<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

નાગરીક બેન્‍કના પૂર્વ ચેરમેન કલ્‍પક મણીયારને મુંબઈ પોલીસની આર્થિક વીંગે સમન્‍સ પાઠવ્‍યો

આવતીકાલે ૯ તારીખે હાજર થવાનું કહેણ : ચૂંટણી ટાણે સમન્‍સ મળતા ચર્ચાઓ : બેન્‍કની સત્તાવાર પેનલ સામે સંસ્‍કાર પેનલની યાદી જાહેર : બેન્‍કના ડેલીગેટ જયેશ સંઘાણીની સોશ્‍યલ મીડિયા પોસ્‍ટ અંગે ૫૦૦ કરોડની બદનક્ષીની નોટીસ કલ્‍પક મણીયારે ફટકારી : નાગરીક બેન્‍કના ડીરેકટરોની ચૂંટણી યોજાશે જ નહિં?! સમાધાન માટેની ભૂમિકા સર્જાઈ રહ્યાની ચર્ચા

રાજકોટ, તા. ૮ : રાજકોટ નાગરીક બેન્‍કના પૂર્વ ચેરમેન શ્રી કલ્‍પક મણીયારને મુંબઈ પોલીસની આથિક વીંગ દ્વારા ડો.રાજ પોપટના કરોડોની લોન કૌભાંડ કેસમાં હાજર રહેવા સમન્‍સ મળ્‍યાનું જાણવા મળે છે. આવતીકાલે ૯ તારીખનું સમન્‍સ મળ્‍યુ છે. આ સમન્‍સ આરોપી તરીકેનું નહિં પણ સાક્ષી સમન્‍સ હોવાનું જાણવા મળે છે.

દરમિયાન શ્રી કલ્‍પક મણીયારે કહ્યુ છે કે મારી સામે અનામી વ્‍યકિત દ્વારા ખોટા વ્‍યકિતગત આક્ષેપો કરાયા છે કે મેં બેનામી લોન લીધી છે, ક્રિશ્નાઈ હોસ્‍પિટલની લોન મંજૂર કરવા લાંચ લીધી છે. શ્રી મણીયાર કહે છે આ વાત ઉપજાવી કાઢેલ છે. લોનની વાત આવે છે તેની રકમ રૂા.૨૫ લાખ છે. મારે આવી લોન બેનામી લેવી પડે ખરા? લોનની વાત કરવામાં આવે છે તે નામી વ્‍યકિત છે અને તેનું નામ છે વર્ધમાન કોમ્‍પ્‍યુટરવાળા જીતુભાઈ મેસવાણીયા.

જીતુભાઈએ મને લોન નથી આપી પરંતુ અઠવાડીયા પહેલા મેં તેમને હાથ ઉછીના ચેકથી આપેલા નાણા તેમણે મને લોન લઈ પરત આપ્‍યા છે. હું તો લોન આપનાર છું, લેનાર નથી અને તેથી બેનામી લોન લેવાનો પ્રશ્ન જ નથી તેમ શ્રી કલ્‍પક મણીયાર કહે છે.

વિશેષમાં શ્રી મણીયાર કહે છે કે.... (૧). જે લોન ની વાત થઈ રહી છે તે શ્રી નલીનભાઈ વસા ચેરમેન હતા તેમના કાર્ય કાળ દરમિયાન ૨૦૧૬ માં આપવામાં આવી છે.

(૨).        સમગ્ર લોન પ્રોસેસ માં, કે લોન કમિટી માં, કે લોન મંજૂરીમાં મારો કોઈ જ રોલ નથી.

(૩). આ જે લોન આપવામાં આવી તે ફ્રોડ ડોક્‍ટર છે.

(૪). બેંક સાથે થયેલ ફ્રોડ બાબતે બૅન્‍કે પોલીસ ફરિયાદ કરેલ છે. આજ સુધીમાં બૅન્‍કે ૩-૪ લોન લેનારનેજ willful defaulter કહ્યા છે તે પૈકીનો એક છે એટલેકે રીઢો ગુનેગાર છે.

(૫). અને જ્‍યારે આવા ફ્રોડ લોની સક્ષમ હોય છે ત્‍યારે તે કોઈ પણ અનાપ શનાપ કારણ શોધી બઁકના ચેરમેન કે ડાઇરેક્‍ટરને કેસમાં ઘસેડવાની કોશીશ કરતાં હોય છે જેથી બૅન્‍ક દબાણ વશ પોલીસ કેસમાં તથા બઁકને ભરવાની રકમમાં ફાયદો લઈ શકે. આ કિસ્‍સામાં પણ મને ઘસેડવાની કોશિશ થઈ છે.

(૬). છેલ્લા થોડા વર્ષોમાં આવા લોનીઓ દ્વારા આપણી બેંકના મારા સહિત ૪ પૂર્વ ચેરમેનો  જેમકે જ્‍યોતિનમામા, નલીનભાઈ વસા, શૈલેશભાઈ ઠાકર વી. પર પણ ફરિયાદો થઈ છે. જેના કોઈ પણ કેસ માં કોઈ પૂર્વ ચેરમેન ની સંડોવણી છે તેવું હું જરા પણ કહેતો નથી.

(૭). મે ઉપર કહ્યું તેમ અલગ અલગ પૂર્વ ચેરમેનો સામે ફરિયાદ થઈ છે તેમાં છેલ્લે પાટણ ના કેસમાં જે સમાધાન કરી ન શકાય તેવી બૅન્‍કે છાપા માં છપાવેલ જાહેરાત થી  વિપરીત બૅન્‍ક પાસે ગીરો પડેલ મિલકત માંથી વસૂલી થઈ શકે તેમ હોવા છતાં લોન લેનાર સાથે સમાધાન કરી બેન્‍કે ખૂબ મોટી રકમ જતી કરી મિલકતો છોડી દીધેલ છે. તથા અન્‍ય એક કેસ માં તપાસ ધીમી કેમ ચાલે અને ફરિયાદી સાથે કેમ સેટલ્‍મેન્‍ટ કરવું તેના પ્રયત્‍નો થઈ રહ્યા છે.

(૮). પરંતુ માત્ર મે લોની સામે જૂકવાનું મુનાસિબ ન માની અને પોલીસ કેસ નો સામનો કરવાનું વલણ રાખેલ છે, તેને ખોટી રીતે બતાવવામાં આવી રહ્યું છે.

હવે વિચારવાનું  એ હોય કે અત્‍યારે જ્‍યારે બૅન્‍કની કાલબાદેવી અને જુનાગઢ બ્રાન્‍ચના કૌભાંડો જાહેરમાં આવી ગયા છે ત્‍યારે તેમાં જે લોકો સંડોવાયેલા હોય તે લોકોજ આવા ખોટા આક્ષેપો કરે અને બેંકને પોલીસ કેસ કરતા રોકતા હોય તે સ્‍વાભાવિક રીતે માની શકાય. 

મેં આવા અનામા મેસેજ માં આપણાં સૌના વંદનીય અરવિંદભાઇનું નામ ઢસડનાર અને તેને વાયરલ કરવાનો પ્રયત્‍ન કરનારને ૫૦૦ કરોડની બદનક્ષીની નોટિસ પણ આપી દીધી છે. તેમ પણ શ્રી મણીયાર જણાવે છે.

દરમિયાન સોશ્‍યલ મીડિયા ઉપર બેન્‍કના ડેલીગેટ જયેશ સંઘાણીએ પાયોવિહોણી, મનઘડંત અને બદઈરાદાપૂર્વકની પોસ્‍ટ સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરાતા ‘સંસ્‍કાર' પેનલ ધર્મયુદ્ધ માટે મેદાને પડયાનું અને નાગરીક બેન્‍કના પૂર્વ ચેરમેન અને હાલના ડીરેકટર તથા સંસ્‍કાર પેનલના પ્રણેતા શ્રી કલ્‍પક મણીયારે તેમના સીનીયર ધારાશાષાી શ્રી બી.બી.ગોગીયા મારફત શ્રી જયેશ સંઘાણીને ૫૦૦ કરોડ રૂા.ની બદનક્ષીની નોટીસ ફટકારતા મોટો ખળભળાટ મચી ગયો છે. સંસ્‍કાર પેનલ કહે છે કે શ્રી કલ્‍પક મણીયાર બેન્‍કને કૌભાંડ મુકત બનાવવા અને બચાવી લેવા સંઘના સ્‍વયં સેવક તરીકે જવાબદારી ઉઠાવી રહ્યા છે.

દરમિયાન ટોચના ભરોસાપાત્ર બિનસત્તાવાર વર્તુળો કહે છે કે નાગરીક બેન્‍કના ડીરેકટરોની ચૂંટણી મોટાભાગે યોજાશે નહિં આ માટે સમાધાનની ભૂમિકા સર્જવામાં આવી રહી છે અને શ્રી મણીયાર જૂથના બે સભ્‍યોને સમાવી લઈ ઘીના ઠામમાં ઘી પડે તે માટેના ભારે પ્રયાસો થઈ રહ્યા છે.

(4:11 PM IST)