News of Monday, 28th October 2024
શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સફળ અધિકારીઓ- કર્મચારીઓનો સ્નેહમિલન સમારોહ
૧૦ નવેમ્બરે શ્રી ખોડલધામ મંદિરે આયોજન

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ દ્વારા વર્ષોથી સર્વ સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે ચાલી રહ્યા છે. જેમાં યુપીએસસી, જીપીએસસી, ઉપરાંત વર્ગ ૧, ૨ અને ૩ની સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગોમાંથી તાલીમ લઈને અનેક યુવાનો વિવિધ સરકારી વિભાગમાં પ્રતિષ્ઠિત જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે. સંસ્થામાંથી તાલીમ મેળવીને સરકારી નોકરી મેળવનારા તમામ તેજસ્વી યુવાનોનો તોહમિલન સમારોહનું આયોજન આગામી તારીખ ૧૦ નવેમ્બર ને રવિવારના રોજ શ્રી ખોડલધામ મંદિર-કાગવડ મુકામે કરવામાં આવ્યું છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તારીખ ૧૦ નવેમ્બર ને રવિવારે સવારે ૧૦-૩૦ થી ૧૨-૩૦ સુધી શ્રી ખોડલધામ મંદિરે યોજાનાર તેજસ્વિતા તોહમિલન સમારોહમાં સંસ્થામાંથી તાલીમ લઈને વિવિધ સરકારી વિભાગમાં હાલ ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા વિવિધ પ્રકલ્પો શરૂ કરવામાં આવશે. જેમાં ‘શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ન્યૂઝ લેટર' નામના ત્રિમાસિક ન્યૂઝ લેટરનું વિમોચન કરવામાં આવશે. સાથે જ ગાંધીનગર ખાતે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા શરૂ થનાર રિડીંગ રૂમનો પણ પ્રારંભ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં સૌપ્રથમ વખત જીપીએસસીની અંગ્રેજી માધ્યમની ઓનલાઈન બેચનો પણ પ્રારંભ કરવામાં આવશે. જુનિયર યુપીએસસી બેચનો પણ પ્રારંભ કરાશે અને ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં જ IIT/NEETની તૈયારી કરાવવા માટેની બેચનો પણ પ્રારંભ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવાંગ દેસાઈ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા, રાજકોટ રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ, જૂનાગઢ રેન્જ આઈજી શ્રી નિલેશ ઝાંઝરીયા અને રાજકોટ જિલ્લા પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોડ ઉપરાંત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના કન્વીનરો અને તેમની સંગઠન ટીમ, વિવિધ સમિતિઓના સભ્યો હાજરી આપશે.
તસ્વીરમાં હરેશભાઇ પરસાણા (પ્રમુખ એસપીસીએફ) શ્રી શાંતનું (સીઇઓ, ઓલ ટ્રસ્ટ ઓફ ખોડલધામ), જી.એલ. રામાણી (મંત્રી), જયેન્દ્રભાઇ અકબરી (ફેકલ્ટી હેડ) અને ભાલાળા નિરવ (એકેડેમીક હેડ) નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:34 PM IST)










