<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

મમ્‍મી મને માફ કરી દેજો, મને ડોકટર બનવાવવાના તમારા સપનાને પુરા નહિ કરી શકું: ચિઠ્ઠી લખી છાત્રાનો આપઘાત

૧૫૦ રીંગ રોડ અયોધ્‍યા ચોક ઓસ્‍કાર રેસિડેન્‍સીમાં ૧૭ વર્ષની ધો-૧૨ની છાત્રા માહી મલ્‍કાણએ ગળાફાંસો ખાઇ જિંદગી ટુંકાવી લીધીઃ એકની એક લાડકવાયી દિકરીના અંતિમ પગલાથી મલકાણ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૧: ‘મમ્‍મી મને માફ કરી દેજો, હું તમારા ડોક્‍ટર બનવાના સપના પુરા નહિ કરી શકું'...આ પ્રકારની સ્‍યુસાઇડ નોટ લખી ધોરણ-૧૨ સાયન્‍સમાં ભણતી છાત્રાએ નાપાસ થવાની બીકે ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. શહેરના દોઢસો ફુટ રીંગ રોડ અયોધ્‍યા ચોકમાં નેત્રમ હોસ્‍પિટલવાળી શેરીમાં ઓસ્‍કાર રેસિડેન્‍સીમાં આ બનાવ બન્‍યો છે.

જાણવા મળ્‍યા મુજબ ઓસ્‍કાર રેસીડેન્‍સીમાં રરહેતી અને મોદી સ્‍કૂલમાં ધોરણ-૧૨માં અભ્‍યાસ કરતી માહી આલોકભાઇ મલકાણ (ઉ.વ.૧૭)એ રાત્રે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયદિપસિંહ જાડેજા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે કરતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એન. જે. મસાકપુત્રા અને રાઇટર જયશ્રીબેને હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર માહી માતા-પિતાની એકની એક દિકરી હતી અને વી. જે. મોદી સ્‍કૂલમાં ધોરણ-૧૨ સાયન્‍સમાં ભણતી હતી. તેને અભ્‍યાસ બાદ ડોક્‍ટર બનવાની ઇચ્‍છા હતી. તેના પિતા વેપાર કરે છે. ગત સાંજે માતા-પિતા સહિતના બહાર ગયા હતાં અને બહારથી રાતે દસેક વાગ્‍યે ઘરે આવ્‍યા ત્‍યારે દરવાજો અંદરથી બંધ હોઇ ઇન્‍ટર લોકો ખોલીને જોતાં દિકરી લટકતી મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. માહીને બેભાન હાલતમાં નીચે ઉતારી તુરત જ સિવિલ હોસ્‍પિટલે ખસેડાઇ હતી. પરંતુ ટુંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

પોલીસે વધુ તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે આપઘાત પુર્વે માહીએ સાતેક લીટીની એક સ્‍યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણીએ મમ્‍મી મને માફ કરી દેજો, હું તમારા ડોક્‍ટર બનવાના સપના પુરા નહિ કરી શકું!...તે પ્રકારનું લખાણ હતું. અભ્‍યાસમાં  ટેન્‍શનને કારણે થોડી ડિપ્રેશનમાં આવી જતાં નાપાસ થશે અને ડોક્‍ટર નહિ બની શકે તેવું લાગતાં આ પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો ખુલી છે. લાડકવાયી આશાસ્‍પદ દિકરી ગુમાવનારા પરિવારજનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે.

(12:41 PM IST)