<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

યુવતિને બોલેરોમાં બેભાનીયુ પીણું પાઇ વિરમ સાનીયાનો બળાત્‍કારઃ વિડીયો ઉતારી બ્‍લેકમેઇલ કરી શોષણ કરતાં આપઘાતનો પ્રયાસ કર્યો

ચાર વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં પરિચય થયો પછી ફેસબૂક પર રિક્‍વેસ્‍ટ મોકલી ફ્રેન્‍ડ બનાવી ફસાવીઃ પહેલીવાર બોલેરોમાં પછી રાજકોટ, તરઘડીની અલગ અલગ હોટેલમાં લઇ જઇ બળજબરી આચરી : એક હોટેલમાં પરાણે મુખ મૈથુન કરાવતાં ઉલ્‍ટીઓ થઇઃ યુવતિના લગ્ન હતાં તેના આગલા દિવસે પણ બળજબરી આચરીઃ પરણીને સાસરે ગઇ પછી પણ બ્‍લેકમેઇલીંગ ચાલુ રાખ્‍યું: યુવતિના પતિએ ઠપકો દેતાં તેને પણ ધમકાવ્‍યોઃ અંતે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી

રાજકોટ તા. ૧૧: શહેરમાં રહેતી એક યુવતિ ચારેક વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં જામનગર પંથકમાં ગઇ ત્‍યારે પડધરીના મેટોડાના શખ્‍સ સાથે પરિચય થયો હોઇ બાદમાં તેણે ફેસબૂક ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલી મિત્રતા બાંધી બાદમાં વ્‍હોટ્‍સએપ કોલ, ફોન કરી એક દિવસ મળવા બોલાવી તેની બોલેરોમાં બેસાડી બેભાનીયુ ઠંડુપીણુ પાઇ  બળાત્‍કાર ગુજારી લેતાં અને બાદમાં ફોન કરી મેં તારો વિડીયો ઉતારી લીધો છે, વાયરલ કરી દઇશ તેમ કહી ધમકાવી અવાર-નવાર મળવા બોલાવી રાજકોટ, તરઘડી સહિતના સ્‍થળોએ અલગ અલગ હોટેલમાં લઇ જઇ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી લઇ તેમજ આ યુવતિના લગ્ન હતાં તેના આગલા દિવસે પણ બળજબરી કરી લઇ ફોટા પાડી લીધા બાદ લગ્ન થઇ ગયા પછી પણ તેણી માવતરે આવી ત્‍યારે ફરી ધમકી દઇ બસ સ્‍ટેશન પાછળ હોટેલમાં લઇ જઇ દૂષ્‍કર્મ આચરી લેતાં અને તેણી સાસરે ગઇ ત્‍યારે પણ ફોન કરવાનું ચાલુ રાખતાં તેણીએ આપઘાતનો પ્રયાસ કરતાં અંતે પરિવારજનોએ હિમ્‍મત આપતાં દૂષ્‍કર્મની ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર ૨૫ વર્ષની યુવતિની ફરિયાદ પરથી પડધરીના મેટોડા ગામે રહેતાં વિરમ નાગજીભાઇ સાનીયા નામના શખ્‍સ વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૨૩, ૬૪ (૨) (એમ), ૩૫૧ (૩) મુજબ ભોગ બનનાર યુવતિ સાથે સોશિયલ મિડીયાથી પરિચય કરી મિત્રતા કેળવી બોલેરો ગાડીમાં બેસાડી ઠંડાપીણામાં નશાકારક પદાર્થ ભેળવી તેણીને પીવડાવી બેભાન જેવી કરી બળાત્‍કાર ગુજારી તેમજ તેનો વિડીયો બનાવી તેના આધારે બ્‍લકમેઇલ કરી અલગ અલગ જગ્‍યાએ લઇ જઇ અવાર-નવાર શારીરિક સંબંધ બાંધી ફોટા પાડી જો સંબંધ નહિ રાખે તો ફોટા, વિડીયો વાયરલ કરી દેશે કહી તેણીને તથા તથા તેના પરિવારને બદનામ કરવાની ધમકી આપ્‍યાનો ગુનો નોંધ્‍યો છે.

ભોગ બનનાર યુવતિએ જણાવ્‍યું છે કે મારા લગ્ન થોડા મહિના પહેલા જ થયા છે, હાલ હું મારા માવતરે છું. વર્ષ ૨૦૨૧માં હું તથા મારો આખો પરિવાર જામનગર પંથકમાં અમારા સગાને ત્‍યાં લગ્ન પ્રસંગમાં ગયા હતાં. તે વખતે મારી મુલાકાત વિરમ નાગજી સાનીયા સાથે થઇ હતી. એ પછી અમે રાજકોટ આવી ગયા બાદ વિરમે મને ફેસબૂક આઇડી પર ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલતાં મેં તે સ્‍વીકારી હતી. એ પછી અમે બંનેએ ફેસબૂક પર દસ બાર દિવસ વાતચીત કરી હતી અને એકબીજાના ફોન નંબરની આપ લે કરી હતી. મારા વ્‍હોટ્‍સએપ નંબર પણ મેં તેને આપ્‍યા હતાં. એ પછી અમે એક વર્ષ સુધી એટલે કે ૨૦૨૨ સુધી એક બીજા સાથે વ્‍હોટ્‍સએપથી વાતચીત કરી હતી, જેની મારા પરિવારજનોને જાણ નહોતો.

ત્‍યારબાદ આજથી બે વર્ષ પહેલા વિરમ સાનીયાએ મને વ્‍હોટ્‍સએપ કોલ કરી રાજકોટ ખાતે મને મળવા આવ્‍યો હતો. હું એકલી હોઉ ઘરેથી નીકળી ત્‍યારે  ગાંધીગ્રામ નજીક રોડ પર વિરમ સફેદ રંગની બોલેરો લઇને આવ્‍યો હતો. તેની આ ગાડીમાં હું બેસી જતાં તે કષ્‍ટભંજનના ખુણા તરફ લઇ ગયો હતો અને ગાડી ઉભી રાખી હતી. અમે વાતચીત કર્યા બાદ વિરમ પોતાની પાસે ઠંડુપીણુ થમ્‍સઅપની બે બોટલ લાવ્‍યો હતો તેમાંથી એક મને પીવા આપી હતી અને બીજી પોતે પીવા માંડયો હતો. મેં થમ્‍સઅપ પીધા બાદ હું બેભાન થઇ ગઇ હતી. ભાનમાં આવી ત્‍યારે મારા કપડા વિરમે ઉતારી લીધા હતાં. ઠંડાપીણામાં કોઇ નશાકારક પદાર્થ ભેળવી મને પીવડાવી બેભાન કરી મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો.

મેં તેને મારી સાથે ખોટુ કર્યુ હોવાની વાત કરી હું મારા ઘરનાઓને જાણ કરી દઇશ તેમ કહી હું બોલેરોમાંથી ઉતરી ગઇ હતી અને મારા ઘરે પહોંચી ગઇ હતી. એ પછી વિરમે મને વ્‍હોટ્‍સએપ કોલ કરી કહેલુ કે મેં તારો વિડીયો ઉતારી લીધો છે, જો તું તારા ઘરના સભ્‍યોને વાત કરીશ તો હુ઼ વિડીયો વાયરલ કરી દઇશ, તારી બદનામી કરી નાખીશ તેમ કહી ધમકી આપતાં મેં કોઇને વાત કરી નહોતી. તેની ધમકીને કારણે હું તેની સાથે વ્‍હોટ્‍સએપ પર વાત કરતી હતી. ત્‍યારપછી પાંચેક મહિના બાદ વિરમ એકલો રાજકોટ આવ્‍યો હતો અને બપોરના સમયે મને ફરી બોલેરોમાં બેસાડી બજરંગવાડી વિસ્‍તારની હોટેલમાં લઇ ગયો હતો. જ્‍યાં રજીસ્‍ટરમાં મને સહી કરવાનું કહેતાં મેં સહી કરી હતી. અહિ રૂમમાં પણ મારી સાથે મરજી વિરૂધ્‍ધ શરીર સંબંધ બાંધી લીધો હતો.

ત્‍યારબાદ ત્રીજી વખત વિરમે મને ફોન કરી પરા પીપળીયાના પાટીયે બોલાવતાં હું મારા ઘરે મામાને ત્‍યાં બહર ગામ જવાનું કહીને રિક્ષામાં બેસી પરા પીપળીયાના પાટીયે જતાં ત્‍યાં વિરમ બોલેરો લઇને ઉભો હતો. તેમાં મને બેસાડી તે પડધરીના મેટોડા મુકામે તેની ઓફિસે લઇ ગયો હતો. ઓફિસમાં મારી સાથે ત્રીજીવાર મરજી વિરૂધ્‍ધ શારીરિક સંબંધ બાંધી લીધો હતો. એ પછી તે મને ધ્રોલના પાટીયા સુધી મુકી ગયો હતો. ત્‍યાંથી હું મામાને ત્‍યાં ગઇ હતી અને પાંચેક દિવસ રોકાઇ હતી. ફરી વિરમે વ્‍હોટ્‍સએપ કોલ કરી કહેલુ કે હું તને ધ્રોલના પાટીયે લેવા આવુ છું. આ પછી હું ધ્રોલના પાટીયે જતાં વિરમ બોલેરો લઇને આવેલો અને તરઘડી પાસેની હોટેલમાં લઇ ગયો હતો. ત્‍યાં ચોથીવાર બળાત્‍કાર ગુજાર્યો હતો. અહિ પરાણે મુખ મૈથુન કરાવતાં મને ઉલ્‍ટી થવા માંડી હતી. એ પછી વિરમ મને રાજકોટ મુકી ગયો હતો.

ત્‍યાર પછી તા. ૨૮/૪/૨૪ના રોજ લગ્ન પ્રસંગ હોઇ જાન નજીકના ગામે ગઇ હોઇ હું એકલી હતી ત્‍યારે વિરમે ફરી વ્‍હોટ્‍સએપ કોલ કર્યો હતો અને કહેલુ કે મને મળવા આવ. પણ મેં તેને કુટુંબમાં લગ્ન છે અને જાન ગઇ છે તેમ કહેતાં તેણે હું તારા ઘરે આવુ છું તેમ કહેલુ, મેં ના પાડતાં તેણે વિડીયો વાયરલ કરવાની અને મારા ભાઇના લગ્ન તોડાવી નાખવાની ધમકી આપતાં મેં તેને છેલ્લીવાર મળી જવા કહેતાં તે મારા ઘરે આવેલો અને ફરી અહિ શરીરસંબંધ બાંધી તેના ફોટા પણ વિરમે મોબાઇલથી પાડી લીધા હતાં અને નીકળી ગયો હતો.

ત્‍યારબાદ મારા લગ્ન થઇ ગયા હોઇ હું ત્રણેક મહિના પછી પીયર આવી હતી. ત્‍યારે ફરી વિરમે વ્‍હોટ્‍સએપ કોલ કરી બોલાવતાં હું બજારે જવાનું કહીને નીકળી હતી અને ત્રિકોણબાગે જતાં વિરમ બોલેરો લઇને આવેલો અને મને બસ સ્‍ટેશન પાછળ હોટેલમાં લઇ ગયો હતો. ત્‍યાં પણ રૂમમાં મારી સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધી ધમકી આપી હતી કે તારા લગ્ન ભલે થઇ ગયા, હું બોલવુ એટલે આવવુ જ પડશે નહિતર તારા ફોટા વિડીયો વાયરલ કરી દઇશ અને તારા પરિવારને બદનામ કરી દઇશ. એ પછી તે મને ત્રિકોણબાગ ઉતારી જતો રહ્યો હતો અને હું રિક્ષામાં ઘરે આવી ગઇ હતી.

ત્રણેક દિવસ પછી ફરીથી વ્‍હોટસએપ કોલ કરી મારા ડોક્‍યુમેન્‍ટ માંગ્‍યા હતાં. મેં તેને ડોક્‍યુમેન્‍ટ શું કરવા છે? તેમ કહેતાં તેણે મારે જોઇએ છે કહી ધમકી આપતાં મેં આધારકાર્ડ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, જન્‍મ તારીખનો દાખલો, સ્‍કૂલ લીવીંગ, પાસપોર્ટ સાઇઝના ફોટા બધુ આપ્‍યું હતું. હું વિરમની ધમકીથી કંટાળી ગઇ હતી. દરમિયાન મને મારો પતિ સાસરે તેડી ગયો હતો. ત્‍યાં પણ વિરમ અવાર-નવાર ફોન કરી, વ્‍હોટ્‍સએપ કોલ કરતો હોઇ મારા પતિને ખબર પડી જતાં તેણે વિરમને ફોન કરી મને હેરાન નહિ કરવા જણાવ્‍યુ઼ હતું. ત્‍યારે વિરમે મારા પતિને પણ ધમકી આપી હતી.

બાદમાં મારા પતિએ મારા ભાઇને વાત કરી મને તેડી જવાનું કહેતાં મને દોઢેક મહિના પહેલા માવતરે લઇ ગયા હતાં. હું કંટાળી ગઇ હોઇ મેં અગાસીએથી કુદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મને ઇજાઓ થતાં સારવાર માટે લઇ જવાઇ હતી. બાદમાં કુટુંબીજનોએ મને આ પગલુ ભરવાનું કારણ પુછતાં મેં વિરમે મારી સાથે  બળજબરી કરી ફોટા વિડીયો લઇ વાયરલ કરવાની ધમકી આપી સતત પરાણે શારીરિક સંબંધ બાંધી લીધાની અને તે ધમકીઓ આપતો હોવાની વાત કરતાં અંતે મને કુટુંબીજનોએ ફરિયાદ નોંધાવવા હિમત આપતાં મેં ફરિયાદ કરી હતી. પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(3:15 PM IST)