<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

રાજકોટ યાર્ડમાં નવા વર્ષના પ્રારંભે મગફળીની ૧ લાખ ગુણીની જંગી આવકઃ મુર્હુતના ભાવ ૧૨૫૦રૂા

કપાસની ૨૦,૦૦૦ ભારી અને સોયાબીનની ૫૦,૦૦૦ મણની આવકઃ વિવિધ જણસી ભરેલા વાહનોની યાર્ડ પાસે ૮ કિ.મી. લાંબી કતારો લાગી

તસ્વીરમાં રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા લાભ પાંચમે મગફળી વિભાગમાં મુહુર્તનો સોદો કરાવતા નજરે પડે છે. બાજુમાં મગફળીના જથ્થાના ઢગલા, ઉપરની તસ્વીરમાં વિવિધ જણસી ભરેલા વાહનોની લાંબી કતારો તથા નીચેની તસ્વીરમાં યાર્ડના વેપારીઓ, ખેડુતો અને સ્ટાફ દ્રશ્યમાન થાય છે

રાજકોટ તા.૬: સોૈરાષ્ટ્રના અગ્રીમ હરોળના રાજકોટ માર્કેટયાર્ડમાં આજે નવા વર્ષના પ્રારંભે લાભપાંચમે મગફળીની ૧ લાખ ગુણીની જંગી આવકો થઇ હતી. નવા વર્ષે મગફળીમાં મુર્હુતના સોદાના ભાવ ૧૨૫૦ રૂ. બોલાયા હતા. મગફળીની સાથે કપાસ, સોયાબીન સહિત અન્ય જણસીઓ ભરેલા વાહનોની ૮ કિ.મી. લાંબી કતારો લાગી હતી.

રાજકોટ યાર્ડમાં નવા વર્ષે લાભપાંચમના દિવસે મગફળીની ૧ લાખ ગુણુની જંગી આવક થઇ હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ પટેલે શ્રીફળ વધેરી મગફળીની હરરાજીનો પ્રારંભ કરાવ્યો હતો. મુર્હુતના સોદામાં મગફળી એક મણના ભાવ ૧૨૫૦રૂ. બોલાયા હતા. મગફળીની સાથે કપાસની ૨૦,૦૦૦ ભારી તથા સોયાબીનની ૫૦,૦૦૦ મણની આવકો થઇ હતી.

રાજય સરકારે ચાલુ વર્ષ મગફળીના ટેકાના ભાવ એક મણના ૧૩૬૦રૂા જાહેર કર્યા છે. જો કે સોૈરાષ્ટ્રના મોટા ભાગના ખેડુતો નુકશાન વેઠી રોકડી કરવાના મુડમાં હોય તેમ મગફળીના ટેકાના ભાવના બદલે યાર્ડમાં વેંચી રહયા છે. ચાલુ વર્ષે માવઠાના કારણે મગફળીના પાકને નુ઼કશાન થયું હોય મગફળી બગડેલી આવતી હોય મગફળીના ભાવો તુટી રહયા છે.

વેપારી સુત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મગફળીના ભાવ ૧૦૦ થી ૧૫૦૦ રૂ. ઓછા છે. ચાલુ વર્ષે મગફળીના ભાવ ૧૦૫૦ થી ૧૨૫૦ રૂ. છે. જ ગત વર્ષ કરતા ઓછા છે.

રાજકોટ યાર્ડમાં મગફળી સહિત વિવિધ જણસી ભરેલા વાહનોની ૮ કિલોમીટર સુધી લાંબી લાઇનો લાગી હતી. યાર્ડમાં કોઇ અવ્યવસ્થા ન  સર્જાઇ તે માટે યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, યાર્ડના ડિરેકટરો તથા સ્ટાફ ખડેપગે રહી તમામ જણસીઓની ક્રમવાર ઉતરાઇ કરાવી હતી

(2:02 PM IST)