<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ત્રણ લાખની લાંચના કેસમાં ઇન્‍ચાર્જ ચીફ ફાયર ઓફીસર અનિલ મારૂની ‘ચાર્જશીટ' બાદની જામીન અરજી નામંજૂર

અગ્નિકાંડના ત્રણ ચીફ ફાયર ઓફીસરો જેલમાં ગયા છતાં પણ ઇન્‍ચાર્જ અનિલ મારૂ પણ એ જ માર્ગે? ફાયર એન.ઓ.સી. માટે લાંચ લેવી આપવી તેવો કાયદેસરના નિયમ હોવાની પ્રજામાં છાપ ઉભી થઇ છેઃ એસ.કે.વોરા

રાજકોટ,તા. ૨૯: રા.મ્‍યુ. કોર્પો. માં વર્ષ-૨૦૨૪માં ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ જીવાભાઈ ઠેબાની ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડમાં જણાયેલ સંડોવણી બાદ આ પ્રમાણસર મિલ્‍કત વાળા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના કેસથી સસ્‍પેન્‍ડ થતા ભુજ ખાતે ડીસ્‍ટ્રકટ ફાયર ઓફીસર તરીકે ફરજ બજાવતા અનીલ બેચરભાઈ મારૂને રાજકોટના ચીફ ફાયર ઓફીસર તરીકે ફરજ સોંપાયેલ. તેઓની એક જ માસની ફરજ દરમ્‍યાન રૂ. ૩ લાખના લાંચના કેસમાં રંગે હાથ પકડાઈ જતા રાજકોટની ખાસ અદાલતના જજ શ્રી વી.એ.રાણા એ ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, તા. ૨૮/૦૫/૨૦૨૪ના રોજ ટી.આર.પી. ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડ અંગે નોંધાયેલ કેસમાં પોલીસ તપાસ દરમ્‍યાન ટી.પી.ઓ. શ્રી એમ.ડી.સાગઠીયા અને ઈનચાર્જ ચીફ ફાયર ઓફીસર ભિખાભાઈ જીવાભાઈ ઠેબાની સંડોવણી અને ગેરરીતીઓ જણાઈ આવેલ હતી. ભીખાભાઈ ઠેબાની જગ્‍યાએ ભુજ ખાતે ડીસ્‍ટ્રીકટ ફાયર ઓફીસર તરીકે વર્ગ-૨ ના કર્મચારી અનીલ બેચરભાઈ મારૂ ને રા.મ્‍યુ. કોર્પો. માં ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવેલ હતો. વર્ગ-૧ ના કર્મચારી તરીકેનો આ ચાર્જ સંભાળ્‍યાના ૪૫ દિવસની અંદર ફાયર એન.ઓ.સી. આપવા માટે રૂ. ૩ લાખની લાંચની માંગણી કરી રૂ. ૧ લાખ ૮૦ હજાર સ્‍વીકારતા રંગે હાથો પકડાઈ ગયેલ આરોપી અનીલ મારૂએ પોલીસ તપાસ પુર્ણ થયા બાદ રેગ્‍યુલર જામીન અરજી રજુ કરેલ હતી.

આરોપી મારૂ વિરુધ્‍ધના આ કેસમાં ચાર્જશીટ બાદ જામીન અરજી વખતે આરોપી તરફે રજુઆત કરવામાં આવેલ હતી કે પોલીસ તપાસ પુરી થઈ ગયા બાદ કાયદાની જોગવાઈ પ્રમાણે પ્રોસિકયુશને આરોપી સામેનો કેસ પુરવાર કરવાનો તબક્કો આવે છે. આ મુજબની ટ્રાયલ પુરી ન થાય ત્‍યાં સુધી આરોપીને જયુડીશીયલ કસ્‍ટડીમાં રાખવા જરૂરી નથી.

શ્રી સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રી એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, ટી.આર.પી. ગેમઝોનના અગ્નિ કાંડ બાદ ૩-૩ ચીફ ફાયર ઓફિસર ૪ માસના ગાળામાં લાંચના અને અપ્રમાણસર મિલ્‍કતના કેસોમાં સંડોવાયેલ હોય ત્‍યારે છેલ્લા ચીફ ફાયર ઓફીસર અનીલ મારૂની લાંચિયાવળતિ અપ્રતિમ કહેવાય. પહેલા ચીફ ફાયર ઓફિસર શ્રી ખેર, અને ત્‍યારબાદ શ્રી ઠેબા જયારે લાંચના કેસોમાં ગંભીર રીતે સંડોવાયેલ હોય ત્‍યારે ભુજના ફાયર ઓફિસર અનીલ મારૂને ચાર્જ સોંપવામાં આવેલ હતો. શ્રી મારૂને ચાર્જ સોંપાતાની સાથે જ લાંચની અભુતપુર્વ રકમનો કેસ બને ત્‍યારે ફાયર એન.ઓ.સી. માટે લાંચ આપવી કાયદેસરનો નિયમ હોય તેવી સમજ પ્રજામાં ફેલાય છે. આ સંજોગોમાં ચાર્જશીટ રજુ થઈ જવાથી કોઈ આરોપીને જામીન મળવાના સંજોગો બની જતા નથી. હાલના કેસમાં અનીલ મારૂની ચેમ્‍બરમાંથી લાંચની રૂ. ૧ લાખ ૮૦ હજારની રકમ ઉપરાંત રૂ. ૫૦ હજાર બીજા પણ મળી આવેલ હતા જે રકમ અન્‍ય કેસમાં લીધેલ લાંચની હોવાનું જણાવેલ હતું. આ રીતે હાલના આરોપીએ લાંચના ઉપરા ઉપરી કેસો બનેલ હોવા છતાં લાંચ માંગવાનું ચાલુ રાખેલ છે. આ સંજોગોમાં જયારે જામીન આપવા એ કોઈ નિયમ ન હોય પરંતુ અદાલતની વિવેક બુધ્‍ધિનો વિષય હોય ત્‍યારે હાલના આરોપીને જામીન આપવા ન જોઈએ, ખાસ કરીને જયારે અનીલ મારૂના પુરોગામી ભીખાભાઈ ઠેબાની પણ ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે નામંજુર કરેલ હતી.

 સરકાર શ્રી તરફેની આ રજુઆતને અંતે ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસર અનીલ બેચરભાઈ મારૂની ચાર્જશીટ બાદની જામીન અરજી સ્‍પે. કોર્ટના જજ શ્રી વી.એ.રાણા એ રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રી એસ.કે. વોરા રોકાયેલા હતા.

(2:34 PM IST)