તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 8th November 2024
હસનવાડીના મહેન્દ્રભાઇ મહેતાને ડિજીટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવ્યા : જુનાગઢના શકમંદની પુછતાછ
૭૩ વર્ષના નિવૃત બેંક અધિકારીને મુંબઇના પોલીસ ઇન્સ્પેક્ટરના નામે ગઠીયાએ ફોન કરી કહ્યું-તમારા વિરૂધ્ધ એફઆઇઆર દાખલ થઇ છે, વોરન્ટ નીકળ્યું છે, તમે મની લોન્ડ્રીંગમાં સામેલ છો, ૨૪૭ લોકો સાથે ફ્રોડમાં પણ તમારુ નામ છે કહી ખુબ ડરાવ્યા : વ્હોટ્સએપ પર સતત સવાર બપોર સાંજ ફોટા મોકલી રિપોર્ટ આપવાનું કહ્યું: ઇડી, આરબીઆઇના નામે લેટર મોકલ્યાઃ તમારી તમામ રોકડનું ક્રોસ વેરીફિકેશન કરવું પડશે, જે તમને ત્રણ દિવસમાં પાછા મળી જશે કહી બે ખાતામાં ૬ અને ૫૦ લાખ મેળવી લીધા : કમ્બોડિયન ગેંગનું કારસ્તાન હોવાની પ્રાથમિક વિગતો ખુલી

રાજકોટ તા. ૮: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ગઠીયાઓ દ્વારા અલગ અલગ લોકોને ડિજીટલ એરેસ્ટ કરી ડરાવી ધમકાવી તેમની પાસેથી લાખો રૂપિયા ઉસેડી લેવાની ઘટનાઓ વધી ગઇ છે. સરકાર, સાયબર ક્રાઇમ પોલીસ લોકોને આ મામલે જાગૃત કરવા સતત પ્રયત્ન કરે છે. છતાં ગઠીયાઓ ફાવી જાય છે. શહેરના હસનવાડી-૨માં રહેતાં અને સુરત ખાતે પંજાબ નેશનલ બેંકમાંથી નિવૃત થયેલા ૭૩ વર્ષના મહેન્દ્રભાઇ અંદરજીભાઇ મહેતાને ડિજીટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવી લેવાયા છે. શહેર સાયબર ક્રાઇમની ટીમની તપાસમાં કમ્બોડીયન ગેંગનું કારસ્તાન હોવાની વિગતો ખુલવા સાથે જુનાગઢ, બનાસકાંઠા, અમદાવાદ, સુરતના શખ્સોના ખાતામાં ફ્રોડની રકમ જમા થયાની વિગતો સાંપડતાં જુનાગઢથી એક શકમંદની પુછતાછની તજવીજ હાથ ધરાઇ છે.
મહેન્દ્રભાઇ મહેતાને મુંબઇ પોલીસ ઇન્સ્પેક્ટરના નામે ફોન કરી ગઠીયાએ મુંબઇ પોલીસમાં તમારા વિરૂધ્ધ એફઆઇઆર થઇ છે, વોરન્ટ નીકળ્યું છે, તમે મની લોન્ડરીંગમાં સામેલ છો, ૨૪૭ લોકો સાથે ફ્રોડ થયું છે તેમાં તમારુ પણ નામ છે તેમ કહી ડરાવી ધમકાવી ઇડી, આરબીઆઇના નામે કાગળો મોકલી તમારા બેંક એકાઉન્ટસની તમામ રકમનું ક્રોસ વેરીફિકેશન કરવું પડશે, તપાસ બાદ ત્રણ દિવસમાં તમને રકમ પાછી મળી જશે તેમ કહી તેમની પાસેથી ૫૬ લાખ પડાવી લીધા હતાં. મહેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા. ૧૧-૭-૨૦૨૪ના રોજ હું મારા પત્નિ સાથે હોસ્પિટલમાં હતો ત્યારે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ હિન્દીમાં વાત કરી કહ્યું કે હું પોલીસ ઈન્સ્પેકટર બોલું છું, તમારા વિરૂધ્ધ મુંબઈના તિલકનગર પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ થઈ છે, તમે અમારા વિનાયક સરને કોલ કરી માહિતી લઈ લેજો તેમ કહી એક મોબાઈલ નંબર આપ્યો હતો. થોડી વાર બાદ મને વોટસએપ કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ હિન્દીમાં વાત કરી કહ્યું કે તમારા આધાર કાર્ડ પર કેનેરા બેન્કમાં એકાઉન્ટ ખુલ્યા છે, એકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ ર.પ કરોડ છે, તમે આ બેન્ક એકાઉન્ટ મોટા ફ્રોડમાં વાપરેલ છે, મની લોન્ડરીંગમાં ઉપયોગ થયો છે, તમારૂં અરેસ્ટ વોરન્ટ કાઢવામાં આવ્યું છે, નરેશ ગોયેલ નામના વ્યક્તિએ કુલ ૨૪૭ વ્યક્તિઓ સાથે ફ્રોડ કર્યો છે, જેમાં તમે પણ સંડોવાયેલા છો.
આ વાત થયા બાદ અજાણ્યા શખ્સે મને દર બે કલાકે વ્હોટસએપ કોલ કરી રિપોર્ટ આપવાનું કહ્યું હતું. આ ઉપરાંત સવાર-બપોર-સાંજ ફોટો પાડી તેના વોટસએપમાં મોકલવાનું કહેતાં તે મુજબ મેં શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે મને એક મોબાઈલ નંબર પરથી વોટસએપમાં સેબીનો એન્ટી મની લોન્ડરીંગ બાબતેનો લેટર, ડાયરેકટર ઓફ એન્ફોર્સમેન્ટ, આરબીઆઈ, કેનેરા બેન્કનું મારાા નામવાળું એટીએમ કાર્ડ તથા કેનેરા બેન્કમાં મારા ખાતું હોય એ પ્રકારનું બેન્ક સ્ટેટમેન્ટ મોકલ્યું હતું. આ ઉપરાંત મારી માલિકીની તમામ મિલ્કતો, તમામ બેન્ક એકાઉન્ટની માહિતી, મ્યુચ્યુઅલ ફંડમાં અને સ્ટોક માર્કેટમાં રોકાણની માહિતી પણ મારી પાસે માંગતા મેં આપી દીધી હતી.
મહેન્દ્રભાઇએ આગળ જણાવ્યું છે કે ત્યારપછી મને કોલ કરી કહ્યું કે તમારા પાસે રહેલા તમામ નાણાં મની લોન્ડરીંગના છે કે નહીં તે બાબતે ક્રોસ વેરીફિકેશન માટે નાણાં ટ્રાન્સ્ફર કરવા પડશે. આથી મેં મને જણાવાયેલા બે બેન્ક એકાઉન્ટમાં ૬ લાખ અને ૫૦ લાખ મળી કુલ રૂ.પ૬ લાખ ટ્રાન્સ્ફર કર્યા હતા. તે વખતે મને કહ્યું હતું કે તમારા નાણાં તમને ત્રણ દિવસ પછી ઓડિટ વેરીફિકેશન કરી પરત આપી દેવામાં આવશે. જો કે આ વાતને ૬ દિવસ પછી પણ કોઈ જવાબ નહીં મળતાં જે નંબર ઉપરથી કોલ આવતા હતા તેની ઉપર મેં સતત સંપર્ક કરતાં સંપર્ક થઇ શકતો નહોતો. આથી મને શંકા ઉપજતાં મેં મારા પોૈત્ર દેવભાઇને વાત કરતાં તેણે મને મારી સાથે ફ્રોડ થયાનું સમજાવતાં મેં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરી જાણ કરી હતી.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પીઆઇ બી. બી. જાડેજાએ એફઆઇઆર નોંધતાં હેડકોન્સ. દીપકભાઇ પડીતે ગુનો દાખલ કર્યો હતો. આગળની તપાસ પીઆઇ કે. એસ. દેસાઇએ હાથ ધરી હતી. તપાસનો ધમધમાટ શરૂ થતાં આ ફ્રોડમાં કમ્બોડીયન ગેંગ સામેલ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. આ ટોળકી વિદેશથી પોતાનું નેટવર્ક ચલાવે છે અને ફ્રોડના નાણા અલગ અલગ બેંક ખાતાઓમાં મેળવવા માટે ગુજરાતમાં જ અમુક શખ્સોના એકાઉન્ટ ભાડે રખાયાની વિગતો ખુલી હતી. આવા ખાતેદારો જુનાગઢ, બનાસકાંઠા, અમદાવાદ, સુરતના હોવાની પ્રાથમિક વિગતો મળતાં સાયબર ક્રાઇમ પોલીસે જુનાગઢના એક શકમંદ વિશે માહિતી મળતાં તેની પુછતાછ કરવા તજવીજ હાથ ધરી છે. અન્ય શહેરોમાં પણ દરોડા પાડવા તજવીજ આદરી છે. રાજકોટમાં અગાઉ એરપોર્ટ રોડ પર રહેતાં નિવૃત અધિકારીને ડિજીટલ એરેસ્ટ કરી એક કરોડ પડાવાયા હતાં.
(11:07 AM IST)










