News of Monday, 28th October 2024
‘ખોજ' દ્વારા સ્વયંને ઝળહળતા કરતો બરડા ડુંગરે સેમીનાર
ધો. ૯થી ઉપરના છાત્રો માટે તકઃ ખુલતા વેકેશને સમણ શ્રુતપ્રજ્ઞજીને નિશ્રામાં ત્રિદિવસીય આયોજનઃ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

‘અકિલા 'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજી, તપોવન ગુરુકુળ, ભાણવડના સ્થાપક-સંચાલક ભીમશીભાઇ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)
બરડાના પ્રાકૃતિક ખોળામાં આવેલ શિક્ષણના કેન્દ્ર તપોવન ગુરુકુલમાં યોજાનાર ત્રણ દિવસીય આવાસીય સેમિનાર તા. ૭ થી ૯ નવેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય વક્તા અને ધ્યાન સાધક સમણ શ્રુતપ્રજ્ઞજીના સાનિધ્યમાં યોજાશે.
‘ખોજ' સેમિનારમાં જીવનના મહત્ત્વપૂર્ણ સવાલો અને તેમના જવાબો શોધવાનો પ્રયાસ છે. ‘ખોજ'નો અર્થ છે શોધ; તે આપણાં અંતરમાં રહેલા એ મર્મને ખોળવાનો પ્રયાસ છે, જે આપણને શાંતિ, સંતોષ અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે.
ખુલતા વેકેશનમાં ધોરણ ૯ અને ઉપરના કોઈ પણ વિદ્યાર્થીઓ માટે યોજાનાર આ ‘ખોજ' સેમિનારમાં વિધાર્થીઓ પોતાની કમજોરીઓ અને ખૂબીઓ શોધી જીવનમાં પ્રસન્નતા પૂર્વક સફળ થવા માટે પ્રયત્ન કરશે. ‘ખોજ'ના માધ્યમથી વિદ્યાર્થીઓને અંદરના અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ આગળ વધવાની પ્રેરણા મળશે. ‘ખોજ' દ્વારા વિદ્યાર્થીઓને આ સેમિનાર જીવનના સાચા શિક્ષણ ઉપરાંત, જીવનમાં એક નવો દ્રષ્ટિકોણ અને સકારાત્મકતા તરફ દોરી જશે.
સમણ શ્રી સિવાય આ શિબિરમાં સુરતથી લાઇફ કોચ પ્રીત ખંડોરને પણ આમંત્રિત કરવામાં આવેલ છે. જેઓ બાળકોને શિક્ષણ સાથે સંકળાયેલી રમતો રમાડશે અને કેરિયર માટેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે.
સેમિનારમાં ધ્યાન, યોગ, આકાશ દર્શન, કાઉન્સ્લિંગ, ટ્રેકિંગ, રાયફલ શૂટિંગ ઉપરાંત આજુ બાજુના સ્થળોનો પ્રેરક પ્રવાસ પણ કરાવવામાં આવશે.
સંસ્થાના નિયામક શ્રી ભીમસીભાઈ વિદ્યાર્થીઓ સાથેના પોતાના અનુભવના આધારે બાળકો કેવી રીતે જીવનના પાઠો શીખી આગળ વધે તેની પ્રેરણા પૂરી પાડશે.
આ સેમિનારમાં પુરુષાર્થના ૨૦૦ બાળકો તો ભાગ લેવાના જ છે. તે ઉપરાંત પૂરા ગુજરાતથી ૧૦૦ જેટલા અન્ય વિદ્યાર્થીઓ ભાગ લેશે એવી સંભાવના છે.
આ શિબિરમાં જોડાવવા માટે આગોતરું અને તાત્કાલિક રજીસ્ટ્રેશન કરવુ અનિવાર્ય છે. એના માટે આપ પુરુષાર્થ સ્કૂલ ભાણવડનો સંપર્ક (મો. ૯૬૩૮૨ ૫૯૮૦૮ ઉપર) કરી શકો છો. (૨૨.૨૮)
જાપાનીઝ લોકો શીખશે ધ્યાન યોગ
જાપાનમાં યોજાનારી અનેક વ્યાખ્યાનો અને વર્કશોપ્સમાં મુખ્ય પ્રવક્તા તરીકે પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશનના પ્રેરક સમણજી શ્રુતપ્રજ્ઞજીને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન, સમણજી ટોક્યો અને અન્ય શહેરોમાં જાપાનના સ્થાનિક અને ભારતીય સમુદાય સાથે જોડાશે અને તેઓને યોગ, ધ્યાન, પ્રાણાયામ અને વિવિધ હીલિંગ ટેકનીક્સનું જ્ઞાન શેર કરશે. જાહેર ભાષણો ઉપરાંત, સમણજી જાપાનના લોકલ લોકો સાથે વ્યક્તિગત સત્રો પણ લેશે, જયાં તેઓને વ્યક્તિગત માર્ગદર્શન અને આધ્યાત્મિક અનુસંધાન આપશે.
આ પ્રવાસનું એક મુખ્ય આકર્ષણ એક કોલેજીયન જાપાનીઝ દીકરી હનાનો (જે એક મહિના માટે સમણજીની સંસ્થામાં સેવા આપી ચૂકી છે) દ્વારા સંકલિત ખાસ વર્કશોપ હશે, જેનો ઉદ્દેશ જાપાનના યુવાનોને આધ્યાત્મિક પદ્ધતિઓ અને ધ્યાન વિશે પરિચિત કરાવવાનો છે.
જાપાન એક ઋજુ સંસ્કૃતિવાળું દેશ છે, જયાં માઇન્ડફુલનેસ અને સમરસતાના મૂલ્યો પ્રચલિત છે. સમણજીની યાત્રા આ મૂલ્યોને તેમની શિક્ષણ પદ્ધતિ સાથે જોડવાની છે, જેમાં ભારતીય અને જાપાનીઝ પરંપરાઓનું સુંદર સંમિલન થશે.
શાકાહાર ને પ્રોત્સાહન આપવા માટે સમણજી જાપાનના સમુદાયને ભારતીય રસોઈ અને વારસાથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરશે. આ કુકિંગ કોર્સનું સંચાલન કરવા માટે માલતી ખંડોર અને પૂજા દોશીને કચ્છમાંથી આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતીય બહેનોને વિશેષ રૂપે શાકાહારી રસોઈ અને મહેંદી કલા પર કક્ષાઓ લેવા આમંત્રિત કરવામાં આવ્યા છે.
જાપાનના લોકોને ભારતીય સાંસ્કૃતિક પ્રથાઓ અને ખાવાની પરંપરાઓમાં પરિચિત કરાવી, આશા રાખે છે કે તે વધુ વનસ્પતિ આધારિત આહાર તરફ પ્રેરણા આપી શકે, જે તેમના કુદરતી સંતુલન અને સુખાકારી તરફના ઝુકાવને અનુરૂપ છે.
કેન્ટેરો સમણજીના પ્રવાસ માટેના તમામ આયોજનનું સંકલન કરી રહ્યા છે, અને તેમના સહકારથી દરેક શહેરમાં સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. કેંટેરો દ્વારા આ વિશેષ પ્રવાસ માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, અને તેમની સહાયથી, સમણજીના જાપાનની આ આધ્યાત્મિક અને પ્રભાવશાળી મુલાકાત માટે તમામ વ્યવસ્થાઓ ધ્યાનપૂર્વક કરવામાં આવી છે. (૨૨.૨૮)
સમણજી (શ્રુતપ્રજ્ઞજી) ગુરુકુલમઃ એક નવી શરૂઆત
સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજીની અદ્દભુત પ્રેરણાથી અને વિદેશી ભારતીય અને જૈન પરિવારોના ઉદાર અનુદાનથી ઘુમલીની ઐતિહાસિક નગરીમાં નવા સપનાઓનું માળખું છાત્રાલય તરીકે ઊભું થવા લાગ્યું છે, જેનું નામ છેઃ સમણજી ગુરુકુલમ.
અનુભવ અને ઉદ્દેશના સંકેત સાથે, બરડા ડુંગરના ખોળામાં પુરુષાર્થ સ્કૂલની દીકરીઓ માટે એક વિશાળ હાઈઝેનિક છાત્રાલય બની રહ્યું છે, જેમાં ઇકો ફ્રેન્ડલી ૨૪ જૈન તીર્થંકરોના પ્રતિક રૂપ ૨૪ રૂમ બની રહ્યા છે, જેમાં કુલ ૨૦૦ દીકરીઓ અને તેમના ગૃહમાતાઓને આરામદાયક રહેવા માટે સુવિધા મળશે.
આ વિશાળ ‘સમણજી ગુરૂકુલમ'ના નિર્માણ માટે અમેરિકાના ટેનેસી રાજયના મેમ્ફિસ શહેરથી દાતાઓએ ૧૯ રૂમના નિર્માણમાં સહયોગ આપ્યો છે, આ ઉપરાંત ઓસ્ટિન, ટેક્સાસથી પણ ૫ પરિવારોના આર્થિક સહકારની મંજુરી મળી છે. આ સિવાય કેલિફોર્નિયાથી ૨ રૂમના, શિકાગો, એટલાન્ટા, અને મલેશિયા થી એક એક રૂમના સહયોગી દાતાઓ મળ્યા છે.
આ પૂર્વે બાળકોના ઉન્નત અભ્યાસ માટે અને છાત્રાલયની સુવિધા માટે શિકાગોથી શેલજા બેન અને મનીષભાઈ ગાંધી દ્વારા પૂરી સ્કૂલમાં સોલાર પેનલ લગાવ્યા છે. આ ઉપરાંત, મેમ્ફિસ જૈન સંઘ દ્વારા સ્કૂલ બસ આપવામાં આવી હતી, અને સિંગાપુરના અશ્વિનભાઈ દેસાઈ પરિવાર દ્વારા પુરુષાર્થમાં ભોજનાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ ગુરુકુલમનું નિર્માણ ભીમસીભાઈના માર્ગદર્શન હેઠળ વિકસિત થઈ રહ્યું છે. ગુરુકુલમનું ઉદઘાટન આગામી ફેબ્રુઆરીની ૨ જીના પુરુષાર્થ સ્કૂલના સ્થાપના દિને થશે, જેમાં અમેરિકાના અને મલેશિયાના મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ નવતર ઈમારત માત્ર એક શૈક્ષણિક કેન્દ્ર નહીં, પરંતુ તે નવી પેઢીના હ્રદયમાં પ્રેરણાનું એક પ્રકાશસ્ત્રોત બની રહેશે. સમણજી ગુરુકુલમ એ દરેક દીકરીના સ્વપ્નને સાકાર કરવાનો એક મંચ છે, જયાં તેઓ શિક્ષણ, સંસ્કૃતિ અને આત્મવિકાસના માર્ગે આગળ વધી શકશે.
આ પ્રોજેક્ટની સફળતા એ એક સંકેત છે કે જયારે આપણે એકસાથે મળીને કાર્ય કરીએ છીએ, ત્યારે આપણે દરેક બાળકના ભવિષ્ય માટે પ્રકાશ પેદા કરી શકીએ છીએ.
સમણજી ગુરુકુલમ એ ભવિષ્યના સ્વપ્નોના એક નવા મંચનું નિર્માણ છે, જયાં દરેક દીકરીને શ્રેષ્ઠ જીવનની શરુઆત કરવાની તક મળશે.
(2:26 PM IST)










