News of Monday, 28th October 2024
જે શહેરમાં પહોંચે ત્યાંની નંબર પ્લેટ કારમાં મારી દેતાં: રાજસ્થાનથી રાજકોટ દારૂ ઠાલવવા આવેલા બે પકડાયા
ક્રાઇમ બ્રાંચે અમદાવાદ હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્ક નજીક કાર્યવાહી કરીઃ ડીસીપી ક્રાઇમ, એસીપી ક્રાઇમની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, ડામોરની ટીમને સફળતાઃ ૯ લાખનો મુદ્દામાલ કબ્જે : હેડકોન્સ. અનીલભાઇ સોનારા, કોન્સ. હરપાલસિંહ જાડજા, ધર્મરાજસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૨૮: દિવાળીના તહેવારમાં દારૂની રેલમછેલ કરવા બૂટલેગરો મેદાને આવી ગયા છે. સામે પોલીસ પણ સક્રિય થઇ ગઇ છે. પોલીસની બચવા માટે બૂટલેગરો, સપ્લાયરો નીતનવા નુસ્ખાઓનો ઉપયોગ કરે છે. રાજસ્થાનથી દારૂ ભરી રાજકોટ ઠાલવવા આવેલા બે શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે રાજકોટ અમદાવાદ હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્ક નજીકથી ઝડપી લીધા હતાં. રાજસ્થાનના શ્રવણનુ઼ સપ્લાયર તરીકે નામ ખુલ્યું છે. પોલીસને નંબર પ્લેટો પણ મળી છે. આ બૂટલેગરો જે શહેરમાં પહોંચે ત્યાંની નંબર પ્લેટ પોતાની કારમાં લગાવી દેતાં હતાં.
શહેર ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ક્રિષ્ના વોટર પાર્ક સામે બ્રીજ પાસેથી સફેદ રંગની ક્રેટા કારમાથી અલગ અલગ બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૧૫૬ કિ.રૂ.૮૮,૬૦૮ તથા ચપલા નંગ-૮૬૪ કિ.રૂ.૧,૦૮,૦૦૦ મળી કુલ કિ.રૂ,૧,૯૬,૬૦૮નો વિદેશી દારૂ તથા મોબાઈલ નંગ-૦૨ તથા નંબરપ્લેટ નંગ-૦૨ તથા કાર નંબર નં. જીજે૦૯બીએમ-૨૩૪૬ રૂ.૭,૦૦,૦૦૦ની મળી કુલ રૂ. ૯,૦૬,૬૦૮નો મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી લીધા છે. હેડકોન્સ. અનીલભાઈ સોનારા તથા કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા ધર્મરાજસિંહ રાણાને મળેલી સંયુકત બાતમી પરથી ઓમપ્રકાશ ક્રિષ્નારામ બીશ્નોઈ (ઉ.વ.૩૧ ધંધો ડ્રાઈવીંગ રહે. ગામ-બાછલા પોસ્ટ-ભૈરૂડી તા. સેડવા જી. બાડમેર) તથા મોહનલાલ ભાખરારામ બીશ્નોઈ (ધંધો ડ્રાઈવીંગ રહે-ગામ-કુંડકી પોસ્ટ-વીરાવા તા-ચીતલવાના જી. સાંચોર રાજસ્થાન)ને પકડી દારૂનો જથ્થો કાર, નંબર પ્લેટ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
ઝડપાયેલા બંનેની પુછતાછ થતાં રાજસ્થાનથી શ્રવણ નામના શખ્સે આ દારૂ રાજકોટ પહોંચાડવા મોકલ્યાનું ઝડપાયેલા બંનેએ રટણ કર્યુ હતું. શ્રવણ ઝડપાયા બાદ રાજકોટમાં કોને આ દારૂ આપવાનો હતો તે ખુલશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી (ક્રાઇમ) પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (ક્રાઇમ) બી.બી.બસીયાની સુચના અનુસાર શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર તથા પીએસઆઇ એ.એસ.ગરચર, હેડકોન્સ. અનિલભાઈ સોનારા, કોન્સ. ધર્મરાજસિંહ રાણા, હરપાલસિંહ જાડેજા, જીલુભાઈ ગરચર, મૈસુરભાઈ કુંભારવાડીયા તથા અશ્વિનભાઈ પંપાણીયાએ આ કામગીરી કરી હતી. અલગ અલગ નંબર પ્લેટ મળી હોઇ તે અંગે પુછતાં બંનેએ કહ્યું હતું કે જે શહેરમાં પહોંચે તેની નંબર પ્લેટ લગાવી દેતાં હતાં. જેથી પોલીસને શંકા ન ઉપજે.
(12:11 PM IST)










