હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મનપા કાલાવાડ રોડ પર બનાવશે પાર્ટી પ્લોટઃ ટેન્ડર પ્રસિધ્ધ
દિવાસ્વપ્ન બનશે હકીકત : કોઠારીયા ચોક, નવા રીંગરોડ આસપાસના વિસ્તારમાં ૨.૭ કરોડના ખર્ચે પાર્કિંગ, વિશાળ લોન સહિતનું આયોજન

રાજકોટ તા. ૯: શહેરમાં લગ્ન પ્રસંગ તેમજ અન્ય પારિવારિક ઉજવણી માટે પાર્ટિપ્લોટનો ક્રેઝ દિવસેને દિવસે વધવા લાગ્યો છે. ત્યારે મહાનગરપાલિકા હવે વોર્ડ નં. ૧૧મા ટીપી સ્કીમ નંબર ૧૦ ફાઇનલ પ્લોટ ૭૩બીના પ્લોટ પર પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મનપાના લગ્નહોલની માફક પાર્ટીપ્લોટ પણ વ્યાજબીભાવથી મધ્યમવર્ગીય પરિવારોને ભાડેથી આપવામાં આવશે. હાલ પાર્ટીપ્લોટ માટે ટેન્ડર પ્રક્રિયાની કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે મહાનગરપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ શહેરના ત્રણેય ઝોનમાં પ્રસંગોની ઉજવણી માટેના પાર્ટીપ્લોટ બનાવવાનો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવ્યો છે. ત્રણેય ઝોનના છેવાડાના વિસ્તારોમાં ખાલી પ્લોટનો સર્વે હાથધરવામાં આવ્યો છે. જે અંતર્ગત સૌપ્રથમ વોર્ડ નં. ૧૧માં પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટી પ્લોટ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથધરાઈ છે. જે પૂર્ણ થયા બાદ તુરંત પાર્ટીપ્લોટનું કામ શરૂ કરવામાં આવશે. જેને સંભવત એક વર્ષ જેટલો સમય લાગે તેમ જાણવા મળેલ છે. છતાં આવતા વર્ષથી મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટનો લાભ મધ્યમ પરિવારોને મળે તેવી સંભાવના જોવાઈ રહી છે.
આ પાર્ટી પ્લોટ કુલ ૧૧૦૩૬ ચો.મી.ના પ્લોટમાં બનાવવામાં આવશે. જેમાં ૫૫૧૪ ચો.મી. જગ્યામાં પાર્કિંગ તથા ૫૫૨૨ ચો.મી જગ્યામાં બફેટ એરિયા (લોન એરિયા) બનાવવામાં આવશે. લોન એરિયામાં સ્ટેજ, વર-વધુ માટે રૂમ, કિચન તથા રીફ્રેશમેંટ એરિયાનો સમાવેશ કરવામાં આવેલ છે. કુલ ૧૬૧ નંગ ૪ વિહિલર તથા ૩૭૦ નંગ ર- વિહિલર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કામ કરવા માટે આશરે ૨,૦૭,૮૪,૩૦૫ રૂપિયાનો ખર્ચ થવા પામશે.
પ્રથમ ૧૧ નંબર વોર્ડમાં પાર્ટીપ્લોટ તૈયાર કરાશે ત્યાર બાદ ઈસ્ટઝોન અને સેન્ટ્રલઝોનમાં મહાનગરપાલિકા જગ્યાનો સર્વે કરી પાર્ટી પ્લોટ તૈયાર કરશે તેમ જાણવા મળેલ છે.










