<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

નરેન્‍દ્રભાઇની વર્ચ્‍યુલ ઉપસ્‍થિતિઃ સૌરાષ્‍ટ્રના ૮૫ ઉમેદવારોને પોસ્‍ટ અને રેલ્‍વેમાં નોકરી અપાઇ

રાજકોટ તા.૨૯: વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની  વર્ચ્‍યુલ ઉપસ્‍થિતિમાં દેશના વિવિધ ૪૦ સ્‍થળોએથી ૫૧,૦૦૦થી વધુ ઉમેદવારોને સરકારના વિવિધ વિભાગો માટે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. જેમાં રાજકોટમાં સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન ખાતે કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રીશ્રી સી.આર.પાટિલના હસ્‍તે સૌરાષ્ટ્રના ૮૩ પોસ્‍ટ અને બે ઉમેદવારોને રેલવેમાં એમ કુલ ૮૫ ઉમેદવારોને નોકરીના નિમણૂક પત્રો એનાયત કરયા હતા.

જળ શક્‍તિ મંત્રીશ્રી સી.આર.પાટિલે ધનતેરસના પવિત્ર દિવસે  નવનિયુકત ઉમેદવારોને અભિનંદન પાઠવી જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે દેશના લાખો યુવાનોને રોજગારી - સરકારી નોકરી પારદર્શક રીતે સરળતાથી મળી રહે છે. મેરીટ આધારિત સક્ષમ અને લાયક ઉમેદવારને સરળ પ્રક્રિયા સાથે મેરીટ આધારિત સરકારી નોકરી આપવામાં આવે છે. એક્‍સટેન્‍શનની પ્રક્રિયા બંધ કરી તે જગ્‍યાએ યુવાનોને રોજગારી આપવાની પ્રથા શરૂ કરાઇ છે. યુવાધનને આગળ આવવાની તક આપવામાં આવી રહી છે. જેથી દેશના યુવાનો ઉત્‍સાહ સાથે કામ કરી શકે છે.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. ડાક સેવાના ડિરેક્‍ટરશ્રી નીતા શાહે શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. રોજગાર મેળા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ થયું હતું.

 આ તકે  મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, મેયરશ્રી નયનાબેન પેઢડિયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય સર્વેશ્રી રમેશભાઈ ટીલાળા, ડો .દર્શિતાબેન શાહ,  અગ્રણીશ્રી ભરતભાઈ બોઘરા, રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનર શ્રી ડી.બી.દેસાઈ, એડિશનલ ડિરેક્‍ટર ઓફ રેલવે કૌશલકુમાર ચૌબે સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:56 PM IST)