<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

બુધ-ગુરૂ કાળી ચૌદશનું મહત્‍વઃ પૂજન અને નૈવેદ્ય ક્‍યારે કરવા તેની માહિતી

કાળીચૌદશ એટલે ભગવાન પાસે થી રક્ષા મેળવવાનો દિવસ. આસો વદ તેરસને બુધવારે તા ૩૦-૧૦-૨૪ બપોરે ૧.૧૬ વાગ્‍યા સુધી તેરસ તિથિ છે. ત્‍યારબાદ ચૌદશ તિથિનો પ્રારંભ થાય છે ખાસ કરીને કાળી ચૌદસમા સાંજના સમયનુ તથા રાત્રિના સમયનું મહત્‍વ વધારે છે આથી બુધવારે બપોરથી કાળી ચૌદશ છે.

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્‍ણએ નરકાસુર નામના અસુરનો વધ કરી ને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. અને આ દિવસને નાની દિવાળી પણ કહેવામાં આવે છે તે ઉપરાંત આ દિવસને રૂપચતુર્દશી પણ કહેવામાં આવે છે

કાળી ચૌદશના દિવસે અભ્‍યંગ સ્‍નાન ગુરુવારે સવારે નિત્‍ય કર્મ કરી તલનું તેલ શરીરે ચોપડી ત્‍યારબાદ સ્‍નાન કરવાની અભ્‍યગ સ્‍નાન કહેવાય છે આનાથી આરોગ્‍ય સારું રહે છે, ત્‍યારબાદ પિતૃતર્પણ કરી શકાય, કાળી ચૌદશના દિવસે દરેક તેલમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે અને જળમાં ગંગાજીનો વાસ હોય છે . આથી તેલ ચોપડી સ્‍નાન કરી અને તર્પણ કરવાથી પિતૃઓના આશિર્વાદ મળે છે અને આરોગ્‍ય પણ સારું રહે છે.

કાળીચૌદસ ના નિવેદ કયા સમયે કરવા તેની જાણકારીઃ કાળી ચૌદશ તિથીની શરૂઆત આજે બુધવારે બપોરના ૧.૧૬ થી થશે જે ગુરુવારે બપોરના ૩.૫૩ સુધી ચાલશે આથી કાળી ચૌદશના નૈવેદ્ય નુ મહત્‍વ આ રીતના રહેશે કાળી ચૌદશ ના દિવસે સુરાપુરા અને કુળદેવીને નૈવેદ્ય ધરાવાનુ પણ મહત્‍વ છે.

જે લોકોને સાંજ રાત્રી ના નૈવેદ્ય થતા હોય તેઓએ બુધવારે સાંજ રાત્રી ના નૈવેદ્ય કરવા અને જે લોકો ને બપોર ના નૈવેદ્ય થતા હોય તેઓ એ ગુરુવારના બપોર ના નૈવેદ્ય કરવા. ઉત્તમ રહેશે.

કાળી ચૌદસના રાત્રે  વડા બનાવવા નો રિવાજ છે અને ખાસ કરીને તળેલી વસ્‍તુઓ બનાવીને ખાવામાં આવે છે. એમ માનવામા આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે એવી માન્‍યતા છે. રાત્રે બહેનો કાણા પાડેલ અડદના વડા અને પુરી બનાવી અને ચાર ચોકે મૂકવા જાય છે એમ માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાંથી કકળાટ ચાલ્‍યો જાય છે અને ઘરમાં શાંતિ રહે છે.

કાળી ચૌદશના દિવસે કરેલ મંત્ર ઉપાસના જલદી સિદ્ધ થાય છે . કાળી ચૌદશના દિવસે હનુમાન ચાલીસાના ૧૧ અથવા ૨૧ પાઠ કરવા અને હનુમાનજી દાદાને તેલ સિંદૂર અને અડદ ચડાવવા જીવનમાં રાહત મળશે અથવા તો સુંદરકાંડના પાઠ કરવા જોઈએ તે ઉપરાંત કાલ ભૈરવ ઉપાસના બગલામુખી ઉપાસના કરવી ઉત્તમ છે. કાળી ચૌદસ ની રાત્રી સમયે તાંત્રિક લોકો તંત્ર ઉપાસના કરતા હોય છે અને સિદ્ધિ મેળવતા હોય છે જોકે પુરાણો પ્રમાણે સાત્‍વિક ઉપાસના જ સૌથી વધારે શ્રેષ્ઠ ગણેલ છે.

આજે બુધવારે કાળી ચૌદસના  સાંજના સમયે ઘર માં  પૂજા મંદિર રાખેલ હોય ત્‍યાં પાસે યમદેવના ફૂલવાટ બનાવી અને ૧૪ તેલ દીવા કરવા તલનું તેલ હોય તો વધારે સારું રહેશે દીવા મા બીજુ પણ શુદ્ધ તેલ ચાલે પ્રાર્થના કરવી અમારા પરિવારજનો ને અને મને યમ યાતના ના મળે આમ કરવાથી યમ યાતના મળતી નથી અને રક્ષા પણ થાય છે અને આરોગ્‍ય પણ સારું રહે છે.

મકર, કુંભ. મીન  રાશી ના લોકોને સાડા સાતી ચાલી રહી છે. તેમણે હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી પનોતીમાં રાહત મળશે.

તે ઉપરાંત બુધવાર રાહુ ગ્રહની ઉપાસનાનો વાર છે અને બુધવારે કાળી ચૌદસ હોવા થી મેષ રાશિના જાતકોને બારમે રાહુ ચાલી રહ્યો છે આથી બુધવારે કાળી ચૌદસના દિવસે રાહુના જપ કરવા મહાદેવજીની ઉપાસના કરવી રાહુ પીડામાંથી શાંતિ આપશે. (૨૨.૧૪)

- શાસ્ત્રી

રાજદીપ જોષી (વેદાંત રત્‍ન)

મો. ૯૯૨૫૬ ૧૧૯૭૭

(1:52 PM IST)