<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

હૃદય બંધ પડી જવાથી બે યુવાન સહિત પાંચના મૃત્‍યુ

રાજકોટ તા. ૭: હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુની વધુ પાંચ ઘટના બની છે. જેમાં બે યુવાન, એક પ્રોૈઢ અને બે વૃધ્‍ધનો સમાવેશ થાય છે.

જાણવા મળ્‍યા મુજબ શાપર વેરાવળમાં ગોલ્‍ડન કંપનીમાં કામ કરતો અને ત્‍યાંના ક્‍વાર્ટરમાં રહેતો મુળ ઝારખંડનો મોહમ્‍મદભાઈ તૈયબભાઈ અંસારી (ઉ.વ.૨૬) નામનો યુવક ઘરે હતો ત્‍યારે ચક્કર આવતા પડી જતા સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું.

બીજા બનાવમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ધોળકિયા સ્‍કૂલની પાછળ એપલવિલા એપાર્ટમેન્‍ટમાં રહેતાં કલ્‍પેશભાઈ જેન્‍તીભાઈ પરસાણા (ઉ.વ.૩૨) નામના યુવક ઘરે જમીને બેઠા બાદ એકાએક ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તેમને તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં શોક છવાઇ ગયો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે હતાં અને તેને માનસિક દિવ્‍યાંગ હતાં. ત્રીજા બનાવમાં  દેવજીભાઇ જોગેલા (ઉ.વ.૫૪) રાતે ઘરે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયુ હતું. તેઓ બે ભાઇમાં મોટા હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. અગાઉ પેરેલીસીસ એટેક આવ્‍યો હતો.  સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

ચોથા બનાવમાં ગાંધીગ્રામ સત્‍યનારાયણનગરમાં રહેતાં ધરમશીભાઇ હરિલાલ નકુમ (ઉ.વ.૭૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ થયું હતું. તેમને સંતાનમાં ત્રણ પુત્રો છે. પાંચમા બનાવમાં કણકોટના પાટીયે પરિવાર સોસાયટીમાં રહેતાં સવિતાબેન હસમુખભાઇ ભટ્ટી (ઉ.વ.૬૫) સવારે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. આ બંને બનાવમાં હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું.

(3:34 PM IST)