<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

રાજકોટવાસીઓમાં ડ્રાયફ્રુટનો જબરો ક્રેઝ : ૨૫ ટકા ભાવ વધારો છતાં ૨૫૦ કરોડનો સુકોમેવો ઝાપટી જશે

૭૫ કરોડ જેટલી ચોકલેટ પણ ખાઇ જશે : ગીફટમાં પણ આપવાનો રિવાજ : મહેમાનોને પણ હવે ધરવામાં આવે છે કાજુ, બદામ, પીસ્‍તા, અખરોટ

રાજકોટ, તા.૩૦: દિવાળી એટલે હર્ષોઉલ્લાસનો તહેવાર છે. બદલાતા ટ્રેન્‍ડ મુજબ દિવાળીના તહેવાર પર લોકોમાં શુભેચ્‍છા પાઠવવાની સાથે સાથે ડેકોરેટિવ ગિફ્‌ટસ અને ડ્રાયફ્રુટ આપવાનો ટ્રેન્‍ડ પણ વધ્‍યો છે. ત્‍યારે રાજકોટ માર્કેટમાં આવેલી ડ્રાયફ્રુટ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. હાલ ડ્રાયફ્રુટનો શું ભાવ છે અને કેટલું વેચાણ થવાની સંભાવના છે તે જાણીએ.

રાજકોટ શહેરમાં આવેલી પરાબજારમાં ડ્રાયફ્રુટ માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ડ્રાયફ્રુટમાં આ વખતે ચોકલેટ કાજુ, ચોકલેટ બદામ, રોઝ પેટલ આલમન્‍ડ સહિત અનેક વેરાયટી જોવા મળી રહી છે. આ વર્ષે ડ્રાયફ્રુટના ભાવમાં ૨૫ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં આવેલું પરાબજાર ડ્રાયફ્રુટ માટે ખુબ જ પ્રખ્‍યાત છે. પરાબજારમાં મોટી સંખ્‍યામાં લોકો ડ્રાયફ્રુટ ખરીદવા આવે છે. દિવાળીના તહેવાર નિમિત્તે હાલ આ બજારમાં મોટી સંખ્‍યામાં લોકો ખરીદી કરવા ઉમટી રહ્યા છે.

પરાબજારમાં ડ્રાયફ્રુટ ખરીદી કરવા આવેલા ગ્રાહકોનું કહેવું છે કે, ડ્રાયફ્રુટમાં આ વખતે ઘણું નવું છે જેમ કે ચોકલેટ કાજુ, ચોકલેટ બદામ, રોઝ પેટલ આલમન્‍ડ સહિત અનેક વેરાયટી જોવા મળી રહી છે. ડ્રાયફ્રુટની સાથે સાથે મુખવાસમાં પણ એટલી જ વેરાયટી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ પછી ડ્રાયફ્રુટનો વેપાર સૌથી વધુ વધ્‍યો છે. ડ્રાયફ્રુટ એક હેલ્‍ધી ફુડ હોવાથી લોકો મીઠાઈ લેવાના બદલે સુકામેવા લેવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. તેમ ન્‍યુઝ ૧૮ જણાવે છે.

પરાબજારમાં વેપાર કરતા વેપારીઓએ જણાવ્‍યું હતું કે, અમને લાગતું હતું કે, આ વખતની દિવાળી સારી નહીં જાય. પણ દિવાળી નજીક આવતા જ ધાર્યા કરતા વધારે સારો વેપાર ડ્રાયફ્રુટ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. ખાલી રાજકોટમાં જ તહેવાર પર ૨૫૦ કરોડથી વધુ ડ્રાયફ્રુટ અને ૭૫ કરોડથી વધુની ચોકલેટનો ઉપાડ જોવા મળી રહ્યો છે. દિવાળી પહેલા જ લોકોએ ડ્રાયફ્રુટ અને કોર્પોરેટ ગિફ્‌ટ બોક્‍સ માટેનું બુકિંગ કરાવી દીધું છે.

ગિફ્‌ટમાં લોકો ડ્રાયફ્રુટની ગિફ્‌ટ આપીને દિવાળી સાથે નવું વર્ષ હેલ્‍ધી રહે તેવી શુભેચ્‍છાઓ આપે છે. ગિફ્‌ટમાં કાજુ, બદામ, કિસમિસ, અંજીર ઉપરાંત સીડ્‍સ જેમ કે પમ્‍પકીન, સનફ્‌લાવર સીડ્‍સ આપી રહ્યાં છે. આ વર્ષે દિવાળી પૂર્વે જ સુકામેવાના ભાવમાં ૨૫% થી વધુનો વધારો થયો છે જેમાં ખાસ કરીને કાજુ અને અખરોટના ભાવ આસમાને પહોંચ્‍યા છે. તેમ છતાં માર્કેટમાં કાજુ અને અખરોટની ડિમાન્‍ડ વધારે જ છે

(11:22 AM IST)