News of Wednesday, 6th November 2024
દિવાળીના તહેવારમાં રાજકોટ આસપાસ વાહન અકસ્માતમાં પાંચ લોકોના જીવ ગયા
ન્યારા પાસે કારે એક્ટીવાને ઉલાળતાં દંપતિને ઇજાઃ ૮ વર્ષના પુત્ર પ્રિન્સનું મોતઃ લાખણકા પાસે રિક્ષાએ બાઇકને ટક્કર મારતાં નવાગામના વિજયનું મોતઃ કુચીયાદળ પાસે બસની ઠોકરે ટેક્સીચાલક યુવાનનું મોતઃ નવાગામ પાસે બાઇક સ્લીપ થતાં યુવાનનું મોતઃ પારડી પાસે અકસ્માતમાં યુવાનનું મોત

રાજકોટ તા. ૬: દિવાળી, નવા વર્ષના તહેવારમાં રાજકોટ તથા આસપાસના વિસ્તારોમાં વાહન અકસ્માતમાં ઇજાના અનેક બનાવ બન્યા હતાં. પાંચ લોકોના વાહન અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના પરિવારજનોની તહેવારની ખુશી શોકમાં પલ્ટી ગઇ હતી. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર ન્યારા ગામના પાટીયા નજીક સોમવારે રાતે બારેક વાગ્યે કારે ટુવ્હીલર એક્ટીવાને ઉલાળી દેતાં પતિ-પત્નિ અને પુત્રને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં આઠ વર્ષના પુત્રનું મોત થતાં કલ્પાંત સર્જાયો હતો. ન્યારા ગામે હાથી મસાલા ફેક્ટરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં અને ત્યાંના ક્વાર્ટરમાં જ રહેતાં મુળ વઢવાણના પ્રહલાદભાઇ સોંડાભાઇ લકુમ (ઉ.વ.૪૦), તેના પત્નિ પારૂલબેન (ઉ.વ.૩૩) તથા પુત્ર પ્રિન્સ (ઉ.વ.૮) સોમવારે સાંજે ફિલ્મ જોવા ગયા બાદ વળતા હોટલમાં જમીને ઘર તરફ જતાં હતાં ત્યારે રાતે બારેક વાગ્યે ન્યારા ગામના પાટીયા પાસે ત્રણેયને એક્ટીવા સહિત કારના ચાલકે ઉલાળી દેતાં ઇજાઓ થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ૮ વર્ષના પ્રિન્સનું મોત નિપજતાં કલ્પાંત સર્જાયો હતો. પ્રિન્સ એક બહેનથી નાનો હતો. તેની મોટી બાર વર્ષની બહેન બીજા સગાના વાહનમાં બેઠી હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વીનભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, કાનભાઇ, તોૈફિકભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી.
બીજા બનાવમાં કુવાડવા રોડ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં વિજયભાઇ વિનુભાઇ મકવાણા (ઉ.વ.૨૨) નામના યુવાનને સોમવારે સાંજે આઠેક વાગ્યે ચોટીલાના લાખણકા પાસે મોટરસાઇકલ હંકારીને જતો હતો ત્યારે રિક્ષાની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર લઇ રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. અહિથી અમદાવાદ લઇ જતી વખતે રસ્તામાં તબિયત બગડતાં ફરી રાજકોટ સિવિલમાં લાવવામાં આવેલ. પરંતુ વહેલી સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
ત્રીજા બનાવમાં કુવાડવા રોડ પરના કુચીયાદળ ગામ પાસે વિવેકાનંદન કોલેજ નજીક ચોથી ઓક્ટોબરની વહેલી સવારે સાડા ચારેક વાગ્યે સર્જાયો હતો. જેમાં કુવાડવા ગામમાં ભાડાના મકાનમાં રહેતા અને બઝ વે કંપનીમાં ટેક્સી ડ્રાઇવર તરીકે નોકરી કરતાં મુકેશભાઈ મગનભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૮) નામના યુવાન કાર લઇને જતાં હતાં ત્યારે વિવેકાનંદ કોલેજ પાસે પહોંચતા કારનુ ટાયર ફાટતાં પોતે કાર સાઇડમાં ઉભી રાખી રસ્તો ઓળંગી રહ્યા હતાં તે વખતે ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે ઠોકરે ચડાવી દેતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં મૃતકના પત્નિ હેતલબેન ચોહાણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં રાજકોટની ટ્રાવેલ્સ બસના ચાલક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક દિકરી છે. બનાવને પગલે પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.
ચોથા બનાવમાં કુવાડવા રોડ નવાગામના પુલ પાસે મેંગો માર્કેટ નજીક દિવાળીની રાતે બાઇક સ્લીપ થઇ જતાં કુબલીયાપરાના રોહન સંજયભાઇ પરમાર (ઉ.વ.૨૭) તથા તેના મિત્રને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. સારવાર દરમિયાન ભાઇબીજની રાતે રોહનનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક એક બહેનથી મોટો અને કુંવારો હતો. તે કરિયાણાની દૂકાન ચલાવતો હતો. દિવાળીની રાતે મિત્ર સાથે ચાંદની હોટેલે જમવા જવા નીકળ્યો હતો. ત્યારે બંને મિત્રોને અકસ્માત નડયો હતો. યુવાન અને એકના એક દિકરાના મોતથી પરમાર-દેવીપૂજક પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
પાંચમા બનાવમાં કોઠારીયા સોલવન્ટ મચ્છોનગરમાં રહેતો આશિષ શર્મા (ઉ.વ.૨૦) પારડીના પૂલ પાસે વાહન અકસ્માતમાં ઘાયલ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ તેનું મૃત્યુ થયું હતું. આમ તહેવારના દિવસોમાં સ્વજનો ગુમાવતાં પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(3:46 PM IST)










