તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
રાજકોટનું નભ બુધવારે અવનવા ફટાકડાથી ઝળહળશે
મનપા દ્વારા ‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ' અંતર્ગત તા. ૩૦ સાંજે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ રેસકોર્ષ ખાતે ભવ્ય ‘આતશબાજી': આતશબાજી કાર્યક્રમનું ઉદઘાટન રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્તેઃ સ્થળ મુલાકાત કરતા સુરેન્દ્રસિંહ વાળા

રાજકોટ,તા.૨૫: મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. જે પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ તા.૩૦ બુધવાર ધનતેરસના શુભ દિવસે સાંજે ૭ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્ય ‘આતશબાજી'નું આયોજન કરવામાં આવેલ ᅠછે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ ‘આતશબાજી' કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય અને શહેરીજનો આ કાર્યક્રમ નિહાળવામાં કોઈ અગવડ ન પડે તે હેતુસર, કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવા, તડામાર તૈયારીના ભાગરૂપે ગત તા.૨૪ ગુરૂવારના રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા આ કામની સંબંધિત એજન્સીનાં પ્રતિનિધિઓને સાથે રાખીને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. જે મુલાકાત દરમ્યાન ડાયસ કાર્યક્રમ, મંડપ, સાઉન્ડ, બેરીકેટીંગ વી.વી.આઈ.પી/વી.આઈ.પી. તથા જનરલ બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, સુરક્ષા બંદોબસ્ત, એન્ટ્રી ગેઇટ, ફાયર ફાઈટર, મેડીકલ ટીમ તથા અન્ય આનુસાંગિક વ્યવસ્થા અંગે રીવ્યુ કરવામાં આવ્યું અને અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી.
આ સ્થળ મુલાકાતમાંᅠસમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, સહાયક કમિશનર બી.એલ.કાથરોટીયા, રેસકોર્ષ સંકુલના ડેપ્યુટી એન્જીિનયર હેમેન્દ્ર કોટક, રોશની વિભાગના ડેપ્યુટી એન્જીિનયર અમિત શાહ, મેનેજર કે.બી.ઉનાવા, આસી. એન્જીનિયર મહેશ પ્રજાપતિ, ડી.બી.ગજેરા, વર્ક આસી. મયુર પડધરીયા, ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર ચાંચીયાભાઈ તથા અન્ય સ્ટાફ તથા સુરક્ષા વિભાગના પી.એસ.આઈ.ભૂપેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય કર્મચારીઓ હાજર રહેલ હતા.
આ ‘આતશબાજી' કાર્યક્રમમાં વી.વી.આઈ.પી./વી.આઈ.પી. આમંત્રિતો મહાનુભાવોની એન્ટ્રી રેસકોર્ષ સંકુલ ખાતે આવેલ વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી હોકી ગ્રાઉન્ડની ગેલેરી પાસે આવેલ ‘જીમ' તરફ જવાના રસ્તાથી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં એન્ટ્રી લેવાની રહેશે. જયારે કોર્પોરેટર તથા પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓની એન્ટ્રી બહુમાળી ભવન સામેથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના પેવેલીયન તરફ જવાના રસ્તાથી એન્ટ્રી લેવાની રહેશે.
જાહેર જનતાને ૧) બહુમાળી ભવન સામેના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રસ્તાથી ૨) વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ઍન્ટ્રી ગેઇટથી ઍન્ટ્રી આપવામાં આવશે. જાહેર જનતાઍ આ કાર્યક્રમ નિહાળવા કોઇપણ કારના પાસની જરૂરીયાત નથી.
(2:37 PM IST)










