News of Wednesday, 6th November 2024
પ્રેરણાંજલી, સુરનો નૂર છે રાજકોટ, આજ છે રાજકોટ, તાજ છે રાજકોટ : રંગોળીએ મેદાન માર્યુ
વ્યકિતગતમાં ડ્રગ્સ, રતન ટાટા તથા ધાર્મિક સહિતની રંગોળીઓની પસંદગી : વિજેતાઓને આવનાર કાર્યક્રમમાં પુરસ્કાર અપાશે : મનપા દ્વારા આયોજીત રંગોળી સ્પર્ધાના વિજેતા જાહેર

ગ્રુપ રંગોળીના વિજેતા : સ્લોગન ગ્રુપ રંગોળી ૫×૧૫ની ૨૬ બનાવવામાં આવેલ જે પૈકી ૫ રંગોળીના વિજેતા વૈભવ રાણપરીયા, હીર સાકરીયા, રીતુ સાવલીયા, હિતાર્થી સખીયા તથા મૈત્રી વેકરીયાને પ્રત્યેકને રૂા.૫૦૦૦નું રોકડ ઈનામ આપવામાં આવનાર છે. આ ઉપરાંત ગ્રુપ રંગોળીમાં સ્પેશ્યલ થીમ બેઈઝડ રંગોળી બનાવનાર બે કલાકાર શિવમ અગ્રવાલ અને માહી અકબરી પ્રત્યેકને રૂા.૨૦૦૦ રોકડ ઈનામ આપવામાં આવનાર છે.
રાજકોટ, તા. ૬ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરીના સહયોગથી ‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ' અંતર્ગત રેસકોર્ષ ખાતે યોજાયેલ ભવ્ય ‘રંગોળી સ્પર્ધા'માં વિજેતા થયેલ સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાના આવનાર કાર્યક્રમમાં ‘રંગોળી સ્પર્ધા'માં વિજેતા થયેલ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમ પદાધિકારીઓએ જણાવ્યુ હતું.
આ અંગે મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા જણાવેલ છે કે, રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કળતિક પ્રવળત્તિઓ માટે પણ વિખ્યાત છે. જુદા જુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્ય તહેવાર આવે ત્યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે. વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ તા.૨૭ થી તા.૩૧ દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે ‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.
‘રંગીલું રાજકોટ' દરેક ઉત્સવ અને દરેક અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિ કે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્કળતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને ‘રંગીલું' અને અન્ય શહેરો કરતા અલગ બનાવે છે. ‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ' અનુસંધાને તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ રેસકોર્ષ રિંગ રોડ ખાતે ‘રંગોળી સ્પર્ધા' અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જે અન્વયે ‘રંગોળી સ્પર્ધા'માં વિજેતા થયેલ સ્પર્ધકોના આજ રોજ નામ જાહેર કરવામાં આવેલ છે. વિજેતા થયેલ તમામ સ્પર્ધકોને રાજકોટ મહાનગરપાલિકાના આગામી કાર્યક્રમ દરમ્યાન રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
સ્પર્ધાના નિર્ણાયકો તરીકે જાણીતા લેખક જય વસાવડા, શૈલેષભાઈ સગપરીયા, જયશ્રીબેન રાવલ, મુકેશભાઇ ડોડીયા, ચૈતન્યભાઈ વ્યાસ, નલીનભાઈ સૂચક, મુકેશભાઇ વ્યાસ, વલ્લભભાઈ પરમાર, ડૉ.પ્રદીપભાઈ દવે, કિશોરભાઇ કમાણી, રૂપલબેન સોલંકી, એમ. યુ. ચૌહાણ, ડૉ.અસિત ભટ્ટએ સેવા આપેલ.
રંગોળી સ્પર્ધાની ખાસ વાત કરવામાં આવે તો ત્રણ કલાકાર દ્વારા પદ્મશ્રી હેમંત ચૌહાણની રંગોળી બનાવવામાં આવેલ જે રંગોળી નિહાળવા પરિવાર સાથે આવેલ અને કલાકારોને અભિનંદન આપી ઘરે આવવાનું આમંત્રણ આપવામાં આવેલ. આજ રીતે ત્રણ કલાકારો દ્વારા ‘હેલ્લારો ફિલ્મ'ની રંગોળી તથા તેની હીરોઇન શ્રદ્ધા ડાંગરની અદભૂત રંગોળી બનાવવામાં આવેલ, જેને નિહાળવા ખુદ શ્રદ્ધા ડાંગરએ અમદાવાદ થી રાજકોટ આવીને કલાકારોને રૂબરૂ મળીને અભિનંદન પાઠવેલ. આ ઉપરાંત ૬૧ રંગોળી કલાકારોને આશ્વાસનરૂપે પ્રત્યેકને રૂ.૧૦૦૦ રોકડ ઈનામ આપવામાં આવનાર છે. ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, મુકેશભાઇ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયશ્રીબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેન અગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત, વિશાલભાઈ જોશી, હરદેવસિંહ વાઘેલા, ગૌરવ ખીરૈયા, પરેશભાઈ ધોરાજીયા, સાવન ધોરાજીયા, શ્રેયશભાઈ તન્ના, દિનેશભાઇ પટેલ, રશ્મિ ગોટેચા તથા મૌલિક ગોટેચા વગેરેએ જહેમત ઉઠાવી છે.

વ્યકિતગત રંગોળીમાં કોણે કોણે બાજી મારી
રાજકોટ : વ્યકિતગત રંગોળી ૫×૫ની પાંચસો બનાવવામાં આવેલ. જેમાં બાર કલાકારો દિવ્યેશ પરમાર, ડો.રિદ્ધિ કાલરીયા, પૃષ્ટિ વિરમગામા, ધન્વી પાનસુરીયા, દર્પણ ધોળકીયા, જીજ્ઞેશભાઈ ધોળકીયા, તુલસી દફતરી, અંજના વીંછી, ધારા ખંભાયતા, બ્રીજ પરમાર, નીતાંશુ પારેખ તથા નીકીતા પટેલ પ્રત્યેકને રૂા.૫૦૦૦ રોકડ ઈનામ આપવામાં આવનાર છે.
(4:17 PM IST)










