<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

પ્રખ્‍યાત સંગીતકાર શંકર - જયકિશનની જોડી બનવાથી લઇ તૂટવા સાથે મોત પણ દર્દનાક મળ્‍યું

કામ શોધતા બંને એક દિવસ ફિલ્‍મ નિર્દેશકની ઓફિસમાં મળ્‍યા અને મિત્રતા થઇ : શંકરસિંહ રઘુવંશીને ભણવામા મન લાગતું નહી : તબલા વગાડવાનું મન થયું તો તબલા શીખ્‍યા : જયારે જયકિશન ડાયાભાઈ પંચાલ હાર્મોનિયમ વગાડવામાં એટલા નિપુણ હતા કે તેમની સાથે કોઈ સ્‍પર્ધા કરી શકે તેમ નહતું : તેઓનું સપનું હીરો બનવાનું હતું : શંકર જયકિશન શૈલેન્‍દ્ર અને હસરત જયપુરીની કલમથી જ ગીતો લખાવતા : જયકિશનની જોડી થઈ ત્‍યારે બંનેએ એકબીજાને વચન આપ્‍યું હતું. પણ એક દિવસ જયકિશનજીએ વચન તોડ્‍યું અને... : મોહમ્‍મદ રફીએ આ અણબનાવને દૂર કરવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ ધીમે ધીમે આ અણબનાવ ખાઇ બની ગયો અને શંકર જયકિશનની જોડી : બહુ ઓછા લોકો જાણતા હશે કે લતાજી અન્‍ય ગાયકોની શૈલીની નકલ કરીને ગાતા હતા : શંકર જયકિશન જ હતા જેમણે લતાજીને સૌપ્રથમ પોતાની શૈલીમાં અને પોતાના અવાજમાં ગાવાનું કહ્યું હતું

૫૦ અને ૬૦ ના દાયકામાં હિન્‍દી સિનેમાના સુવર્ણ યુગ દરમિયાન, બે સંગીતકારોની જોડીએ સમગ્ર બોલિવૂડમાં હલચલ મચાવી હતી. શંકર જય કિશન એવા સંગીતકાર છે જેમના ગીતો પર આધારિત ફિલ્‍મો હિટ નહીં સુપરહિટ બની જતી. એ જોડી જેના ગીતો ગાઈને લતા મંગેશકર સૂરોની મલ્લિકા બની ગયા. જેમના ગીતોએ મોહમ્‍મદ રફી અને મુકેશને આખી દુનિયામાં પ્રખ્‍યાત કર્યા હતા. એ મહાન સંગીતકાર જેના બળ પર રાજ કપૂર હિન્‍દી સિનેમાના શોમેન બની ગયા. એવા સંગીતકારો કે જેમના ગીતોમાં આગળ કે પાછળ કોઇ નહતુ પરંતુ શું તમે જાણો છો કે આ મહાન સંગીતકારોનો અંત કેટલો દર્દનાક હતો? કયા મુદ્દે બંને વચ્‍ચે એટલી દુશ્‍મની થઈ ગઈ કે તેમની મશહૂર જોડી તૂટી ગઇ? શંકર જયકિશનની જોડી બનવાથી લઈને જોડી તૂટવા અને તેમના દુઃખદાયક અંત સુધીની સફર પણ ગજબ હતી.

વર્ષ ૧૯૪૯ માં રાજ કપૂર નરગીસની ફિલ્‍મ બરસાતમાં ૧૦ ગીતો હતા. જે તમામ સુપરહિટ હતા. ખાસ કરીને ‘હવામેં ઊડતા જાયે લાલ દુપટ્ટા' અને ‘બરસાત મેં હમસે મીલે' ગીતો આખા ભારતમાં ગુંજવા લાગ્‍યા. આ પછી ૧૯૫૧ માં રાજ કપૂર અને નરગીસની ફિલ્‍મ આવારા આવી. આ વખતે મુકેશે ગાયેલા ‘આવારા હૂં...'  ગીતની લોકપ્રિયતા રશિયા સુધી પહોંચી હતી. લોકો આશ્ચર્યમાં પડી ગયા અને પૂછવા લાગ્‍યા કે આવું કાલાતીત સંગીત કોણ બનાવે છે? ત્‍યારે દુનિયાને પહેલીવાર ખબર પડી કે શંકર જયકિશન નામના બે નવા છોકરાઓની જોડી હિન્‍દી સિનેમામાં આવી છે. હવે સવાલ એ ઊભો થયો કે આ બંને ક્‍યાંથી આવ્‍યા અને કેવી રીતે જોડી બની?

૧૫ ઓક્‍ટોબર ૧૯૨૨ ના રોજ પંજાબમાં જન્‍મેલા શંકરસિંહ રઘુવંશીને પાછળથી તેમના પિતા હૈદરાબાદ લાવ્‍યા અને અહીં જ મોટા થયા. ભણવામા મન લાગતું નહીં. તબલા વગાડવાનું મન થયું તો તબલા શીખ્‍યા. જયારે તે મોટા થયા ત્‍યારે તેઓ કામની શોધમાં બોમ્‍બે પહોંચ્‍યા અને સદભાગ્‍યે તે પ્રખ્‍યાત અભિનેતા સપ્રુની પત્‍ની હેમવતીને મળ્‍યા. જેઓ થિયેટર ચલાવતા હતા. તેઓ થિયેટરમાં જોડાયા જયાં તબલા વગાડ્‍યા અને સંગીત કમ્‍પોઝ કરવાનું પણ શરૂ કર્યું. થોડા સમય પછી તેમને પ્રખ્‍યાત પૃથ્‍વી થિયેટરમાં તબલાવાદક તરીકે નોકરી મળી. જયાં તબલા વગાડવાનું શરૂ કર્યું. એ વાતથી સાવ અજાણ કે તેમનો સાથી પણ ક્‍યાંક દૂર મોટી ઉડાન માટે તૈયાર થઈ રહ્યો હતો અને તે હતા જયકિશન ડાયાભાઈ પંચાલ. ૪ નવેમ્‍બર ૧૯૨૯ ના રોજ ગુજરાતમાં જન્‍મેલ જયકિશન બાળપણથી જ સંગીત પ્રેમી હતા અને હાર્મોનિયમ વગાડવામાં એટલા નિપુણ હતા કે તેમની સાથે કોઈ સ્‍પર્ધા કરી શકે તેમ નહતું. બાય ધ વે, જયકિશનનું સપનું હીરો બનવાનું હતું. આ કારણોસર તેઓ ૧૯૪૬-૪૭માં બોમ્‍બે આવ્‍યા હતા. પરંતુ નસીબમાં કંઈક બીજું જ હતું. તે કામની શોધમાં ડિરેક્‍ટરોના ચક્કર લગાવતા હતા. એક દિવસ પ્રસિદ્ધ ફિલ્‍મ નિર્દેશક ચંદ્રવાની ઓફિસમાં આવ્‍યા જયાં રાહ જોતા હતા ત્‍યારે અચાનક તેમની નજર સામે બેઠેલા યુવાન પર પડી. વાત કરતી વખતે જયારે તેનું નામ પૂછવામાં આવ્‍યું તો તેમણે શંકરસિંહ રઘુવંશી કહ્યું. બંનેને સંગીતમાં રસ હતો તેથી મિત્રતા બનતા વધારે સમય ન લાગ્‍યો. શંકરજીને ખબર પડી કે જયકિશન કામ શોધી રહ્યા છે. તો તેમણે કહ્યું હું પૃથ્‍વી થિયેટરમાં તબલા વગાડું છું. તો જયકિશનજીએ કહ્યું હું હાર્મોનિયમમાં માસ્‍ટર છું. શંકરજીએ સહજતાથી કહ્યું હું પૃથ્‍વી થિયેટરમાં તમારા માટે વાત કરીશ. કામ થઇ ગયું અને જયકિશન પૃથ્‍વી થિયેટરમાં હાર્મોનિયમ વાદક તરીકે કામ કરવા લાગ્‍યા. પરંતુ આ બંનેનુ નામ હજી આખી દુનિયામાં થવાનું બાકી હતુ.

 રાજ કપૂર દ્વારા મળેલી ફિલ્‍મોમાં અદભૂત સંગીત આપી સંગીત જગતમાં ઇતિહાસ રચ્‍યો. શંકર જયકિશન શૈલેન્‍દ્ર અને હસરત જયપુરીની કલમથી જ ગીતો લખાવતા. લતાજી, મુકેશ અને રફી સાહેબનો અવાજ રહેતો અને તેઓ પોતાના સંગીતના જાદુથી રાજ કરવા લાગ્‍યા. બહુ ઓછા લોકો જાણતા હશે કે લતાજી અન્‍ય ગાયકોની શૈલીની નકલ કરીને ગાતા હતા. શંકર જયકિશન જ હતા જેમણે લતાજીને સૌપ્રથમ પોતાની શૈલીમાં અને પોતાના અવાજમાં ગાવાનું કહ્યું હતું. તેમણે જ રાજ કપૂરને બરસાતમાં લતાજીના આઠ ગીતો આપવાનો આગ્રહ કર્યો હતો. પછી લતાજીને લતા મંગેશકર બનતા વધારે સમય ન લાગ્‍યો. માત્ર લતાજી જ નહીં મોહમ્‍મદ રફી અને મુકેશનો સુરીલો અવાજ તેમના દ્વારા રચિત ગીતો દ્વારા વિશ્વ સુધી પહોંચ્‍યો હતો.

બિનાકા ગીત માલામાં શંકર જયકિશન દ્વારા રચિત છ ગીતોને દેશમાં સૌથી વધુ લોકપ્રિય જાહેર કરવામાં આવ્‍યા હતા. શ્રી ૪૨૦ ના મેરા જૂતા હૈ જાપાનીઝ, સસુરાલ ફિલ્‍મનું તેરી પ્‍યારી-પ્‍યારી સુરત કો કિસી કી નઝર ના લગે, ફિલ્‍મ જંગલીનું અહેસાન તેરા હોગા મુઝ પર, ફિલ્‍મ સંગમનું બોલ રાધા બોલ, બહારોં ફૂલ બરસાઓ અને અંદાજ ફિલ્‍મમાંથી ઝિંદગી એક સફર હૈ સુહાના.. આ ગીતોનો બિનાકા ગીત માલાની યાદીમાં છ વખત ટોપ કરવાનો રેકોર્ડ આજ સુધી અકબંધ છે.

૫૦ અને ૬૦ના દાયકામાં ૨૦ વર્ષ સુધી શંકર જયકિશનની જોડીએ બોલિવૂડની દુનિયા પર રાજ કર્યું. તે સમયે તેની ફી હજારો નહીં પણ લાખોમાં પહોંચી ગઈ હતી. આદર એટલો હતો કે કોઇ રેસ્‍ટોરન્‍ટને જાણ થતી કે તેઓ ત્‍યાં જમવા જઈ રહ્યા છે તો આખી હોટેલ તેમના માટે આરક્ષિત થઈ જતી. આ જોડીની આગળ-પાછળ મોટા મોટા ગાયકો આંટા મારતા. પણ મિત્રો, પછી શું થયું કે બંનેના જીવનનો દુઃખદ અંત આવ્‍યો? વાસ્‍તવમાં આ બધું તેમની જોડી તુટવાનું પરિણામ હતું પણ કેવી રીતે?

થયું એવું કે જયારે શંકર અને જયકિશનની જોડી થઈ ત્‍યારે બંનેએ એકબીજાને વચન આપ્‍યું હતું. વચન એ હતું કે તેમનું કોઈ પણ ગીત ગમે તેટલું પ્રખ્‍યાત થઈ જાય પણ દુનિયાને એ ખબર નહીં પડે કે સંગીત કોણે આપ્‍યું છે. ગમે તે થાય દરેક ગીત શંકર જયકિશનનું જ હશે. પણ એક દિવસ જયકિશનજીએ વચન તોડ્‍યું. રાજ કપૂરની ફિલ્‍મ સંગમ ૧૯૬૪માં રિલીઝ થઈ હતી. તેમનું એક ગીત હતું ‘યહ મેરા પ્રેમપત્ર પઢકર કિ તુમ નારાઝ ના હોના...'  આ ગીતની ટ્‍યુન જયકિશન દ્વારા બનાવવામાં આવી હતી. પરંતુ દુનિયાને માત્ર એટલી જ ખબર હતી કે આ ગીત શંકર જયકિશનનું છે. પરંતુ એક દિવસ ફેમસ ફિલ્‍મફેર મેગેઝીનમાં જય કિશનનો ઈન્‍ટરવ્‍યુ ચાલી રહ્યો હતો. ખબર નહીં શું થયું તેમણે પોતાનું વચન તોડ્‍યું અને કહ્યું કે તેમણે આ ગીતની ટ્‍યુન કમ્‍પોઝ કરી છે. શંકરસિંહે આ ઈન્‍ટરવ્‍યુ જોયો કે તરત જ તેઓ ગુસ્‍સે થઈ ગયા પરંતુ જય કિશનની છેતરપિંડીથી તેમનું દિલ તૂટી ગયું. અહીંથી જ તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. મોહમ્‍મદ રફીએ આ અણબનાવને દૂર કરવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ ધીમે ધીમે આ અણબનાવ ખાઇ બની ગયો અને શંકર જયકિશનની જોડી તૂટી ગઈ. જોકે એક વાત એવી પણ છે કે, ગાયિકા શારદાને શંકરજી લાવ્‍યા હતા પરંતુ જયકિશનને શારદાના અવાજ અને ગાયકિ પર એટલો વિશ્વાસ નહોતો. જેથી તેઓ શારદાને પસંદ કરતા નહીં. જોકે શંકરજીએ જયકિશનની ભાવનાઓની પરવાહ કરી નહી એટલે જયકિશનજીએ પોતાનું વચન તોડ્‍યુ એવું કારણ પણ હોઇ શકે.

 જોડી તુટવાનું દુઃખે જયકિશનજીના મનમાં મોટો ઘા છોડી દીધો. પહેલા તેઓ થોડો દારૂ પીતા હતા પરંતુ હવે તેમણે પોતાનું દુઃખ ભૂલવા માટે ખૂબ પીવાનું શરૂ કર્યું. તેમણે એટલો દારૂ પીધો કે તેમનું લીવર ખરાબ થવા લાગ્‍યું. ડોક્‍ટરોએ તેમને મનાઈ કરી હતી પરંતુ તેઓ માન્‍યા નહતા અને આલ્‍કોહોલથી આખું લિવર સડી ગયું હતું. તેમને લિવર સિરોસિસ એક ગંભીર રોગ બની ગયો. જયકિશનજીની હાલત અંતિમ ક્ષણોમાં ખૂબ જ દયનીય બની ગઈ હતી. કંઈ ખાઈ પણ નહોતા શકતા અને જો ખાઇ તો ઉલટી થઈ જતી. પીડા એટલી તીવ્ર હતી કે મૃત્‍યુ જેવું લાગ્‍યું. ત્‍યારબાદ ૧૨ સપ્‍ટેમ્‍બર ૧૯૭૧ના રોજ માત્ર ૪૧ વર્ષના જયકિશનજીનું દુઃખદ મૃત્‍યુ થયું.

જયકિશન સાથે જોડી તૂટ્‍યા પછી અને તેના મૃત્‍યુ પછી શંકરસિંહ રઘુવંશીના ખરાબ દિવસો પણ શરૂ થયા. રાજ કપૂર જેમણે તેમના વિના સંગીત આપ્‍યું નહતું તેમણે શંકર તરફ પીઠ ફેરવી અને તેમની ફિલ્‍મો માટે બીજા સંગીતકારની પસંદગી કરી. બોલિવૂડ મ્‍યુઝિકની દુનિયામાં એક સમયે જોરદાર હિટ થનારી વ્‍યક્‍તિને હવે કામ મળવું મુશ્‍કેલ થઈ ગયું. મજબૂરીમાં તેમણે બીજા દરની ફિલ્‍મો માટે સંગીત બનાવવાનું શરૂ કર્યું. ત્‍યાં કોઈ નામ, કોઈ પદ, કોઈ માન નહોતું અને જયારે મૃત્‍યુ આવ્‍યું ત્‍યારે ચકીત કરી ગઇ. દિવસ હતો ૨૫ એપ્રિલ ૧૯૮૭. શંકરસિંહ રઘુવંશી તેમના જૂના મિત્ર ચંદ્રકાંત ભોસલે સાથે રાત્રે ઘરે આવી રહ્યા હતા. ભોસલેને ઉતારી ઘર તરફ ગયા. બીજા દિવસે ૨૬જ્રાક એપ્રિલે ચંદ્રકાંત રસ્‍તા પર તેની રાહ જોવા લાગ્‍યા. બંને સાથે સ્‍ટુડિયો જતા હતા. પરંતુ લાંબી રાહ જોયા પછી પણ જયારે શંકરજી ન આવ્‍યા ત્‍યારે ભોસલે ટેક્‍સી લઈને સ્‍ટુડિયો પહોંચ્‍યા. પણ તેને નવાઈ લાગી કે શંકરજી ત્‍યાં પણ નહોતા. આખો દિવસ રાહ જોયા પછી બધા ઘરે જવા નીકળ્‍યા. બીજે દિવસે ચંદ્રકાંત ભોસલેએ અખબાર ઉપાડ્‍યું ત્‍યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ૬૪ વર્ષના સ્‍વસ્‍થ શંકરસિંહ રઘુવંશીનું રહસ્‍યમય રીતે મૃત્‍યુ થયું હતું. કોઈને ખબર ન હતી કે કેવી રીતે. બધાને નવાઈ લાગી કે આ ભલા માણસને અચાનક શું થઈ ગયું? સૌથી મોટી વાત એ છે કે આટલા પ્રખ્‍યાત સંગીતકારના મૃત્‍યુ વિશે પરિવારના સભ્‍યોએ કોઈને જાણ પણ કેમ ન કરી? આ રહસ્‍ય ક્‍યારેય જાહેર થયું ન હતું. હા થોડા સમય પછી તેના ઘરમાં કામ કરતા રસોઈયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે સંગીતકાર શંકરના અંતિમ સંસ્‍કાર ખૂબ જ આનંદ સાથે કરવામાં આવ્‍યા હતા. હકીકતમાં કેટલાક નજીકના સંબંધીઓ સિવાય પરિવારે તેમના મૃત્‍યુ વિશે કોઈને જાણ પણ કરી ન હતી. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે શંકરજીએ એક વિધવા સાથે લગ્ન કર્યા હતા અને તે તેના બાળકો સાથે તેની સાથે રહેતી હતી. તેમના મૃત્‍યુનું સત્‍ય કોઈ જાણી શક્‍યું નહીં. પરંતુ બોલિવૂડના બે મહાન સંગીતકાર શંકર જયકિશનનો અંત આ રીતે થશે એવું કોઈએ વિચાર્યું ન હતું.

 

શંકર જયકિશનની જોડી ક્‍યારેય

તૂટી નથી..!

કહેવાય છે કે, શંકર જયકિશનની જોડી ક્‍યારેય તૂટી નથી. વ્‍યસ્‍તતાને કારણે શંકર સ્‍ટુડિયોમાં અને જયકિશને ઘરે સંગીત બનાવવા લાગ્‍યા હતા અને બંનેએ અલગ-અલગ બનાવેલી ધુનો ફાઇનલ બંને સાથે મળી ને કરતા. દારૂનું વ્‍યસન ખૂબ જ ખરાબ છે અને પીનારને વધુ પીવા માટે બહાનાની જરૂર પડે છે. શંકર અને જયકિશન વચ્‍ચેના સંબંધોમાં ખટાશ જયકિશનજીની પત્‍નીને કારણે હોઈ શકે છે. કારણ એ આવ્‍યું કે તે એક મોટા ઉદ્યોગપતિની દીકરી હતી અને જયકિશન એકદમ સામાન્‍ય પરિવારમાંથી હતા. શંકરે જયકિશનને લગ્ન ન કરવાની સલાહ આપી હતી. પણ તેઓ સંમત નહોતા. જોકે શંકરે જયકિશનના લગ્નમાં તેની પત્‍નીના પિતાની ફરજ બજાવી હતી. તે ક્‍યારેય જયકિશનના ઘરે ગયા નહોતા. મોટા પરિવારની છોકરીઓ ખૂબ જ ઘમંડી હોય છે કદાચ તેથી જ જયકિશન શંકરથી દૂર રહેતાં વધુ દારૂ પીવા લાગ્‍યા હતા.

 

આ રીતે બન્‍યું પ્રસિધ્‍ધ ગીત ‘મુડ મુડ કે ના દેખ...'

એક પ્રખ્‍યાત ગીત એવી રીતે બનાવવામાં આવ્‍યું હતું કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. જયકિશનજી એક રમુજી વ્‍યક્‍તિ હતા. એકવાર તેઓ ચર્ચ ગેટ પાસે એક રેસ્‍ટોરન્‍ટની બહાર બેઠા હતા અને રાજ કપૂર સાથે ચા પી રહ્યા હતા. અચાનક કોલેજની છોકરીઓ ત્‍યાંથી પસાર થઈ. એક છોકરી વારંવાર પાછળ વળીને જોતી હતી. જયારે જયકિશનજીએ તેની તરફ જોયું અને બોલી ઉઠ્‍યા ‘મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે' રાજ કપૂરને આ પંક્‍તિ ગમી અને કહ્યું મારે આના પર એક ગીત જોઈએ છે. ત્‍યારે જ ફિલ્‍માવાયેલ શ્રી ૪૨૦ નું આ ગીત ‘મડ-મુડ કે ના દેખ મુડ-મડ કે' નાદિરા અને રાજ કપૂર પર રચાયું હતું.

 

શંકર - જયકિશને આ રીતે રચ્‍યો ઇતિહાસ...

બિનાકા ગીત માલામાં શંકર જયકિશન દ્વારા રચિત છ ગીતોને દેશમાં સૌથી વધુ લોકપ્રિય જાહેર કરવામાં આવ્‍યા હતા : ૫૦ અને ૬૦ના દાયકામાં ૨૦ વર્ષ સુધી શંકર જયકિશનની જોડીએ બોલિવૂડની દુનિયા પર રાજ કર્યું તે સમયે તેની  ફી હજારો નહીં  : પણ લાખોમાં પહોંચી ગઈ હતી

થયું એવું કે એ દિવસોમાં રામ ગાંગુલી રાજ કપૂરના પ્રિય સંગીત નિર્દેશક હતા. કપૂર પરિવારની કોઈપણ ફિલ્‍મ હોય સંગીત હંમેશા રામનું જ હોય. રાજ કપૂર એક ફિલ્‍મ બનાવી રહ્યા હતા. શંકર જયકિશને કહ્યું અમને પણ રામ ગાંગુલીના સહાયક બનાવો. રાજ કપૂર સહમત થયા. વર્ષ ૧૯૪૮માં ફિલ્‍મ ‘આગ' આવી હતી. સંગીત કંઈક અલગ હતું. રાજ કપૂર સમજી ગયા સંગીતમાં પરિવર્તન શંકર જયકિશનના કારણે દેખાઈ રહ્યુ છે. પછી જયારે રાજ કપૂરે ફિલ્‍મ બરસાત બનાવી ત્‍યારે તેમણે શંકર જયકિશનને પહેલીવાર સંગીત નિર્દેશક બનાવ્‍યા. તેમણે હલચલ મચાવી દીધી. જે પછી ફિલ્‍મ ‘આવારા' એ ઈતિહાસ રચ્‍યો.

હવે રાજ કપૂરે જાહેરાત કરી કે હવે મારી જે ફિલ્‍મ બનશે તેમાં સંગીત શંકર જયકિશનનું હશે. પછી ઈતિહાસ બનવો શરૂ થઇ ગયો. જયારે શ્રી ૪૨૦ ના ગીતો ૧૯૫૫ માં બહાર આવ્‍યા જેમ કે ‘દિલ કા હાલ સુને દિલ વાલા', ‘મેરા જૂતા હૈ જાપાની', ‘પ્‍યાર હુઆ ઇકરાર હુઆ', ‘મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે', ‘રમૈયા વસ્‍તાવૈયા', ‘ઇચક દાના બિચક દાના'.. વગેરે એ હિન્‍દી સિનેમામાં ઇતિહાસ રચી

(12:46 PM IST)