News of Friday, 8th November 2024
પેરેલિસિસથી કંટાળી ગુલાબ વિહાર સોસાયટીમાં ચોકીદારે ગળાફાંસો ખાઇ જિંદગી ટુંકાવી લીધી
શ્રીનાથ રેસિડેન્સીના સિક્યુરીટી રૂમમાં કૈલાસ સાઉદના આપઘાતથી દિકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૮: આત્મહત્યાની વધુ એક ઘટનામાં ચોકીદાર યુવાને પોતે જ્યાં રહેતો હતો તે રૂમમાં ગળાફાંસો ખાઇ મોત મેળવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. દોઢસો ફુટ રીંગ રોડ બીગ બાઝાર પાછળ ગુલાબવિહાર સોસાયટી શ્રીનાથ રેસિડેન્સીમાં ચોકીદારના રૂમમાં રહેતાં અને ત્યાં જ ચોકીદારી કરતાં કૈલાસભાઇ તુલબહાદુર સાઉદ (ઉ.વ.૩૬)એ રૂમમાં પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ ૧૦૮ મારફત થતાં તાલુકા પોલીસે પહોંચી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર કૈલાસભાઇ અહિ છ સાત વર્ષથી રહેતો હતો. તેને સંતાનમાં એક દિકરી છે. થોડા સમય પહેલા પેરેલિસિસ એટેક આવ્યો હોઇ એ પછી બ્લડપ્રેશર વધી જવા સહિતની તકલીફો થતી હતી. તેનાથી કંટાળીને આ પગલુ ભર્યુ હતું.
(2:51 PM IST)










