News of Wednesday, 23rd October 2024
ફેસબૂક પર એડ મુકી કાશ્મીર પેકેજના નામે ૩.૩૫ લાખના ફ્રોડમાં દિલ્હીનો ઠગ ઝડપાયો
માઉન્ટેન મૂવર્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે એડવર્ટાઇઝ મુકી જાળ બીછાવી હતી :એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં સાયબર ક્રાઇમ પીઆઇ એમ. એમ. ઝણકાત, આર. જી. પઢીયાર, બી. બી. જાડેજાની ટીમે દબોચ્યોઃ ગઠીયો હાલ પ્રાઇવેટ નોકરી કરે છે

રાજકોટ તા. ૨૩: ફેસબૂકમાં અલગ અલગ જાહેરખબરો મુકી ટૂર ટ્રાવેલ્સના પેકેજના નામે ઠગાઇના બનાવો અવાર-નવાર બને છે. રાજકોટમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો. જેમાં ફેસબૂકમાં માઉન્ટેન મૂવર્સ નામે ટૂર ટ્રાવેલ્સની જાહેરાત મુકી કાશ્મીર પેકેજ ટૂર કરાવી આપવાના નામે રૂા. ૩,૩૫,૦૦૦ની ઠગાઇ કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ સાયબર ક્રાઇમ પોલીસે ઉકેલી દિલ્હીના ઠગ હિમાંશુ વિનોદકુમાર યાદવ (ઉ.વ.૨૪-રહે. હાઉસ નં. ૧૮, ગલી નં. ૧૯ એ-૨ બ્લોક, વેસ્ટ સંત નગરી બુરારી)ને પકડી લીધો છે.
નિર્મલા રોડ પર શિલ્પા એપાર્ટમેન્ટ બાલમુકુન્દ પ્લોટ-૧માં રહેતાં કોૈશિકભાઇ વૃજલાલ મહેતા (ઉ.વ.૫૮) અને તેમના કુટુંબી ભાઇ દિપકભાઇ મહેતા, બીજા સગા ભરતભાઇ મહેતા, ભાગ્યેશભાઇ મહેતા સહિતના લોકોને કાશ્મીર ટૂરમાં જવું હોઇ કોૈશિકભાઇએ ૧૮/૧/૨૨ના રોજ ફેસબૂકમાં માઉન્ટેન મૂવર્સ નામે ટૂર્સ ટ્રાવેલ્સની જાહેરાત જોઇ તેમાં આપેલા નંબરો પર ફોન કરી વિગતો જાણીને પેકેજ બૂક કરાવ્યા હતાં. તેમણે ફોનમાં વાત કરનારા હિમાંશુ યાદવ નામના શખ્સના કહેવા મુજબ કોટ બેંકના ખાતામાં કુલ રૂા. ૩,૩૫,૦૦૦ ટ્રાન્સફર કરી દીધા હતાં. પરંતુ બાદમાં હાર્દિકે તેના બંને મોબાઇલ નંબર બંધ કરી દીધા હતાં. આથી છેતરાઇ ગયાની જાણ થતાં સાયબર ક્રાઇમ પોલીસમાં જાણ કરતાં ગત ૨૧/૮/૨૪ના રોજ ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોલિની સુચના અને એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. એ. ઝણકાત, પીઆઇ આર. જી. પઢીયાર, પીઆઇ બી. બી. જાડેજા, એએસઆઇ વિવેકભાઇ કુછડીયા, હેડકોન્સ. દિગ્વીજયસિંહ ઝાલા, કોન્સ. જયપાલસિંહ સોલંકી, પૃથ્વીરાજસિંહ ચોૈહાણ અને ટીમે તપાસ શરૂ કરી હતી. જેના આધારે દિલ્હીના ઠગ હિમાંશુ વિનોદકુમાર યાદવને પકડી લીધો હતો. તે હાલમાં પ્રાઇવેટ નોકરી કરે છે. ટૂર્સ પેકેજના નામે તેણે બીજા કોઇને છેતર્યા છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે. સાયબર ક્રાઇમ પોલીસે અનુરોધ કર્યો છે કે અજાણ્યા લોકોની વાતમાં આવી કોઇપણ પ્રકારનું રોકાણ કરવું નહિ, લોભ લાલચમાં ફસાવું નહિ. (૧૪.૬)
(2:16 PM IST)










