News of Wednesday, 23rd October 2024
કપડાની દુકાનમાં થયેલી ચોરીનો ગાંધીગ્રામ પોલીસે ભેદ ઉકેલ્યોઃ દશરથ ઉર્ફે દસ્તો ઝડપાયો
અગાઉ ૮ ગુનામાં સામેલ શખ્સે બજરંગવાડીમાં હાથફેરો કર્યો'તો :પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ ગોહિલ, હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, શબ્બીરખાન મલેકની ટીમની કાર્યવાહીઃ અમીનભાઇ, મુકેશભાઇ, રોહીતદાનની બાતમી

રાજકોટ તા. ૯: શહેરના બજરંગવાડી મેઇન રોડ પર વૃંદાવન કોમ્પલેક્ષની સામે આવેલી પારૂલબેન રાજેશભાઇ ટંકારીયાની રાજ સિલેક્શન નામની દૂકાનમાં ગ્રાહકના સ્વાંગમાં જઇ દૂકાનદારની નજર ચુકવી રોકડા રૂપિયા બાર હજારની ચોરી એક શખ્સ કરી ગયો હતો. આ ગુનાનો ભેદ ગાંધીગ્રામ પોલીસે ઉકેલી અગાઉ ચોરીના છ સહિત આઠ ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા નામચીન દશરથ ઉર્ફ દસ્તો ગભુભાઇ જોગરાણા (ઉ.વ.૨૬-રહે. રૈયાધાર સ્લમ ક્વાર્ટર, ધનાભાઇની ઓરડી પાસે મફતીયાપરા)ને કોન્સ. અમીનભાઇ ભલુર, મુકેશભાઇ સબાડ અને રોહીતદાન ગઢવીની બાતમી પરથી પકડી લઇ રોકડા ૧૨ હજાર, રિક્ષા જીજે૦૩એડબલ્યુ-૭૨૬૪ મળી રૂા. ૪૨ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
ગુનો નોંધાતા ગાંધીગ્રામ પોલીસની ટીમ કામે લાગી હતી. એ દરમિયાન દશરથ ઉર્ફ દસ્તાને સીસીટીવી ફુટેજ અને બાતમીદારોની મદદથી શોધી કઢાયો હતો. આ શખ્સ પ્ર.નગર, ગાંધીગ્રામ, આજીડેમ, બી-ડિવીઝનમાં ચોરીઓના છ અને ડીસીબી, યુનિવર્સિટીમાં જાહેરનામાના બે મળી કુલ આઠ ગુનાઓમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અનુસાર પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ એસ. એલ. ગોહિલ, હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા, ભગીરથસિંહ જાડેજા, શબ્બીરખાન મલેક, કોન્સ. અમીનભાઇ ભલુર, રોહીતદાન ગઢવી, મુકેશભાઇ સબાડ, પ્રદિપભાઇ ડાંગર, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી.
(3:49 PM IST)










