<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

શહેર એસઓજીએ ફ્રુટના ચાર ધંધાર્થીને પિસ્તોલ-કાર્ટીસ સાથે પકડ્યાઃ આઝાદસિંહનું નામ ખુલ્યું

મહારાષ્ટ્ર ફરવા ગયા, વળતા એમપી બોર્ડરેથી હથીયાર લેતાં આવ્યા!

રાજકોટ તા. ૬: શહેર એસઓજીની ટીમે પુર્વ બાતમીને આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર લાલપરીના પૂલ પાસે રવેચી ટી સ્ટોલ એન્ડ પાન નજીક એક સ્વીફટ કારને આંતરી રાજકોટના ફ્રુટના ચાર ધંધાર્થીને દેશી બનાવટની ૨૫ હજારની પિસ્તોલ, પાંચ જીવતા કાર્ટીસ સાથે પકડી લઇ કાર, મોબાઇલ ફોન પણ કબ્જે લીધા હતાં. આ ચારેય મહારાષ્ટ્ર ફરવા ગયા હતાં અને વળતા એમપી બોર્ડર પાસેથી હથીયાર-કાર્ટીસ લઇ આવ્યા હતાં.

એસઓજીએ ચાર શખ્સો  સંદિપ સુદામાભાઇ નાવાણી (ઉ.વ.૩૨-ધંધો ફ્રુટનો વેપાર, રહે. રેલનગર ભગવતી હોલવાળી શેરી, અર્પણ પાર્ક-૧), અભય ઉર્ફ લાલો ચંદુભાઇ મારૂનીયા (ઉ.વ.૩૬-ધંધો ફ્રુટનો વેપાર, રહે. ભગવતીપરા બોરીચાવાડી પાછળ ૨૫ વારીયા એકતા સોસાયટી-૨), મયુર પ્રકાશભાઇ ટોલાણી (ઉ.વ.૨૪-ધંધો ફ્રુટની લારી, રહે. રૈયા ગામ ગુરૂજીનગરના વાડીના કવાર્ટર નં. ૬૬૯,) તથા વિક્કી ઉર્ફ અજય સુરેશભાઇ વધવા (ઉ.વ.૨૫-ધંધો ફ્રુટનો વેપાર, રહે. રેલનગર ઋષીકેશ સોસાયટી-૩)ની સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ આર. જે. કામળીયા, એએસઆઇ સમીરભાઇ શેખ, ડી. બી. ખેર, હેડકોન્સ. કિશોરભાઇ ઘૂઘલ, જયદિપસિંહ ચોૈહાણ, મોૈલિકભાઇ સાવલીયા, દિગ્વીજયસિહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર, અમિતભાઇ ટુંડીયા અને ડ્રા.કોન્સ. દિગ્વીજયસિંહ રહેવરે આ કામગીરી કરી હતી.

ઝડપાયેલા ચારેય મિત્રો ફ્રુટનો ધંધો કરે છે. મહારાષ્ટ્ર ફરવા ગયા હોઇ વળતી વખતે મધ્યપ્રદેશની બોર્ડર પાસે આઝાદસિંહ નામના શખ્સ પાસેથી પિસ્તોલ કાર્ટીસ લીધાનું રટણ ચાર પૈકીના સંદિપે કર્યો હતો. તેને ફ્રુટના ધંધામાં માથાકુટ ચાલતી હોવાથી આ હથીયાર-કાર્ટીસ લીધા હોવાનું રટણ કર્યુ હોઇ વધુ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

(4:50 PM IST)