News of Monday, 28th October 2024
દિવાળી કાર્નીવલનો રંગારંગ પ્રારંભ : લોકો ઉમટયા

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા ભવ્યાતિ ભવ્ય ‘રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ'નો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેનો શુભારંભ સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. ‘રંગીલા રાજકોટ દિવાળી ઉત્સવ'અંતર્ગત રેસકોર્સ રિંગ રોડ ફરતે સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન તેમજ બહુમાળી ચોક ખાતે ભવ્ય લેસર શો નું આયોજન છે. કાલે બપોરે ૦૪ કલાકે રેસકોર્સ રિંગ રોડ ખાતે ‘રંગોળી સ્પર્ધા' અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.૩૦ અને તા.૩૧ ના રોજ સાંજે શહેરીજનો નિહાળી શકશે. તા.૩૦ ના રોજ સાંજે ૦૭ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય ‘આતશબાજી' યોજાશે. રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને સેલ્ફી પોઈન્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ હોવાનું મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ યાદીમાં જણાવેલ છે
(4:45 PM IST)










