<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

કટારીયા ચોકડી બ્રીજ માટે અધધ... ૧૧ ટેન્‍ડર

અત્‍યાર સુધીમાં કોઇપણ બ્રિજ માટે આવેલા સૌથી વધુ ટેન્‍ડરઃ એજન્‍સી તરફથી કવેરી આવતા ટેન્‍ડરની મુદત લંબાવવાની શકયતા

રાજકોટ તા. ૭ :.. શહેરના કાલાવડ રોડ પર કટારીયા ચોકડીએ ૧પ૦ કરોડના ખર્ચે ટ્રાફિકની સમસ્‍યા હળવી બનાવવા મોટામવાથી કાલાવડ તરફ ઓવર બ્રીજ, ૧૫૦ ફુટ રીંગ રોડ ગોંડલ રોડ થી જામનગર રોડ તરફ અન્‍ડર બ્રીજ તથા ગોંડલ રોડથી કાલાવડ રોડ અને શહેર માટે નોર્મલ રસ્‍તો બનાવવા મનપા તંત્ર દ્વારા ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવતા આ કામ માટે ૧૧એજન્‍સીઓએ રસ દાખવ્‍યો છે. 

શહેરના કટારીયા ચોકડીએ થ્રી લેઅર બ્રીજ બનાવવા માટે મનપા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના પગલે ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યા છે. આ બ્રીજમાં મોટા મવાથી કાલાવડ તરફ ઓવરબ્રીજ, ૧પ૦ ફૂટ રીંગ રોડથી જામનગર રોડ તરફ અન્‍ડર બ્રીજ તથા ગોંડલ રોડથી કાલાવડ રોડ અને શહેર માટે સામાન્‍ય રસ્‍તો બનાવવામાં મનપા તંત્ર દ્વારા થોડાા દિવસો પહેલા ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યા હતાં. આ ટેન્‍ડરની તા. ૧૮ નવેમ્‍બરની છેલ્લી મુદત સુધીમાં ૧૧ ટેન્‍ડરો આવ્‍યા છે.

આ કામ માટે એજન્‍સીએ રસ દાખવ્‍યો છે. એજન્‍સી ધારકોએ અમુક કવેરી કાઢતા તારીખ લંબાવાય તેવી સ્‍થિતિ થવા પામી છે.

શહેરના વોર્ડ નં.૧૧માં  કટારિયા ચોકડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે શહેરનો પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ બનશે. ટેન્‍ડર મંજૂર થયા બાદ વર્ક ઓર્ડર આપ્‍યા પછી ૩૦ મહિનાની સમય અવધિમાં આ બ્રિજનું નિર્માણ કામ પુરૂં થશે. થ્રી-લેયર બ્રિજમાં ગ્રાઉન્‍ડ ફલોર પર યુટર્ન લઇ કાલાવડ રોડ અને સેક્‍ધડ રિંગ રોડ તરફ જઇ શકાશે. આ ઉપરાંત અન્‍ડરબ્રિજમાંથી નવા  રિંગ રોડ તરફ જઇ શકાશે. જ્‍યારે ઓવરબ્રિજ પરથી વાહન ચાલકો જલારામ ફૂડ કોર્ટથી કોસ્‍મોપ્‍લેક્‍સ તરફ જઇ શકશે. ફલાય ઓવરબ્રિજની લંબાઇ ૮૦૦ મીટર અને પહોળાઇ ૨૪ મીટરની રહેશે. જ્‍યારે સેન્‍ટ્રલ સ્‍પામ ૧૬૦ મીટરનો રહેશે. ફલાય ઓવરબ્રિજ જલારામ ફૂડ કોર્ટથી શરૂ થશે અને કોસ્‍મોપ્‍લેક્‍સ પાસે પૂરો થશે. જ્‍યારે અન્‍ડરબ્રિજની લંબાઇ ૬૦૦ મીટરની રહેશે અને પહોળાઇ ૧૮ મીટરની રહેશે. અન્‍ડરબ્રિજ રંગોલી પાર્ક આવાસ યોજના પાસે હાલ જે હયાત નાલું છે ત્‍યાંથી શરૂ થશે અને ૮૦ મીટર ટીપીના રોડ પર પૂરો થશે. શહેરના આ પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ માટે રાજ્‍ય સરકાર દ્વારા ગ્રાન્‍ટ ફાળવવામાં આવી છે.

(3:34 PM IST)