<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

મોરબી રોડની ન્‍યુ જલારામ સોસાયટીમાં રહેતાં અલ્‍પેશભાઇ દામાણીનું બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હાર્ટએટેકથી મોત

ઘર નજીક એક શખ્‍સ બેઠો હોઇ તેણે માથાકુટ કરતાં ફરિયાદ કરવા ગયા અને એકાએક ગભરામણ થયા બાદ ઢળી પડયા છત્રીસ વર્ષિય યુવાન ઇમિટેશનનું કામ કરતાં હતાં: છ વર્ષની દિકરીએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમા શોકની કાલીમા

રાજકોટ તા. ૨૫: થોડા દિવસો પહેલા રેલનગરના ફર્નિચરના વેપારી મજૂર સાથે પૈસાની લેતીદેતી મામલે થયેલી ચડભડને કારણે પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં અરજી કરવા ગયા ત્‍યારે હાર્ટએટેક આવી જતાં મૃત્‍યુ થયું હતું. બીજી એક ઘટના બની છે જેમાં મોરબી રોડ જકાતનાકા પાસે રહેતાં ન્‍યુ જલારામ સોસાયટીના યુવાન ગત રાતે બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં પોતાને અજાણ્‍યા શખ્‍સ સાથે થયેલી માથાકુટ મામલે ફરિયાદ કરવા ગયા ત્‍યારે એકાએક ગભરામણ થયા બાદ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ન્‍યુ જલારામ સોસાયટીમાં રહેતાં અલ્‍પેશભાઇ અરજણભાઇ દામાણી (ઉ.વ.૩૬) રાતે પોતાના પિત્રાઇ ભાઇ અમિતભાઇ સહિતની સાથે બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશને ફરિયાદ કરવા ગયા હતાં. આ વખતે તેમને એકાએક ગભરામણ થવા માંડતા અને બેભાન થઇ ઢળી પડતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને તબિબે મૃત જાહેર કરતાં હોસ્‍પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે બી-ડિવીઝનમાં નોંધ કરાવી હતી.

મૃત્‍યુ પામનાર અલ્‍પેશભાઇ ઘરે બેઠા  ઇમિટેશનનું કામ કરતાં હતાં. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા હતાં. તેમને છ વર્ષની એક દિકરી છે. પિત્રાઇ ભાઇ અમીતભાઇએ જણાવ્‍યું હતું કે રાતે અલ્‍પેશભાઇ પોતાના પાળતું ડોગીને અને દિકરીને સાથે લઇ ઘર નજીક આટો મારવા નીકળ્‍યા હતાં. આ વખતે એક અજાણ્‍યો શખ્‍સ ઘર નજીક બેઠો હોઇ તેની પાસેથી નીકળતાં એ શખ્‍સે તું અહિથી શું નીકળ્‍યો, ભાગી જા કહી ઝઘડો કરતાં અલ્‍પેશભાઇએ મારુ તો ઘર અહિ છે, તું બહારથી આવ્‍યો છે તેમ કહેતાં એ શખ્‍સે આ રોડ છે, બધા બેસે કહી ઝપાઝપી કરી એકાદ ઝાપટ મારી લીધી હતી. આ પછી અમે પોલીસને જાણ કરતાં પીસીઆર આવી હતી અને હું તથા અલ્‍પેશભાઇ સહિતના બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશને ફરિયાદ કરવા ગયા હતાંઉ તે વખતે જ અલ્‍પેશભાઇ ઢળી પડયા હતાં.  

પોલીસે સામેના શખ્‍સને પણ બોલાવ્‍યો હતો. તેનું નામ કરણ હતું. જો કે આ મામલે કોઇ ગુનો દાખલ થયો નથી.

(11:24 AM IST)