<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

ઋષીકેશ સોસાયટીમાં આર્કિટેક્‍ટના ઘરમાં ૬ા લાખની ચોરી

યુનિવર્સિટી રોડ આયુર્વેદિક હોસ્‍પિટલ પાછળ બનાવઃ ઘરધણી અક્ષયભાઇ મુંગરા ૧ વર્ષના દિકરાની દવા લેવા એઇમ્‍સમાં ગયા ત્‍યાં તેણીને દાખલ કરવામાં આવતાં એક રાત રોકાયાઃ રેઢા ઘરમાં હાથફેરોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી

રાજકોટ તા. ૧૧: યુનિવર્સિટી રોડ પર આવેલી સરકારી આયુર્વેદિક હોસ્‍પિટલ પાછળ ઋષીકેશ સોસાયટીમાં રહેતાં આર્કિટેક્‍ટ અક્ષયભાઇ મગનભાઇ મુંગરા (ઉ.વ.૩૦) નામના યુવાનનું ઘર એક જ રાત માટે રેઢુ બંધ પડયું હોઇ તસ્‍કરો ત્રાટકી રોકડ દાગીના મળી રૂા. ૬,૨૫,૦૦૦ની માલમત્તા ચોરી જતાં યુનિવર્સિટી પોલીસે ડોગ સ્‍ક્‍વોડ, ફિંગર પ્રિન્‍ટ નિષ્‍ણાંતો સાથે દોડી જઇ તપાસ શરૂ કરી હતી. આસપાસમાં સીસીટીવી કેમેરા છે કે કેમ? તેની પણ તતપાસ થઇ રહી છે.

જાણવા મળ્‍યા મુજબ ઋષીકેશ સોસાયટી-૨માં રહેતાં આર્કિટેક્‍ટ અક્ષયભાઇ પટેલે પોતાના ઘરમાં ચોરી થયાની જાણ કરતાં પોલીસે ત્‍યાં પહોંચી તપાસ કરી હતી અને તેમની ફરિયાદ નોંધી હતી. અક્ષયભાઇ  પોતાના પત્‍નિ નિમીષાબેન, પુત્ર ધનુષ (ઉ.વ.૧) સાથે રહે છે અને આર્કિટેક્‍ટનું કામ કરે છે, તે ભાડેથી રહે છે અને મકાન માલિકનું નામ દિવ્‍યાબેન હરેશભાઇ શીંગાળા છે. તેમણે જણાવ્‍યું હતું કે તા. ૧૦/૧૧ના રોજ મારા દિકરા ધનુષને કફની બિમારી સબબ સારવાર માટે હું અને મારા પત્‍નિ એઇમ્‍સ હોસ્‍પિટલ ખાતે લઇ ગયા હતાં. જ્‍યાં ડોક્‍ટરે નિદાન કર્યા બાદ મારા દિકરાને દાખલ કરવો પડશે તેમ કહેતાં અમે તેને દાખલ કર્યો હતો. તા. ૧૧/૧૧ના સવારે અમારા પડોશીએ ફોન કરી કહેલુ કે  તમારા ઘરના તાળા તુટેલા છે. જેથી અમે દિકરાની રજા લઇ ઘરે આવ્‍યા હતાં.

ઘરે આવીને જોતાં દરવાજા ખુલ્લા હતાં અને તાળા તૂટેલા હતાં. તસ્‍કરો કબાટમાંથી સોનાની ચેઇન દસ ગ્રામની, પાંચ કઇડા દસ ગ્રામના, ત્રણ સોનાની વીંટી દસ ગ્રામની, ત્રણ પેન્‍ડલ પાંચ ગ્રામના, એક મંગલ સુત્ર દસ ગ્રામનું, સોનાની ત્રણ વીટી પંદર ગ્રામની, કાનની બુટી, બ્રસેલેટ, મળી રૂા. ૪,૮૦,૦૦૦ના ૭૫ ગ્રામ સોનાના દાગીના તથા ચાંદીના દાગીના તેમજ રોકડા ૧,૩૦,૦૦૦ મળી કુલ ૬,૮૦,૦૦૦ની માલમત્તા ચોરી ગયાનું જણાતાં પોલીસને જાણ કરી હતી. પીઆઇ એમ. જી. વસાવા, રાઇટર રાહુલભાઇ રાઠોડની રાહબરીમાં હેડકોન્‍સ. એસ. જે. ઠાકરે ગુનો નોંધ્‍યો હતો. ડી. સ્‍ટાફની મદદથી તપાસ શરૂ થઇ છે. એલસીબી ઝોન-૨ ટીમ પણ તપાસમાં સામેલ થઇ છે.

(4:35 PM IST)