News of Monday, 28th October 2024
ગોંડલના ગુંદાસરા પાસે દારૂની મહેફીલ માણતા રાજકોટના ૧૪ છાત્રો પકડાયા
વેકેશન પડતા કરેલ પાર્ટીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે રેઇડ કરી ભંગ પાડયોઃ ૧૪માંથી ૯ સગીરઃ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

રાજકોટ,તા. ૨૮: ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે આવેલ ફાર્મ હાઉસમાં એલસીબી પોલીસે દારૂની મહેફીલમાં ત્રાટકી રંગમાં ભંગ પાડી પાંચ શખ્સોને ઝડપ્યા હતા જ્યારે આ દરોડામાં કાયદાના સંઘર્ષમાં આવેલ ૯ બાળ કિશોરો પણ મળી આવ્યા હતા.તહેવારોમાં છાંટાપાણીની મોજ માટે હવે ટીનેજર્સ પણ દારુની લતમાં લપેટાયા હોવાની આમે આવેલી ઘટના માતાપિતા અને વાલી વર્ગ માટે લાલબતી સમાન છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુંદાસરા ગામે આવેલા રાજકોટ રહેતા વિપુલભાઈ દામજીભાઇ ખુંટ નાં ફાર્મ હાઉસમાં દારુની મહેફીલ ચાલી રહ્યા ની બાતમી નાં આધારે પોલીસ દરોડો પાડી તીર્થ મયુરભાઈ કંસાગરા રહે. સત્ય સાંઈ રોડ રામધામ પાર્ક રાજકોટ, દેવાંશ હિતેશભાઈ પાદરીયા, રહે. નાના મવા રોડ, રાજ રેસીડેન્સી રાજકોટ, કરંજ કેયુરભાઈ મેઘપરા રહે. સવન સ્ટેટસ બ્લોક નંબર ૧૨૦૧, ધ્વનિલ કલ્પેશભાઈ શાહ, રહે. માલવીયા નગર ગોંડલ રોડ રાજકોટ, તેમજ આસ્વત મહેશભાઈ રાઠોડ રહે. વેસ્ટન એપાર્ટમેન્ટ કોટેચા સર્કલ પાસે રાજકોટ વાળાઓને વિદેશી દારૂની બોટલ નંગ ચાર કિંમત રૂપિયા ૮,૮૯૨ સાથે ઝડપી લીધા હતા આ ઉપરાંત કાયદાના સંદર્ભમાં આવતા ૯ બાળ કિશોરો પણ મળી આવ્યા હતા.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વેકેશન પડતા ૬ દારૂની મહેફીલનું આયોજન કરાયું હતું. પકડાયેલ શખ્સોમાં મોટાભાગના સગીર છે અને ધો.-૧૨માં અભ્યાસ કરે છે.
આ દરોડો એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા, રૂરલ એસઓજીના પીએસઆઇ બી.સી.મિંયાંત્રા, એ.એસ.આ બાલકૃષ્ણ ત્રિવેદી, હેડ કો.અનીલભાઇ ગુજરાતી તથા ભગીરથસિંહ જાડેજા દ્વારા પાડવામાં આવ્યો હતો.
(4:05 PM IST)










