<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

રાજેશ્રી સિનેમા પાસે રાતે બટાઝટીઃ લોકોના ટોળા ઉમટી પડયાઃ પોલીસ દોડી ગઇ, કોઇએ ફરિયાદ ન નોંધાવી : જુઓ વિડિયો

ભાગવા જતાં એક સગીર બાઇક સહિત પડી ગયોઃ પોલીસે તેના વાલીને બોલાવી સોંપી દીધો

રાજકોટઃ શહેરના ભુપેન્‍દ્ર રોડ પર રાજેશ્રી સિનેમા નજીક રાત્રીના અગિયારેક વાગ્‍યે કેટલાક લોકો વચ્‍ચે માથાકુટ થતાં ટુવ્‍હીલર અને પ્‍લાસ્‍ટીકના કેરબાઓના ઘા થતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આ વખતે ભાગવા જતાં બાઇક સ્‍લીપ થતાં એક સગીર પડી ગયો હતો જેને પોલીસ સ્‍ટેશને લઇ જઇ પુછતાછ કરી તેના વાલીને સોંપાયો હતો. જાણવા મળ્‍યા મુજબ કોટક શેરી ૪માં રહેતો સુનિલ મશરૂભાઇ ગમારા અને તેના મિત્રો ગોપાલ, મનોજ, કાર્તિક, પરેશ સહિતના રાતે રાજેશ્રી સિનેમા પાસે બેઠા હતાં ત્‍યારે સલમાન, શહેજાદ, ભુરો અને એક સગીર બાઇક પર આવ્‍યા હતાં અને સુનિલ ગમારાને ગાળો ભાંડતા ડખ્‍ખો થયો હતો. આથી સુનિલ સહિતના આ શખ્‍સોની પાછળ દોડતાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં એક સગીર બાઇક સહિત પડી ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં એ-ડિવીઝન પોલીસ દોડી ગઇ હતી. સગીરે પોતે ભાગી ગયેલા શખ્‍સો સાથે આવ્‍યાનું કહેતાં તેના વાલીને બોલાવી સોંપી દેવાયો હતો. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ સુનિલ ગમારાને પાણીના કેરબાનો ધંધો હોઇ તેને સામેવાળા પાસેથી અમુક પૈસા લેવાના બાકી હોઇ તેની ઉઘરાણી મામલે બોલાચાલી બાદ આ ડખ્‍ખો થયો હતો. જેમાં કેરબાના ઘા કરાયા હતાં. જો કે આ બનાવમાં કોઇને ફરિયાદ કરવી ન હોઇ માત્ર નોંધ કરવામાં આવી હતી.   તસ્‍વીરમાં માથાકુટને પગલે એકઠા થયેલા લોકો, પોલીસ, ઉંધુ વળેલુ વાહન જોઇ શકાય છે

(12:01 PM IST)