<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

સહકાર પેનલે સંસ્‍કાર પેનલના ૭ ઉમેદવારો સામે વાંધા લીધાઃ ઉમેદવારી રદ્‌ થશે?

નાગરીક બેંક ચુંટણી બની ટોક ઓફ ધ ટાઉન કલ્‍પક મણીયાર, જયંતભાઇ ધોળકીયા, મિહિર મણીયાર, હિમાંશુ ચિનોય, કાળુમામા, નિમેષ કેશરીયા સહિતના ઉપર ટેકેદારની સહી, ડીરેકટર પદનો કાર્યકાળ તથા અન્‍ય બેંકમાં સભાસદ રહેવા બદલ ગેરલાયક ઠેરવવા ફરીયાદઃ કલેકટર દ્વારા સુનાવણી : ૩.૩૦ આસપાસ ચિત્ર સ્‍પષ્‍ટ થશે

રાજકોટ, તા., ૯ : સહકારી બેંકોમાં મોખરાનું સ્‍થાન ધરાવતી નાગરીક બેંકની ચુંટણીના ઢોલ ઢબુકયા છે. મુરતીયાઓ પણ મેદાને છે ત્‍યારે સામાન્‍ય લાગતી ચુંટણી અસામાન્‍ય બનવા તરફ જઇ રહી છે.

નાગરીક બેંકની આ ચુંટણીમાં બે પેનલો સહકાર અને સંસ્‍કાર દ્વારા ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્‍યા છે. આજે જાણે બદનક્ષીના દાવાનો દાવ લેવાતો હોય તેવી રીતે સહકાર પેનલ દ્વારા સંસ્‍કાર પેનલના ૭ ઉમેદવારો સામે વાંધા અરજી દાખલ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

સહકારી અગ્રણી જયોતિન્‍દ્રભાઇ મહેતા પ્રેરીત સહકાર પેનલે નાગરીક બેંકના પુર્વ ચેરમેન કલ્‍પક મણીયારની સંસ્‍કાર પેનલના જયંતભાઇ ધોળકીયા, લલીતભાઇ વડેરીયા (કાળુમામા), મિહિર મણીયાર, હિમાંશુ ચિનોય, નિમેષ કેશરીયા અને ખુદ કલ્‍પક મણીયાર સહિતના ૭ ઉમેદવારોની ઉમેદવારી સામે વાંધા અરજી રજુ કરવામાં આવ્‍યા છે.

આજે ફોર્મ ચકાસણીના દિવસે સહકાર પેનલે એક ફોર્મ એક જ ટેકેદારની સહી,  ૮ વર્ષ ડીરેકટર પદ પર રહી ચુકયા હોય તથા અન્‍ય બેંકમાં સભાસદ હોવાના મુદ્દે સંસ્‍કાર પેનલના ૭ ઉમેદવારો સામે ઉમેદવારી રદ કરવા ફરીયાદ કરી ભીંસ વધારી છે.

આ લખાય છે ત્‍યારે કલેકટર પ્રભવ જોષી દ્વારા આ વાંધા અરજીઓ ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. જે અંગે બન્ને પક્ષની રજુઆતો બાદ લગભગ બપોરે ૩.૩૦ કલાક આસપાસ નિર્ણય આવવાની શકયતા હોવાનું જાણવા મળી રહયું છે. ત્‍યારે સભાસદોની સાથે શહેરના નાગરીકોમાં પણ ઉત્તેજના પ્રસરી છે.

(3:50 PM IST)