<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

રાંદરડા તળાવની શકલ બદલાશે : ડેવલપમેન્‍ટ માટે ટેન્‍ડરની કવાયત

સાગરનગર વિસ્‍તારમાં મેગા ડિમોલીશન : પ્રથમ તબક્કામાં ૧૫ કરોડનો ખર્ચ : સરકારના રિપોર્ટ બાદ કામગીરી હાથ ધરાશે

 રાજકોટ,તા. ૭ : રાજકોટ શહેરના રળિયામણા સ્‍થળોમાં વધારો કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્‍ટ અને રાંદરડા તળાવ ડેવલપમેન્‍ટ હાથ ઉપર લીધો છે. જે અંતર્ગત રાંદરડા તળાવનું બ્‍યુટીફીકેશન કરી ફરવા લાયક સ્‍થળ બનાવવા અગાઉ ડિઝાઈન સહિતનું કામ કરવામાં આવ્‍યું હતું. પરંતુ તળાવની આજુબાજુમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી સમયસર ન થતાં આ પ્રોજેક્‍ટ સ્‍થગિત કરવામાં આવેલ જે હવે મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈએ હાથ પર લઈ ફેઝ-૧ના ૧૫ કરોડના ડેવલોપમેન્‍ટ કામ માટે ટેન્‍ડર  પ્રક્રિયા હાથ ધરાશે.  રાંદરડા તળાવ ડેવલપમેન્‍ટ માટે સરકારના રિર્પોટ બાદ રાંદરડા તળાવ ડેવલપની કામગીરી હાથ ધરાશે.

  આ અંગે મનપાના કમિશનર ડી.પી. દેસાઈએ પત્રકારોની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, રાજકોટ શહેરની મધ્‍યમાં એક કુદરતી તળાવ આવેલ છે જે શહેરનું સદભાગ્‍ય કહેવાય આ તળાવ ફરવા લાયક સ્‍થળ બનાવવા માટે અગાઉ નિર્ણય લેવામાં આવ્‍યો હતો. જેનું ડેવલપમેન્‍ટ માટે સરકાર પાસે મંજુરી માંગવામાં આવે ત્‍યારે સરકાર દ્વારા આ સ્‍થળ કુદરતી રીતે રહે અને કોંક્રીટનું કામ ઓછામાં ઓછુ થાય તેવું જણાવવામાં આવેલ. રાંદરડા તળાવ ડેવલપમેન્‍ટનુ કામ બે તબક્કામાં કરવામાં આવશે. જેના માટે તળાવની આજુબાજુ થયેલા ઝુપડા, મકાનો સહિતના દબાણો દૂર કરવામાં આવશે. 

મુખ્‍ય રીતે તળાવના વિસ્‍તારોમાં ઉભુ થઈ ગયેલ સાગર નગર વિસ્‍તારના ૫૦૦થી વધુ મકાનો ગેરકાયદેસર હોય તમામ મકાનો તોડી પાડવામાં આવશે. અને રૂા. ૧૫ કરોડના ખર્ચે પ્રથમ તબક્કાનું કામ શરૂ કરાશે. સાગર નગરના ૫૦૦થી વધુ મકાનોના ડિમોલેશન માટે અગાઉ નોટીસ અપાઈ ગઈ છે. આથી લગભગ મોટાભાગના દબાણો ખાલી થઈ ચુકયા છે.  છતાં છેલ્લી નોટીસ આપી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલા રાંદરડા તળાવની બાજુમાં આવેલ પ્રદ્યુમન પાર્ક ઝુ માટે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવેલ ત્‍યારે  ઉગ્ર માથાકુટ થવા પામી હતી. આ થી પુરતા બંદોબસ્‍ત સાથે ડીમોલીશન કરાશે.

(4:06 PM IST)