News of Wednesday, 30th October 2024
કુવાડવા રોડ પર કારખાનેદાર-હોટેલ સંચાલક એસપીજીના રાજકોટ શહેર પ્રમુખ પર ચાલુ બાઇકે ધોકાથી હુમલો
વ્યાજખોરીની ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી વિશાલ રાબડીયા પર હીચકારો હુમલોઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો : આર્યનગરના ધીરૂ ટોળીયા અને અજાણ્યાએ પીછો કરી જલાલશા પીરની દરગાહ પાસે ધોકાવાળી કરતાં અર્ધબેભાન થઇ ગયાઃ છ લાખ સામે ૧૧.૭૮ લાખ ચુકવ્યા છતાં વ્યાજ મુળીની ઉઘરાણી થતી હોઇ અગાઉ ધીરૂ વિરૂધ્ધ બી-ડિવીઝનમાં ફરિયાદ કરી હતી

રાજકોટ તા. ૩૦: શહેરમાં વ્યાજખોરીના બનાવ અવાર-નવાર બને છે. વ્યાજની ઉઘરાણી માટે અને વ્યાજખોરીની ફરિયાદ કરી હોઇ તો તેનો ખાર રાખી જે તે લેણદાર ઘણીવાર હુમલા પણ કરતાં હોય છે. સામા કાંઠે ઇમિટેશનનું કારખાનુ ચલાવતાં અને માલિયાસણ ચોકડીએ હોટેલ ધરાવતાં તેમજ સરદાર પટેલ સેવાદળ (એસપીજી)ના રાજકોટ શહેર પ્રમુખને રાતે તે ટુવ્હીલર પર પોતાની હોટેલ ખાતે જતાં હતાં ત્યારે કુવાડવા રોડ જલાલશા પીરની દરગાહ પાસે તેના પર બાઇકમાં આવેલા બે પૈકી પાછળ બેઠેલા શખ્સે ધોકાથી હુમલો કરી પછાડી દઇ પડી ગયા પછી પણ આડેધડ માર મારી અર્ધબેભાન જેવો કરી નાખતા હોસ્પિટલમાં દાખલ થવુ પડયું હતું. બે મહિના પહેલા જેના વિરૂધ્ધ વ્યાજખોરીની ફરિયાદ કરી હતી એ શખ્સ તથા અજાણ્યાએ આ હુમલો કર્યો હતો.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે મોરબી રોડ ન્યુ સેટેલાઇટ ચોક રાજમોતી સોસાયટીમાં રહેતાં અને ઇમિટેશનનો ધંધો કરવા સાથે રાજકોટ અમદાવાદ હાઇવે પર માલિયાસણ ચોકડી પાસે યુકે બાઇટ નામે હોટેલ ચલાવતાં વિશાલભાઇ કાંતિભાઇ રીબડીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી સામા કાંઠે આર્યનગર-૩માં મગનભાઇની મીલવાળી શેરીમાં રહેતાં ધીરૂ ટોળીયા અને અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
વિશાલભાઇ રાબડીયા રાતે સાડા નવેક વાગ્યે સાત હનુમાથી આગળ ગેસના પ્લાન્ટ નજીક દરગાહ પાસે બાઇક લઇને જતો હતો ત્યારે પાછળ ધીરૂ અને અજાણ્યાએ બાઇક પર આવી ચાલુ બાઇકે જ ધોકાવાળી કરતાં વિશાલને ઇજાઓ થતાં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોર ધીરૂ અને અજાણ્યો ભાગી ગયા હતાં. વિશાલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં એએસઆઇ પ્રવિણભાઇ આર. મકવાણાએ હોસ્પિટલે આવી પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં ગુનો નોંધ્યો હતો.
વિશાલભાઇએ જણાવ્યું હતું કે હું રાતે સાડા નવેક વાગ્યે પેડક રોડ પર મારુ ઇમિટેશનનું કારખાનુ છે તયાંથી મારી હોટેલ કે જે માલિયાસણ ચોકડીએ છે ત્યાં જવા નીકળ્યો હતો. સાત હનુમાન મંદિર પછી રવેચી હોટેલ સામે પૂલ નીચે રોંગ સાઇડમાં હું બેટરીવાળુ બાઇક હંકારીને જતો હતો તે વખતે જલાલશા પીરની દરગાહ પાસે પહોંચતા પાછળથી એક બાઇકમાં ધીરૂ ટોળીયા અને અજાણ્યો શખ્સ આવ્યા હતાં. ધીરૂ તેમાં પાછળ બેઠો હતો. તેણે ચાલુ બાઇકે જ મને માથા પાછી ધોકો ફટકારતાં તમ્મર ચડી જતાં હું મારા બાઇક સહિત પડી ગયો હતો.
આ વખતે ધીરૂને મેં મને મારો નહિ તેવી વિનંતી કરવા છતાં તેણે ધોકાથી માર માર્યો હતો. આ વખતે મેં મિત્ર રાહુલ અકબરીને ફોન કરી દીધો હતો. ત્યારે પણ ધીરૂ અને અજાણ્યએ મને મારકુટ ચાલુ રાખતાં હુ઼ અર્ધબેભાન જેવો થઇ ગયો હતો. એ પછી દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં આ બંને ભાગી ગયા હતાં. મારો મોબાઇલ ફોન ચાલુ હોઇ કોઇએ તેમાં મારા ભાઇ રાહુલને ફોન જોડી જતા રાહુલ આવી ગયો હતો અને ત્યારે કોઇએ ૧૦૦ નંબર તથા ૧૦૮ને પણ જાણ કરી દીધી હતી. બાદમાં મને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાઇકચાલકને હું ઓળખતો નથી, પાછળ ધીરૂ ટોળીયા બેઠો હતો જે આર્યનગર-૩માં રહે છે. મેં બે મહિના પહેલા ધીરૂ વ્યાજખોરીની ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી તેણે મારો પીછો કરી ચાલુ વાહને જ ધોકાવાળી કરી હતી. જેમાં મને માથા, શરીરે, હાથે-પગે ઇજાઓ થઇ હતી. માથામાં ટાંકા આવ્યા હતાં.
વિશાલભાઇએ કહ્યું હતું કે હું સરદાર પટેલ સેવાદળમાં રાજકોટ શહેર પ્રમુખનો હોદ્દો પણ ધરાવું છું. મેં ધંધાના કામ માટે ધીરૂ ટોળીયા પાસેથી છ લાખ બે કટકે વ્યાજે લઇ તેની સામે ૧૧.૭૮ લાખ ચુકવી દીધા છતાં તેણે વ્યાજ અને મુળીની ઉઘરાણી ચાલુ રાખતાં મેં તેના વિરૂધ્ધ બી-ડિવીઝનમાં ફરિયાદ કરી હતી. તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
(3:03 PM IST)










