તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
ટૂર સંચાલકના ઘર પાછળના ગોડાઉનમાં માલવાહક લિફટમાં ફસાઇ જતાં નવાગામના રેખાબેનનું મોત
૧૫૦ ફુટ રીંગ રોડ પર નાગરિક બેંકવાળી શેરીમાં બનાવઃ કટરથી લોખંડના ગડર કાપી મહિલાને બહાર કઢાયા

રાજકોટ તા. ૩૧: શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે ૧૫૦ રીંગ રોડ પર નાગરિક બેંકવાળી શેરીમાં આવેલા ટુર ટ્રાવેલ્સ સંચાલકના ઘરે કામ કરવા આવતાં નવાગામના મહિલા રાતે દસેક વાગ્યે આ મકાનના પાછળના ભાગે ફળીયામાં આવેલી માલવાહક લિફટમાં ફસાઇ જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. મહિલા એવી રીતે ફસાઇ ગયા હતાં કે માથુ નીચે હતું અને પગ ઉપરની સાઇડમાં હતાં. ઇલેક્ટ્રીક કટરથી લોખંડના ગડર કાપીને તેમને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અીમ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું.
જાણવા મળ્યા મુજબ નવાગામ માંધાતા સોસાયટીમાં રહેતાં રેખાબેન શૈલેષભાઇ રાવરાણી (ઉ.વ.૩૭) ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાગરિક બેંકવાળી શેરીમાં ટૂર ટ્રાવેલ્સના સંચાલક શૈલેષભાઇ પાંભરના ઘરે પાછળના ફળીયાના ભાગે માલવાહક લિફટ પાસે ઉભા રહીને નાસ્તો કરી રહ્યા હતાં ત્યારે એકાએક માલવાહક લિફટ ચાલુ થતાં તેમાં ફસાઇ ગયા હતાં. બનાવને પગલે દોડધામ મચી ગઇ હતી અને લોકો પણ ભેગા થઇ ગયા હતાં. નજીકમાં ગેરેજ હોઇ ત્યાંથી કોઇ કટર લાવ્યું હતું અને ફસાયેલા રેખાબેનને લિફટના લોખંડના ગડર કાપી બહાર કાઢયા હતાં. બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. મનોજભાઇ મકવાણા તથા રાઇટર જયદિપભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રેખાબેનના પતિ વાળંદ કામ કરે છે. રેખાબેન ટૂર ટ્રાવેલ્સ ઓપરેટર શૈલેષભાઇ સાથે યાત્રા ટૂરમાં વડિલોની દેખરેખ અને રસોઇનું કામ કરવા માટે જતાં હતાં. દિવાળીના તહેવારમાં આ બનાવ બનતાં બે સંતાને માતા ગુમાવી દેતાં રાવરાણી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. રેખાબેન કઇ રીતે ફસાઇ ગયા હતાં તે દ્રશ્ય પ્રથમ તસ્વીરમાં અને એકઠા થયેલા લોકો બીજી તસ્વીરમાં જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
(2:53 PM IST)










