<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

ચેતજો...ઇન્‍સ્‍ટ્રાગ્રામમાં બહારગામનું સ્‍ટેટસ જોઇ મિત્રના ઘરમાં જ ઇરફાન કાદરીએ ચોરી કરી!

બહારગામ જાવ ત્‍યારે સોશ્‍યલ મીડીયામાં સ્‍ટેટસ ન મુકો પોલીસની વારંવારની જાહેર અપીલ છતા લોકો ઘેલછા છોડતા નથી દેવનગર અને ગુ.હા.બોર્ડના કવાર્ટરમાં થયેલ બે ઘરફોડ ચોરીનો ગણત્રીના દિવસોમાં ભેદ ઉકેલતી એલસીબી ઝોન-રની ટીમઃ ૩.૭૪ લાખનો મુદામાલ કબ્‍જે

તસ્‍વીરમાં ચોરાઉ દાગીના અને પકડાયેલ ઇરફાન નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૯ : ચોરીના બનાવો અટકાવવા બહારગામ જાવ ત્‍યારે સોશ્‍યલ મીડીયામાં સ્‍ટેટસ ન મુકો તેવી પોલીસની વારંવારની અપીલ છતા કોઇ અપીલ કરતુ ન હોય ચોરીના બનાવો છાશવારે બને છે. એક એલસીબી ઝોન-રની ટીમે માલવીયાનગર તથા તાલુકા પોલીસ મથકમાં થયેલ બે ઘરફોડ ચોરીના બનાવનો ગણત્રીના દિવસોમાં ભેદ ઉકેલી ચોરી કરનાર શખ્‍સની પુછતાછ કરતા તેણે તેના જ મિત્રનું ઇન્‍સ્‍ટ્રાગ્રામમાં બહારગામનું સ્‍ટેટસ જોઇ તેના ઘરમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.

બે દિ' પહેલા નાનામવા રોડ ઉપર દેવનગર શેરી નં. ૬ માં રહેતા રાહુલ રમેશભાઇ દાફડાના ઘરમાંથી ૧.૧૩ લાખના દાગીનાની તથા તાલુકા કાલાવડ રોડ ઉપર ગુ.હા. બોર્ડના કવાર્ટરમાં ચોરીનો બનાવ બનતા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, ઇ.અધિક પોલીસ કમિશ્નર સજ્જનસિંહ પરમાર તથા ઇ.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર પુજા યાદવએ સદરહુ ચોરીઓના ગુન્‍હાનો ભેદ ઉકેલવા સુચના આપતા પો.સબ ઇન્‍સ. આર.એચ.ઝાલા તથા એલસીબી ઝોન-ર કર્મચારીઓ સરકારશ્રી દ્વારા નિયુકત કરેલ આઇ.વે. પ્રોજેકટના કેમેરા તથા કમાન્‍ડ એન્‍ડ કન્‍ટ્રોલના કેમેરા તથા બનાવ સ્‍થળ વિસ્‍તારના તથા આજુબાજુના સીસીટીવી ફુટેજ તથા ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સના માધ્‍યમથી તપાસમાં હતા તે દરમ્‍યાન સંયુકત ખાનગીરાહે મળેલ હકિકત આધારે કાલાવાડ રોડ વૃંદાવન મેઇન રોડ પરથી સોના-ચાંદીના  દાગીના કિ. ર.૮૯ લાખ બાઇક, મોબાઇલ તથા રોકડ રૂા. ર૯,૬ર૦ મળી કુલ રૂા. ૩.૭૪ લાખના મુદામાલ સાથે આરોપી ઇરફાન અલીમીયા કાદરી (ઉ.વ.ર૪) ધંધો મજુરીકામ રે. કાલાવાડ રોડ વૃંદાવન સોસાયટી પાસે સમૃધ્‍ધિ આવાસ યોજના ગુ.હા.બોર્ડના કવાર્ટર બ્‍લોક નં. ૪ કવાર્ટર નં. ૧૦ર૧ કાલાવાડ રોડને દબોચી લીધો હતો.

પકડાયેલ ઇરફાને પોલીસ સમક્ષ એવી કેફીયત આપી હતી કે તે નાણાભીડમાં ફસાતા દેવનગરમાં રહેતા મિત્ર રાહુલના બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી. મિત્ર રાહુલનું ઇન્‍સ્‍ટ્રાગ્રામમાં બહારગામનું સ્‍ટેટસ જોઇ ઘરમાં ચોરી કરવાનો મોકો મળી ગયો હતો. તેમજ ઇરફાન જયાં રહે છે તે ગુ.હા.બોર્ડના કવાર્ટરમાં એક બ્‍લોક ઘણા સમયથી બંધ રહેલ હોય તેને નિશાન બનાવી ચોરી કર્યાનું જણાવ્‍યું હતું.

ચોરીમાં પકડાયેલ ઇરફાન કાદરી અગાઉ દારૂ અને મારમારીના ૭ ગુન્‍હામાં પકડાઇ ચુકયો છે. તેમજ પાસામાં પણ તેની અટકાયત કરાઇ હતી.

આ કામગીરીમાં એલસીબી ઝોન-ર ટીમના પો.સબ ઇન્‍સ. આર.એચ.ઝાલા, એ.એસ.આઇ. જે.વી.ગોહીલ, પો.હેડ કોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહીલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, પો.કોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા તથા કુલદીપસિંહ રાણા સહિતના જોડાયા હતા.

(3:44 PM IST)