<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

રાજકોટ નાગરીક બેંક ચૂંટણીઃ સહકાર પેનલમાં નરેન્‍દ્રભાઇના અત્‍યંત વિશ્વાસુ સુરેન્‍દ્ર કાકા સહિત ર૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

કલ્‍પકભાઇની પેનલના ઉમેદવારો હવે જાહેર થશેઃ શુક્રવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ... : સુરેન્‍દ્રભાઇ અને જીવણલાલ એ બે જૂના જોગીઃ ૧૭ નવેમ્‍બરે ચંટણીઃ ૧૯ નવેમ્‍બરે સવારે ૮ થી મતગણતરી

રાજકોટ નાગરીક બેંકની ચૂંટણીમાંૅ સહકાર પેનલના રપ ઉમેદવારોએ ગઇકાલે રાજકોટ કલેકટર સમક્ષ ફોર્મ ભર્યા હતા, આ પેનલમાં વડાપ્રધાનના વિશ્વાસુ એવા શ્રી સુરેન્‍દ્રભાઇ પટેલ - સુરેન્‍દ્ર કાકાએ પણ ફોર્મ ભર્યુ છે, તસ્‍વીરમાં શ્રી સુરેન્‍દ્ર કાકાને તિલક  કરતા ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ તથા અન્‍ય તસ્‍વીરમાં કલેકટર સમક્ષ ફોર્મ રજૂ કરતા ઉમેદવારો આગેવાનો નજરે પડે છે.  (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૬ :.. રાજકોટ નાગરિક સહકારી બેંકની આગામી ચૂંટણી તા. ૧૭-૧૧-ર૦ર૪ ના યોજાનાર છે.

ત્‍યારે સહકાર પેનલના ર૧ ઉમેદવારો ગઇકાલે પ-૧૧-ર૦ર૪ મંગળવારના રોજ  બપોરે ૧ર.૩૯ મિનિટે કલેકટર ઓફીસ ખાતે ફોર્મ ભર્યા હતા, આ સમયે અગ્રણીઓ જીમીભાઇ દક્ષિણી, જયોતીન્‍દ્રભાઇ મહેતા, નલીનભાઇ વસા, શૈલેષભાઇ ઠાકર ઉપસ્‍થિત રહ્યા હતાં.

અત્રે એ નોંધનીય છે કે ગુજરાત ભાજપના વર્ષો સુધી ખજાનચી રહેલા, ઓડાના ભૂતપૂર્વ ચેરમેન, રાજયસભાના ભૂતપૂર્વ સભ્‍ય તથા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇની અત્‍યંત નજીક મનાતા સુરેન્‍દ્રભાઇ પટેલ એટલે કે શ્રી સુરેન્‍દ્ર કાકાને પણ ખાસ આ ચૂંટણી લડવા આદેશ આવતા તેમણે પણ ફોર્મ ભર્યુ હતું. આ સમયે ધારાસભ્‍ય શ્રી દર્શિતાબેન શાહ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં.

નાગરિક સહકારી બેન્‍કની તા. ૧૭ ના રોજ યોજાનારી ડીરેકટરની ચૂંટણીમાં સહકાર પેનલના ર૧ ઉમેદવારો જાહેર કરવામાં આવ્‍યા હતાં. આ તમામે ફોર્મ ભર્યા છે, જેમણે ફોર્મ ભર્યા છે, તેમાં શ્રી માધવભાઇ દવે, ચંદ્રેશભાઇ ધોળકીયા, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, ભૌમિકભાઇ શાહ, કલ્‍પેશભાઇ ગજજર પંચાસરા, ચિરાગભાઇ રાજકોટિયા, વિક્રમસિંહ પરમાર, હસમુખભાઇ ચંદારાણા, દેવાંગભાઇ માંકડ, ડો. એન. જે. મેઘાણી, જીવણભાઇ પટેલ, જયોતિબેન ભટ્ટ, કિર્તીદાબેન જાદવ, નવીનભાઇ પટેલ, સુરેન્‍દ્રભાઇ પટેલ (શ્રી સુરેન્‍દ્ર કાકા), દિપકભાઇ બકરાણીયા, મંગેશજી જોશી, હસમુખભાઇ હિંડોચા, બ્રિજેશભાઇ મલકાણ અને લલીતભાઇ વોરાનો સમાવેશ થાય છે.

નાગરીક બેંકની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન કલ્‍પકભાઇ મણીયારની સંસ્‍કાર પેનલ છે, સામે સહકાર પેનલ છે, સહકાર પેનલમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ અને ગૃહમંત્રીશ્રી અમીતભાઇ શાહના અત્‍યંત વિશ્વાસુ સુરેન્‍દ્રભાઇ પટેલ (સુરેન્‍દ્ર કાકા) એ પણ ઝૂકાવતા રાજકારણમાં ગરમાવો આવ્‍યો છે. અન્‍ય જૂના જોગીમાં જીવણભાઇ પટેલ પણ છે.

નાગરિક બેંકની ચૂંટણીમાં ૮ વર્ષ જૂનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે. જેને કારણે ૮ વર્ષ ટર્મ માટે કોઇએ હોદા પર રહ્યા હશે તેવા ઉમેદવારને સ્‍થાન આપવામાં આવ્‍યું નથી. એવી પણ ચર્ચા છે. સહકાર પેનલમાં સંઘે ઉમેદવારો નકકી કર્યા છે. અને તેના નિર્ણયને સૌ કોઇએ સર્વોપરી માન્‍યો છે. ૧૭ નવેમ્‍બરે ચૂંટણી છે અને ૧૯ નવેમ્‍બરના રોજ મતગણતરી જાહેર થશે.

ડીરેકટરની ચૂંટણીમાં જે વિજેતા થશે તેમાંથી એક ઉમેદવાર ચેરમેન અને બીજા ઉમેદવાર વાઇસ ચેરમેન તરીકે ચૂંટાશે. મતદારોને ર૧ મત આપવાના રહેશે. કલ્‍પકભાઇ મણીયારે જણાવ્‍યું હતું કે, સંસ્‍કાર પેનલના ઉમેદવારોની નામની જાહેરાત આગામી એક-બે દિવસમાં કરવામાં આવશે. આ પેનલમાં કોને-કોને સ્‍થાન આપવામાં આવે છે તે તરફ સૌ કોઇની મીટ મંડાઇ છે. મતદાન રાજકોટ હેડ ઓફીસ, જેતપુર, મોરબી, જસદણ, મીઠાખળી-અમદાવાદ, રિંગ રોડ-સુરત, ઘાટકોપર-મુંબઇમાં થશે.

નાગરિક બેંકની

ચૂંટણીનો કાર્યક્રમ

પ થી ૮ નવેમ્‍બર સુધીમાં ફોર્મ વિતરણ અને પરત કરવાની મુદત

૮ નવેમ્‍બર સાંજે પ કલાકે ફોર્મનું લિસ્‍ટ કલેકટર ઓફીસ અને નાગરિક બેંકની હેડ ઓફીસે જાહેર કરાશે.

૯ નવેમ્‍બરે બપોરે ૩ સુધીમાં કલેકટર ઓફિસ ફોર્મની સ્‍કૂટિની થશે અને માન્‍ય ઉમેદવારનું લિસ્‍ટ જાહેર થશે.

૧૧ નવેમ્‍બરે બપોરે ૧૧ થી ૩ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે.

૧૧ નવેમ્‍બર સાંજે પ કલાકે અંતિમ યાદી જાહેર કરાશે.

૧૭ નવેમ્‍બરે સવારે ૮ થી સાંજના ૪ સુધી મતદાન.

૧૯ નવેમ્‍બરે આર. એન. એસ. બી. ની હેડ ઓફીસ ખાતે સવારે ૮ કલાકેથી મતગણતરી

ર૧ નવેમ્‍બરે બોર્ડ ઓફ ડીરેકટરનું પરિણામ જાહેર થશે.

રર નવેમ્‍બર સવારે ૧૦ થી ૧૧.૩૦ સુધી બોર્ડ મેમ્‍બરની ચૂંટણી, જેમાં ૧ થી ર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અને ર કલાકે ડીરેકટર્સની યાદી પ્રસિધ્‍ધ થશે.

ર૩ નવેમ્‍બરે સવારે ૧૧ કલાકે નવા ચૂંટાયેલા ડીરેકટરની મિટીંગ, નવા ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ જાહેર કરાશે.

(11:45 AM IST)