેકટરને આવેદન પાઠવી મહાનગરપાલિકામાં કાયમી સફાઇ કામદારોના સ્વૈચ્છિક રાજીનામામાં બોગસ મેડીકલ સર્ટીફીકેટનું જે કૌભાંડ થયેલ છે તે દલાલો અને એજન્ટો ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઇ કામદારો મોટા પ્રમાણમાં શહેરની સફાઇ કામગીરી કરી રહ્યા છે, શહેરને રોગમુકત અને આરોગ્યમય રાખવા માટે સફાઇ કામદારોનો ખુબ મોટો ફાળો છે અને આ વાતને ધ્યાનમાં લઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઇ કાયમી સફાઇ કામદારો લાંબા સમય સુધી કામગીરી કરતા હોય, ત્યારે સ્વાભાવિક છે કે તે રોગનો ભોગ બને અને આ માટે તંત્ર દ્વારા તેના સીધીલીટીના વારસદારોને તેની જ જગ્યાએ નોકરી મળે તે માટે તેમના સીધી લીટીના વારસદારોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે છે. જેમાં કાયમી સફાઇ કામદારો રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી પોતે સફાઇ કામગીરી કરી શકવા માટે અશકત હોય તે અંગેનું મેડીકલ અનફીટ સર્ટીફીકેટ લઇ રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં રજુ કરે છે. જેથી તેની સીધી લીટીના વારસદારને કાયમી ધોરણે નોકરી મળી શકે. આ વ્યવસ્થા રહેમરાહે નોકરી આપવાની વ્યવસ્થા છે. જેથી કરીને કાયમી સફાઇ કામદારોને ભવિષ્યમાં બીજી કોઇપણ તકલીફોનો સામનો કરવો ન પડે તે માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થા છે, પરંતુ અમુક દલાલો/એજન્ટો અને કૌભાંડીયાઓ દ્વારા આ વ્યવસ્થાને ધંધો ગણી અને પોતાના વ્યકિતગત હિત માટે અને પૈસા કમાવવાના આશયથી ગરીબ અને શોષિત સફાઇ કામદારોનું શોષણ કરે છે. જેમાં શારીરીક રીતે કામગીરી કરવા માટે સક્ષમ હોય, છતાં અમુક દલાલો, એજન્ટો દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક, આર.એમ.ઓ., ડોકટર જેવા અધિકારીઓના ડુપ્લીકેટ સહી, સિકકા કરી અને છેતરપીંડી કરીને નોકરી મેળવતા હોય છે.
(4:02 PM IST)










