<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

આર્યનગરમાં ગોૈરવ કોટેચા, તેના માતા અને પિતાએ સજોડે ઝેર પીધું: ગૃહકલેશ કારણભુત

અઠવાડીયા પહેલા ગોૈરવના પત્‍નિ રાધિકા માવતરે રેસકોર્ષ પાર્કમાં જતાં રહ્યા હતાં: આજે તેણીએ પતિ સાથે વાત કરતાં ચડભડ થતાં પતિએ પોતે દવા પી જાય છે તેમ કહી ફોન કાપી નાખ્‍યોઃ રાધિકા સાસરે પહોંચતા પતિ, સાસુ, સસરા ઝેર પીધેલા મળતાં હોસ્‍પિટલમાં ખસેડયા

રાજકોટ તા. ૬: શહેરના સામા કાંઠે રહેતાં યુવાન અને તેના માતા-પિતાએ સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ત્રણેયને સારવાર માટે ખસેડાયા છે. યુવાનની પત્‍નિ અઠવાડીયા પહેલા રેસકોર્ષ પાર્કમાં માવતરે જતી રહી હોઇ અને આજે તેણીએ ફોન પર વાત કરતાં અલગ થવા મામલે ચડભડ થતાં યુવાને પોતે દવા પી જાય છે તેવી વાત કરી હતી. બાદમાં પત્‍નિ માવતરેથી સાસરીયે જોવા આવતાં પતિ અને સાસુ સસરા દવા પીધેલી હાલતમાં મળ્‍યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ સામા કાંઠે આર્યનગર શેરી નં. ૨૦માં બાપા સિતારામ મઢુલી પાસે રહેતાં ગોૈરવભાઇ ભરતભાઇ કોટેચા (ઉ.વ.૩૫) નામના યુવાન તથા તેના માતા સરલાબેન ભરતભાઇ કોટેચા (ઉ.વ.૭૦) અને પિતા ભરતભાઇ શાંતિલાલ કોટેચા (ઉ.વ.૭૦) બપોરે બારેક વાગ્‍યે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

ગોૈરવભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોતે બે બહેનના એકના એક નાના ભાઇ છે અને કુવાડવા રોડ સાત હનુમાન પાસે એલઇડીની શો રૂમમાં નોકરી કરે છે. ગોૈરવભાઇના પત્‍નિનું નામ રાધીકાબેન છે. તેણીએ કહ્યું હતું કે અમારે ઘરમાં સાસુ-વહુ વચ્‍ચે ચડભડ થઇ હોઇ અઠવાડીયા પહેલા હું રેસકોર્ષ પાર્કમાં માવતરે જતી રહી હતી. આજે મેં પતિને ફોન કરીને એકાદ મહિનો અલગ રહેવા જતા રહીએ ઘરમાં કલેશ શાંત થઇ જશે તેવી વાત કરતાં ફરીથી અમારે ચડભડ થઇ હતી. એ પછી પતિએ મને પોતે દવા પી જાય છે તેમ કહી ફોન કટ કરી નાખ્‍યોહ તો. ત્‍યારબાદ હું માવતરેથી સાસરે પહોંચતા રૂમમાં મારા પતિ તેમજ સાસુ અને સસરા ત્રણેયને દવા પીધેલી હાલતમાં જોતાં મેં  જ ત્રણેયને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. હોસ્‍પિટલ ચોકીના  સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. રાધીકાબેને કહ્યું હતું કે કલેશને કારણે મેં પણ અગાઉ ફિનાઇલ પી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:10 PM IST)